Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫હલગામ આતંકી હુમલા પછી તંગદિલી વધતા યુદ્ધ માટે નાગરિકોને પ્રશિક્ષિત કરાશેઃ સાઈરનો ગુંજશેઃ સાર્વત્રિક બ્લેક આઉટ કરાશે
અમદાવાદ/નવી દિલ્હી તા. ૬: પહલગામ આતંકી હુમલા પછી ઊભી થયેલી ભારત-પાક. તંગદિલી પછી નાગરિકોને યુદ્ધ માટે પ્રશિક્ષિત કરવા આવતીકાલે દેશવ્યાપી ડિફેન્સ મોકડ્રીલ યોજાશે, જેમાં હાલારના જામનગર, ઓખા અને વાડીનાર સહિત રાજ્યના ૧૯ અને દેશના રપ૯ સ્થળોનો સમાવેશ કરાયો છે.
પહલગામ આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોક ડ્રીલ કરવા જઈ રહી છે. સાત મે ના ગુજરાત, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોક ડ્રીલનું આયોજન કરાશે, જેના માટે ત્રણ કેટેગરીમાં રપ૯ સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ૧પ જિલ્લાઓના કુલ ૧૯ સ્થળે આ મોક ડ્રીલ યોજાશે, જેમાં પેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારી જિલ્લો સમાવિષ્ટ છે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ભારત-પાકિસ્તાન યુદ્ધની ભીતિ વચ્ચે આવતીકાલે ૭ મે ર૦રપ ના દેશભરના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોકડ્રીલનું સેશન યોજવાની જાહેરાત કરી છે, જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે. ૧૯૭૧ પછી પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે.
આવતીકાલે યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ અને નાગરિક સુરક્ષામાં સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહસચિવ ગોવિંદ મોહને યોજેલી બેઠકમાં વિવિધ રાજ્યોના સચિવ અને સિવિલ ડિફેન્સ ચીફ હાજર હતાં. તેમણે રાજ્યોના મુખ્ય સચિવો સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સ દરમિયાન વ્યાપક પરામર્શ કર્યો છે.
ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીરમાં અત્યંત જોખમી પરિસ્થિતિઓનું અનુકરણ કરતી મોકડ્રીલ હાથ ધરવા સુચના આપવામાં આવી છે. બાંગલાદેશની સરહદ પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ જિલ્લાઓને પણ આ સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન સાથે ભારતે આતંકવાદી હુમલામાં આકરી કાર્યવાહી કરતા સિંધુ કરાર સમાપ્ત, અટારી ચેક પોસ્ટ બંધ કરવા અને વસ્તુઓની આયાત-નિકાસ બંધ કરી તે પછી અત્યારે દેશમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રિય ગૃહમંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ અપાયા છે.
આવતીકાલે રાજ્યમાં હાથ ધરવામાં આવેલ મોકડ્રીલમાં ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ જોડાયા હતાં. મોકડ્રીલને લઈને દેશભરમાં તમામ રાજ્યોના અધિકારીઓ સાથે ગૃહ સચિવની બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર આ રાષ્ટ્રીય ડ્રીલ રપ૯ જિલ્લાઓમાં યોજાશે, જેમાં ગુજરાતના મહત્ત્વપૂર્ણ શહેરો અને વિસ્તારોનો પણ સમવેશ થાય છે. ગુજરાતમાં આવતીકાલે થનાર મોકડ્રીલમાં ૧૩,૦૦૦ નાગરિક સંરક્ષણ વોલન્ટિયર્સ અને ૪૪,૦૦૦ હોમગાર્ડસ ડ્રીલમાં ભાગ લેશે. આ પ્રકારની વિશાળ ડ્રીલ ૧૯૭૧ પછી પ્રથમવાર યોજાઈ રહી છે. મોકડ્રીલ દરમિયાન શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને બચાવ અને સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે, તેમજ કટોકટીના સમયમાં જરૂરિયાત મુજબ લોકોને કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવા તે પણ બતાવવામાં આવશે.
સાયરન સાથે મોકડ્રીલઃ ટ્રેનિંગ
મોકડ્રીલ દરમિયાન હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડાશે. નાગરિકોને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે. મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે. નાગરિકોને સુરક્ષિત રીને નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે. મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છૂપાવવાનો પ્રયાસ કરાશે.
હુમલાની સાયરન કેમ વાગે છે...?
હુમલાની સાયરન આપત્તિ જેવી કટોકટીની સ્થિતિમાં વગાડવામાં આવે છે. મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ દ્વારા હુમલાવાળું સાયરન ર-પ કિ.મી. સુધી સાંભળી શકાય તે રીતે ૧ર૦-૧૪૦ ડેસિબલના અવાજ સાથે વગાડવામાં આવે છે. આ સાયરનના અવાજમાં એક સાઈક્લિક પેટર્ન હોય છે, જેમાં પહેલા ધીમે ધીમે અવાજ આવે છે અને પછી તે વધતો જાય છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક
મનોજ અગ્રવાલને ગુજરાતમાં મોકડ્રીલના ઈન્ચાર્જ બનાવાયા
ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડસ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મનોજ અગ્રવાલને ગુજરાતમાં મોકડ્રીલના ઈન્ચાર્જ બનવાયાયા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial