Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ધોરાજી રોડ પર વાડીમાંથી મળી આવ્યા ઈંગ્લીશ દારૂના ૨૩૬ ચપલાઃ એકની અટકાયત, સપ્લાયરનું નામ ખૂલ્યું

હાપા યાર્ડ નજીકના નવા રોડ પર મોટરમાં લઈ જવાતી ૧૬૮ બોટલ કબજેઃ ચાલક નાસી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: કાલાવડ શહેરના ધોરાજી રોડ પર ફલકુ નદીના કાંઠે આવેલી એક વાડીમાં ગઈરાત્રે એક વાગ્યે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના ૨૩૬ ચપલા સાથે કાલાવડનો શખ્સ ઝડપાઈ ગયો હતો. તેણે દારૂ સપ્લાય કરનાર મુળીલાના શખ્સનું નામ આપ્યું છે. મોડીરાત્રે હાપા માર્કેટીંગ યાર્ડની બાજુમાંથી નવા કાઢવામાં આવેલા રોડ પર દોડી જતી મોટર પોલીસે અટકાવતા તેનો ચાલક ઉતરીને નાસી ગયો હતો. મોટરમાંથી પોલીસને ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલ મળી આવી હતી. નંબર પરથી મોટરના ચાલક, માલિકની શોધ આરંભાઈ છે. નૂરી ચોકડી નજીકથી એક શખ્સ બે ચપલા સાથે ઝડપાઈ ગયો છે.

કાલાવડ શહેરના ધોરાજી રોડ પર ફલકુ નદીના કાંઠે આવેલા એક ખેતરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે મંગાવીને રાખવામાં આવ્યો હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને તેનાથી વાકેફ કરાયા પછી ગઈરાત્રે એક વાગ્યે એલસીબી સ્ટાફે કાલાવડમાં ધોરાજી રોડ પર પાર્ટી પ્લોટ પાછળ ફલકુ નદીના કાંઠે સંજય ફળદુ નામના ખેડૂત ના ખેતરમાં દરોડો પાડયો હતો.

આ સ્થળેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૨૩૬ ચપલા સાથે કેતન વાલજીભાઈ વૈષ્ણવ ઉર્ફે પીપીઓ નામનો શખ્સ મળી આવ્યો હતો. રૂ।.૫૯ હજારની કિંમતના ચપલા તથા એક મોબાઈલ કબજે કરી એલસીબીએ કેતન વાલજીભાઈની અટકાયત કરી છે. આ શખ્સની પૂછપરછમાં તેણે દારૂનો ઉપરોક્ત જથ્થો કાલાવડના મુળીલા ગામના મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે કાના નામના શખ્સે મોકલાવ્યો હોવાની કબૂલાત આપી છે. બંને સામે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જામનગર નજીકના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર ગઈરાત્રે સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન યાર્ડની બાજુમાંથી ઠેબા બાયપાસ તરફ જવાના રસ્તા તરફ નીકળતા માર્ગ પર જીજે-૩-એમએચ ૪૫૯૦ નંબરની મોટરની શંકાસ્પદ હિલચાલ નીહાળી પોલીસે તે મોટર ઉભી રાખવાનો ઈશારો કર્યાે હતો.

આ મોટર ઉભી રહી અને તેમાંથી પચ્ચીસેક વર્ષનો એક શખ્સ ઉતરીને નાસી ગયો હતો. પોલીસ પાસે પહોંચેલી પોલીસે તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલ નીકળી પડી હતી. પોલીસે રૂ।.૮૪ હજારનો દારૂ તથા કીયા કંપનીની રૂ।.૧૦ લાખની કિંમતની સેલ્ટોઝ મોટર કબજે કરી તેના નંબર પરથી માલિક, ચાલકની શોધ શરૂ કરી છે.

જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી નૂરી ચોકડી પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતાં કાલાવડ નજીકના ધુતારપર ગામના સુનિલ વિનોદભાઈ પરમાર નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના બે ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી સુનિલની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh