Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડોદરા નજીક ટ્રક-બસની ટક્કરઃ ગોંડલ નજીક કાર પૂલમાં ખાબકીઃ
અમદાવાદ તા. ૩૦: ગુજરાતના વડોદરા અને રાજકોટ જિલ્લાઓમાં થયેલા બે અલગ અલગ વાહન અકસ્માતોમાં બન્ને સ્થળે બબ્બે વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે વડોદરા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હોઈ, સારવાર હેઠળ છે.
ગુજરાતમાં બે અલગ અલગ વાહન અકસ્માતોમાં ચાર લોકોના જીવ ગયા છે, જ્યારે ૧૦ થી વધુ લોકો સારવાર હેઠળ છે.
રાજકોટના ગોંડલ-આટકોટ હાઈ-વે પર આજે વહેલી સવારે એક કાળજું ધ્રૂજાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક પૂરઝડપે જતી કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી હતી. કાર ઉંધી પડતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતાં.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર પૂરઝડપે જતી કાર પરથી અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી પુલની નીચે ઉંધી ખાબકી હતી. ઉંધી પડેલી કારમાં આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર લોકોને કારનો દરાવજો ખોલવાની કે બચવાની કોઈ તક મળી ન હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને ત્યારપછી ગોંડલ ફાયર ફાઈટરની ટીમ તથા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવાાયા પછી કારની અંદર તપાસ કરતા બે વ્યક્તિના સળગી ગયેલા હાડપિંજર મળી આવ્યા હતાં. દુર્ઘટના એટલી ગંભીર હતી કે મૃતકોની ઓળખ કરવી અશક્ય બની હતી. ગોંડલ પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કર્યું છે. કારના રજિસ્ટ્રેશન નંબર અને એન્જિન નંબરના આધારે કારના માલિકની શોધખોળ અને મૃતકો કોણ હતાં તેની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બીજો અકસ્માત પણ ઘણો જ કરૂણ અને અરેરાટી ઉપજાવે તેવો છે. વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈ-વે-૪૮ પર શુક્રવારે (૩૦ મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે ૧૦ થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભિષણ હતો કે, બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને રપ થી વધુ મુસાફરો અંદર ફસાઈ ગયા હતાં. કરજણ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક પહોંચીને બસના પતરા કાપીને લોકોને બહાર કાઢ્યા હતાં. બસમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતાં.
ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને હાઈ-વે પેટ્રોલિંગની ટીમ દોડી આવી હતી. ૧૦ જેટલા ઈજાગ્રસત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કરજણ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અજાણયા વાહનચાલક કે બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને પગલે હાઈ-વે પર થોડો સમય ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે હટાવીને વાહન વ્યવહાર પૂર્વત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial