Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂ।. ચાર લાખ કરોડનું બજેટ વિધાનસભામાં પ્રસ્તુત

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલા અંદાજપત્રમાં કરી કેટલીક નવી જાહેરાતોઃ ગુજરાતની વિવિધ સિદ્ધિઓ વર્ણવીઃ દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો પણ વર્ણવ્યો

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૮: ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ-૨૦૨૬-૨૭નું ગુજરાતનું વાર્ષિક બજેટ આજે વિધાનસભામાં રજુ કર્યું હતું. આજ સુધીના સૌથી મોટા કદના ગણાવાતા રૂ।. ચાર લાખ કરોડના વર્ર્ષ-૨૦૨૬-૨૭ના બજેટમાં નાણામંત્રીએ કેટલીક નવી જોગવાઈઓ કરી છે તો ગુજરાતની ગૌરવરૂપી કેટલીક સિદ્ધિઓ વર્ણવીને બજેટની વિસ્તૃત જોગવાઈઓ રજુ કરી હતી.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું આજ સુધીનું સૌથી મોટુ ગણાતુ રૂ।. ચાર લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં ખાસ કરીને આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા ૫ નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનું ૪,૦૮,૦૫૩  કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત ૨૪ વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે. સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને એ સાથે ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ ગુજરાતની સમગ્ર જનતા વતી હું તેમને અભિનંદન પાઠવું છું. વિકસિત ભારત૨૦૨૪ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ ગુજરાત કેટલીક ગૌરવવંતી સિદ્ધિઓ પણ વર્ણવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ૩ લાખ ૧ હજાર છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ૬૦%થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલિમેન્ટેશન ઓફ એઆઈ, ઇન્ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.

અત્રે નાણામંત્રીએ બજેટમાં રજૂ કરેલી વિવિધ યોજનાવાર તથા નવી જોગવાઈઓની વિગતો પ્રસ્તુત છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) માટે ૩૪૭૨

કરોડની ફાળવણી

'પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)' યોજના હેઠળ ૨ કરોડ ૭૨ લાખથી વધુ લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં ૬૮ લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે ૩૪૭૨ કરોડની જોગવાઇ કરાઈ છે.

હાયર એજ્યુકેશન લોન માટે ૮૬૯ કરોડની ફાળવણી

સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં ૧ લાખ ૩૫ હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ૮૬૯ કરોડની જોગવાઇ થઈ છે.

આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે ૩૬૦ કરોડની જોગવાઈ

રાજ્ય સરકાર દ્વારા ૫૩ હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહૃાાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે ૩૬૦ કરોડની જોગવાઇ કરાઈ છું.

જીવાયએએન એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા

અને નારીશક્તિ માટે

ખાસ જોગવાઈ

જીવાયએએન એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવેલ છે.

'ઘર સૌના માટે': આવાસ યોજના માટે રૂપિયા ૪૨૭૨ કરોડની જોગવાઈ

એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી ઘર સૌના માટેનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહૃાો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), ડો.આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે ૩ લાખ ૧૫ હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ૪૨૭૨ કરોડની જોગવાઇ કરાવી છે.

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારીને ૬ લાખ કરાઈ

ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ૨ લાખ ૫૦ હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ૨ લાખ ૫૦ હજારથી વધારીને ૬ લાખ કરવાની જાહેરાત કરાઈ છે.

શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોમાં વધારો કરાશે, નવા ૧૨૧

કેન્દ્ર શરૂ થશે

૧૫૪ ધન્વન્તરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા ૫૦ આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ૨૬૦ કરોડની જોગવાઇ થઈ છે.

વીબી-જી આરએએમ જી માટે ૧૫૦૦ કરોડની ફાળવણી

વીબી-જી આરએએમ જી (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કામના દિવસો ૧૦૦થી વધારી ૧૨૫ કરવામાં આવેલ છે. જેના માટે કુલ ૧૫૦૦ કરોડની ફાળવણી.

શિષ્યવૃત્તિ માટે ૫૯૬૭

કરોડની ફાળવણી

ગુજરાતની વસ્તીમાં ૩૬% કરતા વધુ યુવા છે. તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૯૭ લાખ વિદ્યાર્થીઓને ૫૯૬૭ કરોડની શિષ્યવૃત્તિ માટેની ફાળવણી કરાઈ છે.

સંકલિત શાળાઓ બનાવાશે

'એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય'ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ૧૨૦ કરોડની જોગવાઇ થઈ છે.

નમો સેન્ટ્રલ લાઈબ્રેરી બનાવાશે

ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ૧૦૦ કરોડની જોગવાઇ. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે ૧૫ તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે રૂપિયા ૨૫૦ કરોડની જોગવાઈ

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધ્યો છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં ૧૯% જેટલો વધારો થયો છે. જેના માટે ૨૫૦ કરોડની જોગવાઇ થઈ છે.

દિવ્યાંગજનો માટે મોટી જાહેરાત

દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે જોગવાઈ. 

નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે ૨૨૬ કરોડની જોગવાઇ

કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા ૨૨૬ કરોડની જોગવાઇ થઈ છે.

એપ્રેન્ટિસ કરતાં તાલીમાર્થીઓએ ભથ્થું આપવા માટે ૮૦ કરોડની જોગવાઈ

યુવાનોને રોજગારી માટે કૌશલ્યપૂર્ણ તાલીમ આપવાના હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ૧ લાખથી વધુ એપ્રેન્ટીસ તાલીમ મેળવે છે. આ યોજના સેવાક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્ટીસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક ૩૦૦૦ સુધીની સહાય આપવા ૮૦ કરોડની જોગવાઇ થઈ છે.

એલડી કોલેજમાં રિસર્ચ પાર્ક માટે ૫૧ કરોડની ફાળવણી

રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઇ.આઇ.ટી.ના મોડલ પર એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદમાં રિસર્ચ પાર્કની સ્થાપના કરવા ૫૧ કરોડની જોગવાઇ થઈ છે.

એસસી-એસટી અને અન્ય અનામત જાતિના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત

આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતિ જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે ૨,૭૭,૫૫૨ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ૨૧૬૦માં ૩૪૦નો વધારો કરી ૨૫૦૦ કરવાની જાહેરાત થઈ છે.

નવી ૯૨૬ પીએમ શ્રી શાળાઓ શરૂ કરાશે

અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.

જીઆઈડીસી માટે મોટી જાહેરાત

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં ૨૫ જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં ૧૨૫૦ કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદૃઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ૫૦ કરોડના રોકાણથી ૧૨૦ મીની જીઆઈડીસીના નવીનીકરણનું આયોજન છે. 

પાંચ નવી જીઆઈડીસી બનશે

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.

ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત

રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત ૬૭ હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ૨૭૫૫ કરોડની ફાળવણી.

ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરાશે

રાષ્ટ્રની માલસામાન નિકાસમાં ૨૬% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલની સ્થાપના કરવાની જાહેરાત કરું છું. 

હસ્તકલા માટે મોટો નિર્ણય

રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વોકલ ફોર લોકલની પહેલ હેઠળ તમામ જિલ્લાઓનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાના અને ગ્રામોદ્યોગના ૯૦ જેટલા ઉત્પાદનોને એક જિલ્લો, એક ઉત્પાદન અંતર્ગત પસંદ કરવામાં આવ્યાં છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ માટે આઈ-હબ સ્થપાશે

અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે  આઈ-હબ અમદાવાદમાં ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં આઈ-હબના રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. જેના માટે ૮૦ કરોડની જોગવાઇ.

એમએસએમઈ માટે ૧૭૭૫ કરોડની જોગવાઇ

દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત એમએસએમઈ (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. ૨૯ લાખથી વધુ એમએસએમઈ રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ૧૭૭૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ।.૧૨૩૭ કરોડ

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ૧૩૩૩ કરોડ એમ કુલ ૩૦૪૩ કરોડની જોગવાઇ છે.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે ૯૫૮ કરોડની જોગવાઇ કરાઈ છે.

મત્સ્ય ઉદ્યોગ માટે શું?

રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ૧૩૪૦ કરોડની જોગવાઇ થઈ છે.

ગૌમાતા સંવર્ધન માટે ૫૦૦ કરોડની જોગવાઈ

પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૧૦%થી વધુ લઇ જવાશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે ૫૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વ્યાજ સહાય માટે મોટી જાહેરાત

ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ૧૫૩૯ કરોડની જોગવાઇ થઈ છે.

૪ ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરાશે

સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના ૪ ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે ૧૧૨ કરોડની જોગવાઇ છે.

ખેડૂતો માટે ૧૫૬૫ કરોડની ફાળવણી

 ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૧૫૬૫ કરોડની જોગવાઇ થઈ છે.

વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટીફિકેશન સહાય માટે ૩૯ કરોડની જોગવાઇ થઈ છે.

રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસિંગ માટે ૬ સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ૧૨ કરોડની જોગવાઇ થઈ છે.

મહિલાઓ માટેની જાહેરાત

જીવાયએએનના ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં અગત્યની છે. મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા 'લખપતિ દીદી' અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-રોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયોને સ્કેલ-અપ કરવા ૪૭ કરોડની જોગવાઇ થઈ છે.

સખી મંડળ સ્વ-સહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યા છે. સ્વ-સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલ-અપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય આપવા ૪૫ કરોડની જોગવાઇ થઈ છે.

પૂરક પોષણ યોજના માટે ૯૭૨ કરોડની ફાળવણી

૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ૯૭૨ કરોડની જોગવાઇ.

નમો લક્ષ્મી યોજના માટે ૧૨૫૦ કરોડની જોગવાઈ

નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ૧૨૫૦ કરોડની જોગવાઇ.

નમો કૌશલ્ય લક્ષ્મી યોજનાની જાહેરાત

મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરું છું. જેના માટે ૪૦ કરોડની જોગવાઇ.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે મોટી ફાળવણી

વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે ૨૮૪૮ કરોડની જોગવાઈ કરાઈ છે.

૬ ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર

રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ ૬ ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે. જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. જેના માટે ૨૦૦૦ કરોડની જોગવાઇ થઈ છે.

વિકસિત ગુજરાત ફંડ માટે ૧૦ હજાર કરોડની જોગવાઈ

૫૦ હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સરકારનો દૃઢ સંકલ્પ છે. જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં ૧૦ હજાર કરોડની જોગવાઇ. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબાગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

બે એક્સપ્રેસ વે માટે વધુ ૩૦૦૦ કરોડની જોગવાઈ

રાજ્યના મહત્ત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ૩૦૦૦ કરોડની જોગવાઇ કરું છું. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે.

ધોલેરા માટે મહત્ત્વની જાહેરાતો

ધોલેરા અને સાણંદમાં વિકસતા સેમીકોન હબ ગુજરાતને ચીપ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન પ્રદાન કરી રહૃાાં છે. જે ભારતની સેમીકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે. ધોલેરા એસઆઈઆર ખાતે ફેઝ-૧ હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહૃાું છે. જેમાં, ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ તથા સ્માર્ટ આઈસીટી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વૈશ્વિક કેન્દ્ર બનશે. જેના માટે વિકસિત ગુજરાત ફંડ સહિત કુલ ૬૧૦ કરોડની જોગવાઇ.

કડાણા ડેમ સોલર પ્રોજેક્ટ માટે ૧૫૦ કરોડની ફાળવણી

રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે ૧૫૦ કરોડની જોગવાઇ.

અંબાજીમાં કોપર પ્રોજેક્ટ માટે ૬૧૩ કરોડની ફાળવણી

આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ૬૧૩ કરોડની જોગવાઇ.

લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવા ૩૦૦ કરોડની જોગવાઇ

તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે ૩૦૦ કરોડની જોગવાઇ.

રાજ્યના નાગરિકોની મુશ્કેલી ઓછી થશે...

ગુજરાત યુનીફિડ ડીજીટલ સ્ટકની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે ૧૦૦ કરોડની ફાળવણી.

ગુજરાત વાયર-ફ્રી સીટી મિશનની જાહેરાત

રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન અંતર્ગત ૫૦૦ કરોડની જોગવાઇ. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે ૧૦૦ કરોડની જોગવાઇ. ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે જીંટ્ઠંી ડ્ઢૈજટ્ઠજંીિ સ્ૈંૈખ્તટ્ઠંર્ૈહ હ્લેહઙ્ઘની વ્યવસ્થા કરાશે. જેના માટે ૧૮૫૫ કરોડની ફાળવણી.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનું ફંડ વધાર્યું

નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ ૧૭% જેટલો વધારો કરી ૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ.

સ્માર્ટ પાર્કિંગ ઊભા કરાશે

રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ૧૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાશે.

૫ નવા સેટેલાઈટ ટાઉન વિકસાવાશે

રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.

અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સીટી બનાવવામાં આવશે

આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સીટી બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ૧૨૭૮ કરોડની જોગવાઇ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh