Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર ભાજપ સંગઠનના બે-ત્રણ વિવાદાસ્પદ ચહેરાઓના સમાવેશની ચર્ચા...!

સંગઠન અંગે સખળડખળ...!!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: ખૂબ રાહ જોવડાવ્યા પછી અંતે પ્રદેશ ભાજપ નેતાગીરીએ જામનગર શહેર ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત કરી છે.

આ જાહેરાતમાં મહામંત્રી પદે વિજયસિંહ જેઠવા તેમજ ઉપપ્રમુખ પદે એડવોકેટ હેમલ ચોટાઈ અને એડવોકેટ વસંત ગોરીને રીપીટ કરાયા છે. બાકીના લગભગ તમામ નવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે.

ખાસ કરીને જામનગર શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રીનું પદ વજનદાર ગણાય છે. તેમાંય છેલ્લા રપ-૩૦ વર્ષથી મહાનગરપાલિકામાં ભાજપના શાસનના કારણે આ હોદ્દા અનેક રીતે લાભદાયી હોવાનું પણ કાયમ માટે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આવા મોભાદાર (મલાઈદાર...કર્ટસી મનપા તંત્રમાં સંકલનની બેઠકો) પદ પર તેમજ અન્ય હોદ્દા પર જે બે-ત્રણ નામો જાહેર થયા છે તેનાથી પક્ષમાં જ સખળડખળ શરૂ થયાનું જાણવા મળે છે. એટલું જ નહીં, જામનગરના રાજકારણના જાણકારોના ભર્વાં પણ ઊંચા થઈ ગયા છે.

એક નવનિયુક્ત પદાધિકારી અગાઉ બોગસ ડોક્ટરના પ્રકરણમાં સંડોવાયેલા હતાં. આ ઉપરાંત કોંગ્રેસના સભ્ય તરીકે રહીને ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ કોંગ્રેસના ઉમેદવારનું પ્રચાર કાર્ય પણ સંભાળ્યું હતું. તેમજ પરિવારના જ વડીલ પણ ભાજપ સામે મનપાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતાં.

આ સાથે અન્ય એક નવનિયુક્ત પામેલા પદાધિકારી તો છેલ્લા ઘણાં સમયથી મહાનગરપાલિકામાં લાખો-કરોડોના કામ કરનાર કોન્ટ્રાક્ટ હોવાનું જાણવા મળે છે.

મહામંત્રી પદ પામવા છેલ્લા ઘણાં સમયથી દોડધામ કરનારા બે-ત્રણ આગેવાનોને નિરાશા સાંપડી છે. એટલું જ નહીં, કોઈ ચોક્કસ વ્યક્તિને પદ ન મળે તે માટે પ્રયાસો કરનારાને પણ પક્ષના મોવડીમંડળે તેમની હેસિયત બતાવી દીધી છે. નવા નિમાયેલા પદાધિકારીઓમાં ચોક્કસપણે કેટલીક ભલામણો અને નેતાઓનું દબાણ પણ કામ કરી જ ગયું હશે. તેથી આવનારા સમયમાં સંગઠનના માળખામાં એકસૂત્રતા કેવી જળવાય છે તે જોવાનું રહ્યું.

બાકી વર્ષોથી ભાજપને વફાદાર રહી પક્ષના દરેક કાર્યક્રમો, ચૂંટણીઓમાં જહેમત ઊઠાવનાર નિષ્ઠાવાન કાર્યકરને પણ ઉચિત સ્થાન મળ્યું છે તે હકીકત છે. મીડિયા ઈન્ચાર્જ તરીકે ભાર્ગવ ઠાકરને પણ તેમના પદ ઉપર ચાલુ રખાયા છે.

એકંદરે છેલ્લા થોડા સમયથી શહેર ભાજપમાં ચાલી રહેલા કથિત જુથવાદ પછી સંગઠનમાં આ જુથવાદ ઓછો કરવાનો પ્રયાસ તો ચોક્કસ થયો જ છે, તેમ છતાં બે-ત્રણ વિવાદાસ્પદ વ્યક્તિઓના સમાવેશથી અત્યારથી જ સખળડખળ તો શરૂ થઈ જ ગયું હોવાનું ચર્ચાય છે, અને તે અંગે પક્ષના આંતરિક વર્તુળોમાં ગરમાગરમ ચર્ચા પણ ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh