Advertisement
Author: નોબત સમાચાર

ભાગીને લગ્ન કરનાર યુવતીને માતા-પિતાએ ફોન ન કરવા કહેતા યુવતીએ ફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

પત્ની તથા ભાઈના અવસાન પછી આઘાત અનુભવતા પ્રૌઢનો ગળાટૂંપોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: કાલાવડના કૃષ્ણપુર ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા પરપ્રાંતીય શ્રમિક દંપતીએ થોડા સમય પહેલાં ઘરેથી નાસી જઈને લગ્ન કર્યા હતા. આ બાબતથી યુવતીના પરિવારજનો નારાજ હતા તેમ છતાં બે સપ્તાહ પૂર્વે યુવતીએ પોતાના માતા-પિતાને ફોન કરતા તેઓએ હવે કંઈ સંબંધ નથી, ફોન ન કરતી તેમ કહેતા વ્યથિત યુવતીએ ગળાટૂંપો ખાધો હતો. તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે વલ્લભનગરમાં પત્નીના નિધન અને ભાઈના અવસાન પછી વ્યથિત રહેતા એક પ્રૌઢે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે બંને બનાવની તાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામમાં વિપુલભાઈ સખીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના રીંગોલ ગામના વતની અંકલેશભાઈ રમસુભાઈ ગણાવા સાથે લતાબેન (ઉ.વ.૧૮) નામના યુવતીએ થોડા સમય પહેલાં પોતાના ઘરેથી નાસી જઈને લગ્ન કરી લીધા હતા.

આ સંબંધથી લતાબેનના માતા-પિતા તથા અન્ય પરિવારજનો નારાજ થયા હતા. તે પછી કાલાવડના કૃષ્ણપુરમાં વસવાટ કરતા લતાબેને ગઈ તા.૧પના દિને પોતાના માતા-પિતાને ફોન કરી તેણીની સાથે વાતચીતનો પ્રયાસ કર્યાે હતો. આ વેળાએ તેના માતા-પિતાએ હવે કાંઈ સંબંધ નથી તેમ કહી ફોન ન કરવાનું કહેતા લતાબેનને માઠું લાગી આવ્યું હતું. આ પરીણીતાએ ગઈ તા.૧પની સાંજે તે ખેતરમાં બનાવવામાં આવેલી ઓરડીમાં ઓઢણી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો.

તેની જાણ થતાં પતિ સહિતના વ્યક્તિઓએ લતાબેનને નીચે ઉતારી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં સારવાર ચાલુ કરવામાં આવ્યા પછી ગયા સોમવારે લતાબેનનું મૃત્યુ નિપજ્યું છે. પતિ અંકલેશભાઈએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાં વસવાટ કરતા પ્રવીણભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.પ૩) નામના સફાઈ કામદારના પત્નીનું સાતેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. તે પછી દોઢેક મહિના પહેલાં પ્રવીણભાઈના ભાઈનું પણ નિધન થયું હતું. ઉપરોક્ત બંને બનાવના કારણે આઘાત અનુભવતા પ્રવીણભાઈએ મંગળવારે સાંજે પોતાના ઘરમાં પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. સારવારમાં લઈ જવાયેલા પ્રવીણભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના બહેન દેવુબેન ગોવિંદભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh