Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં માવઠું ૧૪ વ્યકિત અને ૨૬ ઢોરને ભરખી ગયુઃ ઠેર-ઠેર તારાજી

ભારે પવન, વીજળી, કડાકા-ભડાકા સાથે દોઢ ઈંચ સુધીનો કમોસમી વરસાદઃ છાપરાં ઉડયાઃ વૃક્ષો ધરાશાયીઃ પ્રસંગો ખોરવાયાઃ આજે પણ હેવી રેઈનની આગાહી

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૬: ગઈકાલે રાજ્યના અનેક સ્થળે ભારે પવન અને વીજળી, કડાકા-ભડાકા સાથે થયેલા માવઠાએ ૧૪ વ્યકિત અને ૨૬ ઢોરના જીવ લીધા છે, આજે પણ હવામાન ખાતાએ કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ભારે પવન સાથે માવઠાના કારણે તારાજી સર્જાવા પામી છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગની આગાહી મુજબ સતત બીજા દિવસે (સોમવારે) પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો.  સોમવારે ૧૬૮ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં ૧ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે માવઠાંના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો જોવા મળ્યો હતો.

વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે રાજ્યભરમાં અલગ-અલગ ઘટનામાં ૨૬ પશુઓ અને ૧૪ લોકોના મોત થયા છે, જ્યારે ૧૬ લોકોને ઇજા પહોંચી છે. તો બીજી તરફ જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે.

જેમાં સૌથી ૪ મોત ખેડા જિલ્લામાં નોંધાયા છે, જ્યારે વડોદરા શહેરમાં ૩, અરવલ્લી અને દાહોદમાં ૨-૨, અમદાવાદના વિરમગામ અને દસક્રોઇમાં ૧-૧, અને આણંદમાં ૧ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ગઈકાલે બપોર પછી મિની વાવઝોડું ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં પવના કારણે ઠેરઠેર વૃક્ષો જમીનદોસ્ત થયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા. લગ્નની સિઝનના કારણે કેટલાક સ્થળો મંડપ પણ પડી ગયા હતા. આંબાના બગીચાઓમાં મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી હતી.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૪ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. જો કે, માવઠાએ ખેતીવાડી તબાહ કરી દીધી હોવાની રાવ પણ ઉઠવા લાગી છે.

ભાવનગરના સિહોરમાં ૧ કલાકમાં જ દોઢ ઈંચ, ભાવનગરમાં બે કલાકમાં ૧ ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં ૧ કલાકમાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા જ્યારે વડોદરામાં વરસાદ સાથે ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હજુ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના છે.

આજથી ચાર દિવસની આગાહીઃ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી ચાર દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી ચાર દિવસ તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

૬ થી ૯ મે દરમિયાન પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, બોટાદ, દીવમાં માવઠાની સંભાવના જણાવાઈ રહી છે.

૬ મેના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ અને ૭ મેના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ જયારે ૮ મેના  બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છમાં કમોસમી વરસાદની સંભાવના સાથે ત્રણ દિવસનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh