Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારના મંત્રી રિવાબા જાડેજાની તાકીદ પછી
જામનગર તા. ર૬: જામનગરના ગાંધીનગર વિસ્તારના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી આવતી દુર્ગંધના કારણે વ્યાપક રજૂઆતો પછી ગઈકાલે રાજ્યના મંત્રીની સૂચના પછી મહાનગર પાલિકાના જવાબદાર અધિકારી અને સ્થાનિક કોર્પોરેટરોએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી સૂચના આપી હતી.
જામનગરના ગાંધીનગરના છેવાડાના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી અતિશય દુર્ગંધ આવતી હોવાની સ્થાનિક રહેવાસીઓમાંથી વ્યાપક ફરિયાદો ઊઠવા પામી હતી.
જેના અનુસંધાને ગઈકાલે જામનગરના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ કોર્પોરેટરને અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
આથી સોલીડ વેસ્ટ શાખાના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, તેમજ ભાજપના કોર્પોરેટર વિગેરે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં પહોંચ્યા હતાં અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
કંપનીમાં બહાર ખડકાયેલા કચરાનો યોગ્ય નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી તેમજ એક અઠવાડિયામાં બે વખત મહાનગરપાલિકાની ટીમ આ પ્લાન્ટની સ્થળ મુલાકાત કરશે તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું, અને ખાસ તો દુર્ગંધ મારતા કચરામાં ડીઓ સ્પ્રે વધારે કરવાની પણ કંપનીને સૂચના આપવામાં આવી છે, તેમજ હવે સતત મોનીટરીંગ કરાશે તેમ જણાવ્યું છે.
તંત્ર શા માટે અચાનક દોડતું થયું!!
જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની સામે ઘણાં સમયથી અનેક ફરિયાદો ચાલુ જ રહી હતી. આ વિવાદાસ્પદ કંપનીની કામગીરી અંગે પણ સવાલો ઊઠતા જ રહ્યા છે, તેમ છતાં મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓ કે ભાજપના શાસકો દ્વારા ક્યારેય પ્રજાને પરેશાન કરતી સમસ્યા અંગે કંપની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી.
રાજકારણમાં કોંગ્રેસ તો વિરોધ પક્ષ છે અને તેથી કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની સામે વખતો વખત વિરોધ પ્રદર્શનો, ધરણાં વગેરે થતા જ રહે છે, તે પ્રમાણ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના કારણે આસપાસના રહેવાસીઓને સાથે રાખીને કોંગ્રેસે પ્લાન્ટના સ્થળ ઉપર આંદોલન, વિરોધ પ્રદર્શન કર્યું, પણ આ વખતના વિરોધ પ્રદર્શનમાં ૭૮-જામનગર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પદે આરૂઢ થયેલા રિવાબા જાડેજાના ફોટા સાથેના બેનરો સાથે એક અલગ જ સ્ટાઈલમાં ગાંધીનગર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
નવાઈની વાત એ છે કે, કાયમ માટે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને નહીં ગણકારતું મહાનગરપાલિકા તંત્ર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના સ્થળે દોડતું થયું... અધિકારીઓના કાફલાએ સ્થળ ઉપર જઈને કંપનીના સંચાલકો/સ્ટાફને કડક સૂચના આપવી પડી છે. અર્થાત્, સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસના અલગ સ્ટાઈલથી થયેલા વિરોધ પ્રદર્શનની જાદુઈ અસર થઈ છે.
જો કે, આ અગાઉ આ વોર્ડના ભાજપના જ કોર્પોરેટરને જનરલ બોર્ડમાં કંપનીની કામગીરી અને લોકોની સમસ્યા અંગે રજૂઆત કરી હતી... પણ કોઈપણ કારણોસર મનપાના ચોક્કસ અધિકારી અને ચૂંટાયેલા ચોક્કસ પદાધિકારીની મીઠી નજરના કારણે મનપા તંત્ર કંપની સામે કોઈ પગલાં લેતું ન હતું.
એની વે... સમસ્યાના ઉકેલ માટે જેને પણ જશ ખાટવો હોય તે ભલે ખાટે... સમસ્યામાં રાહત મળી અને તંત્ર જાગ્યું તે ખૂબ મહત્ત્વનું છે. 'હૈ આમસે હમે મતલબ, ગુટલી સે ક્યા લેના...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial