Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં હરખની હેલી જોવા મળી રહી છે અને આવી રહેલા તહેવારોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જામનગરમાં શ્રાવણી મેળાનું સ્થળ ચર્ચાના ચકડોળે ચડ્યું છે.
"નોબત" હંમેશાં જનતાની વાચા બન્યું છે, તેથી જન્માષ્ટમી પર્વે જામનગરમાં મેળો આ વર્ષે ક્યાં યોજાશે, તે અંગે જન-જનના અભિપ્રાયો તથા તંત્ર, નેતાઓ તથા સ્ટેક હોલ્ડરોની હિલચાલને સાંકળીને તેનો નિચોડ છેલ્લા એકાદ અઠવાડિયાથી વિશેષ સ્વરૂપે નોબતના માધ્યમથી પ્રસિદ્ધ થતો રહે છે, અને તદ્વિષયક ફિડબેક પણ મળતા રહે છે. જામનગરમાં આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કામચલાઉ બસડેપો હોવાથી મેળો ક્યાં યોજાશે, અને ક્યાં યોજવો જોઈએ તે અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો, પ્રક્રિયા અને તંત્રની કામગીરી, નિરીક્ષણો તથા મિટિંગોમાં થતી ચર્ચાના અહેવાલો લગભગ દરરોજ પ્રસ્તુત થતા જ રહે છે, પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવાથી ઊભી થનારી સમસ્યાઓ, વિકલ્પો તથા લોકોના સૂચનોને સાંકળીને "નોબત"માં વિવિધ વિચારો-પ્રતિક્રિયાઓ સહિતના ઉલ્લેખો છેલ્લા અઠવાડિયા દરમ્યાન તંત્રી લેખો, વિશેષ લેખો તથા બોક્સન્યુઝમાં વિશ્લેષણોના સ્વરૂપમાં કરાયા છે, અને તેના કારણે જામ્યુકોના વર્તુળોમાં હલચલ મચી હોવાના સંકેતો પણ મળે છે. આજે પણ શ્રાવણી મેળાના સ્થળનો મુદૃો "ટોક ઓફ ધ ટાઉન" બન્યો છે. જોઈએ, શું થાય છે તે...
અત્યારે મહાનગરપાલિકાના શાસકો પાસે જે સત્તા છે, જે નગરજનો (મતદારો) એ જ તેમને સોંપી છે, તેથી જનમતનો આદર કરવાની શાસકોની ફરજ છે. જ્યારે પ્રેસ-મીડિયાના માધ્યમથી પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાના આયોજન અંગે આશંકાઓ વ્યક્ત થઈ રહી હોય અને જનમત વિરૂદ્ધમાં હોય કે વહેંચાયેલો હોય ત્યારે મિટિંગોમાં લેવાયેલા નિર્ણયો કે (ટેન્ડર સહિતની ?) થયેલી પ્રક્રિયાઓ અંગે પૂનર્વિચારણા પણ કરવી જ પડે...
શ્રાવણી મેળા ઉપરાંત નગરમાં ચાલી રહેલા માર્ગ-મરામતના કામોનો વિષય પણ ચર્ચામાં છે. મ્યુનિસિપલ કમિશ્નર અને તેની ટીમ તો ક્યારેક તૂટેલા-ફૂટેલા માર્ગો, ક્યારેક પુલો, ક્યારેક અન્ય વિકાસના કામો તો ક્યારેક ગૌશાળાની મુલાકાત લેતા હોય છે, પરંતુ લોકોએ ઢગલાબંધ મતો આપ્યા છે, તે પદાધિકારીઓ અને કોર્પોરેટરો ભાગ્યે જ મુસીબતના સમયે સમયોચિત જનસંપર્ક કે નિરીક્ષણ કરવા નીકળતા હોવાની જનવ્યથા જોતા જામ્યુકો કોઈ પણ નિર્ણયો, નિરીક્ષણો કે આયોજનો જનમતને અવગણીને કરશે, તો તેના ઘેરા પ્રત્યાઘાતો છેક આગામી ચૂંટણી સુધી પડઘાશે, તે ભુલવુ ન જોઈએ. જો કે, કેટલાક કોર્પોરેટરો જાગૃત છે, તો પદાધિકારીઓ પણ વખતોવખત જનતાની વચ્ચે દેખાય છે. પરંતુ માત્ર ઉજવણીઓ ઉદ્ઘાટનો કે વધામણાઓના કાર્યક્રમને જ પ્રાયોરિટી આપવી અને જનતાની વ્યથા નિવારવા તથા નગરવ્યાપી સમસ્યાઓ ઉકેલવાને ગૌણ ગણવાની માનસિકતા ન રાખવી જોઈએ. આ પ્રકારની માનસિકતાને લોકો ડ્રામેબાજી ગણાવે છે !
જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ટેસ્ટમેચમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ આપેલા અભિનંદન તથા જામનગરને "પેરિસ" બનાવવાના સૂચિત પ્રોજેકટની ચર્ચા સાથે અટકળોનું બજાર ગરમ છે, અને અદાણી ગ્રુપ ક્યા-ક્યા સ્થળોનો કેવી કેવી રીતે વિકાસ કરશે, તેની કલ્પનાઓ પણ થવા લાગી છે. જામસાહેબ બાપુની આ પહેલ પછી હકીકતે જામનગરના કેટલાક વિસ્તારોનો વિકાસ થશે તો જામનગર હવે મહત્ત્વપૂર્ણ ગ્લોબલ મેપમાં સ્થાયી સ્થાન મેળવશે અને સમગ્ર હાલાર પણ વૈશ્વિક વિકાસના નકશામાં વધુ મહત્ત્વનું સ્થાન મેળવશે તેમ જણાય છે. જામનગરમાં પહેલેથી જ ભારતીય સેનાની ત્રણેય પાંખો છે. તે ઉપરાંત આ રજવાડી નગરમાં ઘણાં બધા જોવાલાયક સ્થળો આવેલા છે. મંદિરોની નગરી ગણાતું જામનગર છોટી કાશી પણ કહેવાય છે. બ્રાસપાર્ટ ઉદ્યોગ તથા અન્ય ઔદ્યોગિક સંસ્થાનો તથા વ્યાપારક્ષેત્રે પણ જામનગરનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
સમગ્ર હાલારમાં ઔદ્યોગિક વિકાસ ઉપરાંત પ્રવાસન ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે. યાત્રાધામ દ્વારકા કોરિડોરના વિકાસ સાથે રિલાયન્સ, નયારા ઉપરાંત હવે ઓ.એન.જી.સી.ની કોઈ રિફાઈનરીની સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે. ભુજીયો કોઠો, તળાવની પાળ અને રંગમતી રિવરફ્રન્ટ જેવા વિકાસ સંકુલોના નિર્માણ તથા નવનિર્માણના કારણે હાલાર વાયબ્રન્ટ થઈ રહ્યું છે. સુદર્શન બ્રિજ, સૂચિત સુદામાસેતુનું નવીનીકરણ, શિવરાજપુર-ઓખામઢી-હર્ષદના બીચ, બેટ દ્વારકા-નાગેશ્વરથી હર્ષદ સુધીના યાત્રાધામોનો વિકાસ વગેરે થકી હાલાર પણ ગ્લોબલ બની રહ્યું છે.
જો જામનગર સહિત હાલારની આ ગરિમા વધુ ઝળકાવવી હોય, ભવ્ય ઐતિહાસિક અને રજવાડી વારસો જાળવી રાખવો હોય, હાલારના તમામ બંદરોને વધુ ધમધમતા કરવા હોય અને ખાસ કરીને જામનગરને "પેરિસ" બનાવવાના સપનાઓ સાકાર કરવા હોય તો પહેલા તો સિસ્ટમો સુધારવી પડશે, નેતાગીરીએ સિલેકટીવ માનસિકતા બદલવી પડશે અને નગરજનો તથા હાલારની જનતાએ પણ નિયમ-કાયદાને અનુરૂપ રહીને સંગઠીત થવું પડશે...
જામનગરને પેરિસ અને હાલારને હેવન બનાવવા માટે બિનરાજકીય તથા સમર્પિત પ્રયાસો જરૂરી છે, અને તેમાં આપણે શ્રાવણી મેળા યોજવા જેવી બાબતે પણ ગુંચવાયેલા રહીશું, પ્રચંડ જનમતને અવગણીને મનસ્વી વલણ દાખવતા રહીશું અને લોકોએ જ આપેલી સત્તાનો ઉપયોગ જનમતનો અનાદર થાય, તેવી રીતે કરતા રહીશું તો હવેલી લેવા જતાં ગુજરાત ગુમાવવા જેવો ઘાટ સર્જાશે, તે ભૂલવું ન જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial