Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય, હર હર ભોલેના ગુંજરવ સાથે શિવભક્તો દ્વારા વ્રત, ઉપવાસ અને અનુષ્ઠાનો શરૂ થઈ ગયા છે. બીજી તરફ શ્રાવણી મેળાઓ, ઉત્સવો, ઉજવણીઓ અને ધાર્મિક-પ્રાકૃતિક પ્રવાસોની તૈયારીઓ પણ થવા લાગી છે.
"સૌરાષ્ટ્ર સોમનાથમ્" એટલે કે પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથમાં આજથી દેશ-વિદેશથી દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં ઉમટશે, તેવી જ રીતે દ્વારકાના નાગેશ્વરમાં પણ શિવભક્તોની ભીડ જામશે. નાનામાં નાના ગામડાથી માંડીને મહાનગરો, નગરો, શહેરોમાં તમામ શિવાલયોમાં ભગવાન શંકર, શિવજી અને મહાદેવના જયઘોષ સાથે આજથી આખો મહિનો શિવભક્તો દ્વારા વ્રતો, અનુષ્ઠાનો, ધાર્મિક કાર્યોની સાથે સાંકળીને કેટલાક માનવસેવાના કાર્યો પણ થતા રહેવાના છે.
દેશમાં એક તરફ છેલ્લા પખવાડિયાથી શિવભક્તિનો સંચાર થયો અને મહાદેવના મંદિરો ઉભરાવા લાગ્યા, તો બીજી તરફ કાવડ યાત્રા, અમરનાથ યાત્રા તથા બદ્રી-કેદારજીની યાત્રાના શ્રેણીબદ્ધ આયોજનો સંપન્ન થવા લાગ્યા. ઉત્તર ભારત, રાજસ્થાન સહિત ઘણાં રાજ્યોમાં એક પૂર્ણિમાથી બીજી પૂર્ણિમા વચ્ચે મહિનાની ગણતરી થાય છે, ત્યાં એક પખવાડિયાથી શ્રાવણના ધાર્મિક આયોજનો થઈ રહ્યા છે, જ્યારે ગુજરાત તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગો સહિત દેશમાં ઘણાં સ્થળે આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આપણાં દેશમાં વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ તથા ભિન્ન-ભિન્ન માન્યતાઓ વચ્ચે જે રીતે ધાર્મિક કાર્યક્રમો, આધ્યાત્મિક સંદેશ, ઉત્સવોની ઉજવણી અને પ્રવાસ-પર્યટન-મનોરંજન તથા સામૂહિક રોજગારી ઉપાર્જનનું જે સંયોજન કરવામાં આવે છે, તે ખરેખર અદ્ભુત છે, અને આ આયોજનો બહુહેતુક પુરવાર થાય છે તથા આપણને બધાને પરસ્પર જોડે છે, તે જ આપણી ભારતીય સંસ્કૃતિની ખૂબી છે. ભારતીય સંસ્કૃતિ સર્વ-સમાવેશી અને સર્વજન હિતાય, સર્વજન સુખાય, કામ કરનારી છે., જેથી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અલગ જ ભાત પાડે છે.
સૌરાષ્ટ્રમાં તો લોકમેળાઓ, તહેવારો, ભક્તિમેળાઓ અને ઉત્સવો-ઉજવણીઓનું વિવિધલક્ષી અને વિશેષ મહત્ત્વ છે. અબાલ-વૃદ્ધ-સૌ કોઈ આ મેળાઓ-ઉત્સવો-તહેવારોની રાહ જોઈને આખું વર્ષ વિતાવ્યા પછી પ્રસંગોચિત ઉજવણીઓ કરે છે, અને તેની સાથે વિપુલ રોજગારી, વ્યાપાર અને નાણાકીય ટર્ન-ઓવર જેવા આર્થિક-સામાજિક વિષયો પણ સંકળાયેલા હોય છે. આ કારણે જ ઉત્સવો, મેળાઓ, ધાર્મિક આયોજનોના વ્યવસ્થાપકો તથા તંત્રોની જવાબદારીઓ અને વ્યસ્તતા પણ વધી જતી હોય છે, કારણ કે મનોરંજન તથા દર્શનના ક્ષેત્રે યોજાતા કાર્યક્રમો-સમયપત્રકો અને અનુરૂપ વ્યવસ્થાઓ એવી રીતે કરવી પડતી હોય છે, જેમાં લોકોની સુરક્ષા-સલામતિ અને સુગમતા-સુવિધાઓ પણ જળવાઈ રહે અને લોકો ઉત્સવો-મેળાઓ તથા ઉજવણીઓ મુક્તમને માણી શકે અને પવિત્ર સ્થળોએ દર્શન-પૂજન-અનુષ્ઠાનો વગેરે નિર્વિઘ્ને કરી શકે.
જામનગરમાં તો છેલ્લા કેટલાક દિવસોથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાના આયોજનના વિષય પર જ ચર્ચાઓ થઈ રહી છે. એવું નથી કે જામનગરનો શ્રાવણી મેળો જ ચગડોળે ચડ્યો છે, પરંતુ રાજકોટમાં પણ રાઈડ્સના મુદ્દે ફરીથી મડાગાંઠ સર્જાઈ ગઈ હતી અને મેળાના આયોજકો, મેળામાં વ્યવસાય કરવા માટે ટેન્ડરો ભરવા ઈચ્છતા લોકો અને રાઈડધારકો વચ્ચે છેક રાજ્ય સરકારની કક્ષાએ વાટાઘાટો દરમ્યાન લેવાયેલા નિર્ણયોનો સરકારના જ વિભાગે અમલ નહીં કરતા ફરીથી રાઈડધારકો તથા તંત્ર વચ્ચે ગુંચવણ ઊભી થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે રાજ્ય સરકાર સાથે થયેલી વાટાઘાટોની તેઓને જાણ જ નહીં હોવાનું જણાવીને રાઈડ્સ-ચગડોળ વિગેરે માટે પૂર્વનિર્ધારિત પ્રક્રિયા જ અપનાવીને પ્રમાણપત્ર મેળવવાનો આગ્રહ રાખતા જે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ હતી, તે કાં તો રાજ્ય સરકારનો તેના જ વિભાગો પર કોઈ અંકુશ નથી અથવા તો રાજ્ય કક્ષાના તંત્રો અને જિલ્લા તંત્રો વચ્ચે કોઈ જ સંકલન નહીં હોવાનું પૂરવાર કરે છે.
બીજી તરફ શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં હજુ મેળાઓના ફાઈનલ આયોજનો તથા પ્રક્રિયાઓ જ ગોટાળે ચડી ગયા હોવાથી આ મેળાઓમાં સ્ટોલ રાખવા માટે જેમ તેમ કરીને તથા ઉધાર-ઉછીના લઈને તૈયારી કરનાર નાના નાના ધંધાર્થીઓ ખૂબ જ ચિંતામાં મુકાયા છે. જાહેર સુરક્ષા અને સલામતિ તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી સામે લોકોના વ્યક્તિગત અને સામૂહિક હિતોનો ટકરાવ થઈ રહ્યો હોવાનો આભાસ થાય છે, જે શાસન અને પ્રશાસનની લાપરવાહી અને નિષ્ફળતા દર્શાવે છે.
જામનગરનો મેળો તો અદાલતની અટારીએ પહોંચ્યો અને સંબંધિતોને નોટીસો ફટકારાયા પછી હવે જામનગરનો મેળો પણ સ્વયં ચગડોળે ચડયો હોય તેમ જણાય છે. કોંગ્રેસે તો જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીને સેટિંગ કમિટી કહી દીધી અને શ્રાવણી મેળો સુખ, શાંતિ અને સલામતિ સાથે યોજાય, લોકો મૂકતમને મોજ માણી શકે, અને તેના કારણે અન્ય વ્યવસ્થાઓ, ટ્રાફિક કે જનસુવિધાઓ ખોરવાઈ ન જાય, તેવી વ્યવસ્થાની જવાબદારી જામ્યુકોની તથા સ્થાનિક તંત્રોની હોવાથી આ મેળાનું આયોજન ફૂલપ્રૂફ તથા સલામત હશે તથા અન્ય તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહેશે, એટલું જ નહીં, જો તેમાં કોઈ અનિચ્છનિય બનાવ, દુર્ઘટના કે અવ્યવસ્થા સર્જાશે, તો તેની જવાબદારી આયોજકો એટલે કે મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ તથા સંબંધિત સરકારીતંત્રોના ઉચ્ચ અધિકારીઓની રહેશે તેવું એફિડેવીટ કોર્ટમાં રજૂ થાય, તેવી માંગણી યથાર્થ છે કે નહી ? તેવી ચર્ચા પણ થઈ રહી છે.
જો જામ્યુકો અને તંત્રોને પૂરેપૂરો વિશ્વાસ હોય કે તમામ વ્યવસ્થાઓ, લોકોની સુરક્ષા-સલામતિ અને સુવિધાઓ જળવાશે અને કોઈ અવરોધ નહીં આવે, તો આ પ્રકારનું એફિડેવીટ કરવામાં વાંધો શું ?
જો આયોજકો અને જવાબદાર તંત્રો જ કોઈ જવાબદારી લેવા તૈયાર ન થાય, તો આ તમામ જવાબદારીઓ જનતા પર ઢોળી દેવી યથાર્થ છે કે નહીં, તેનો નિર્ણય હવે જરૂર પડ્યે ન્યાયતંત્રે સુઓમોટો સુનાવણી કરીને લેવડાવવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial