Advertisement
Author: નોબત સમાચાર

જણ ગણ મન અધિનાયક જય હે... વંદે માતરમ્...વંદે માતરમ્... પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યા થી છવાયો દેશભક્તિનો માહોલ...

                                                                                                                                                                                                      

આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યું છે, અને શાળા-મહાશાળાઓ-સંસ્થાઓથી લઈને દરેક જિલ્લા-તાલુકા-ગામ-શહેરો અને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય નારાઓ તથા દેશભક્તિના ગીતોની ગુંજ સંભળાઈ રહી છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિદેશી અતિથિઓ તથા દેશના ગણમાન્ય નેતાગણ, કેન્દ્રીય મંત્રીમંડળો, જનપ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન થયું અને વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ થઈ, દેશની સેનાની ત્રણેય પાંખો તથા સુરક્ષાદળોની પરેડ તથા સાંસ્કૃતિક અને ઓપરેશન સિંદૂર સહિતના સ્મરણો તાજા કરતા કાર્યક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યુ.

આજે પ્રજાસત્તાક પરેડમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન પ્રજાસત્તાક દિવસ પરેડમાં મુખ્ય અતિથિઓ ઉપરાંત દેશના સર્વોચ્ચ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે રાષ્ટ્રગીત વંદે માતરમ્ની થીમ રાખવામાં આવી છે અને આ ગીતની ૧૫૦મી વર્ષગાંઠ પણ ઉજવાઈ રહી છે. "જન ગણ મન"ના રાષ્ટ્રગાન તથા દેશભક્તિના ગીત-સંગીતથી ગગન ગુંજી રહ્યું છે, ત્યારે આપણા ગામ-વોર્ડ-નગર-તાલુકા અને જિલ્લામાં ઉજવાઈ રહેલા પ્રજાસત્તાક પર્વ તથા સંલગ્ન સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે દેશભરમાં રાષ્ટ્રનું ગૌરવ અને દેશપ્રેમનો એક અનોખો માહોલ પણ ખડો થઈ ગયો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો લહેરાવ્યા પછી કર્તવ્યપથ પર યોજાયેલી પરેડમાં વિવિધતામાં એકતા અને બહુરંગી પરંપરાઓ, ભવ્ય-દિવ્ય સંસ્કૃતિઓ તથા આપણાં દેશના જાંબાઝોના શોર્ય-વીરતાની સાથે સાથે દેશના વિકાસ અને કર્તવ્યપથની આગેકૂચના પણ ગૌરવપ્રદ દર્શન થયા હતા. આ પરેડ માત્ર ને માત્ર પ્રજાસત્તાક પર્વની ઉજવણીની મુખ્ય પ્રવૃત્તિ જ નહીં, પરંતુ આપણાં દેશની બહુર્મુખી ગરિમાને પણ દ્યૌતક કરી રહી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગુ ઉદ્બોધન કર્યું. આપણાં દેશની લોકતાંત્રિક પરંપરા અને બંધારણીય જોગવાઈઓને અનુરૂપ તૈયાર થતા આ પ્રવચનમાં પ્રવર્તમાન કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવાય અને પ્રશંસા થાય, તે સ્વાભાવિક છે, પરંતુ ગઈકાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રજોગા પ્રવચનમાં કેટલાક દેશહિત, રાષ્ટ્રીય ગૌરવ અને નાગરિકોની ગરિમા વધારતા કેટલાક મુદ્દાઓ પણ સામેલ હતા. તેણીએ રાષ્ટ્રગીત વંદે માતરમ્ના ગૌરવ અને તેના સમગ્ર ઈતિહાસનું પણ વર્ણન કર્યું. તેણીએ સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝને પણ યાદ કર્યા. રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્ત્વ સમજાવ્યું. દેશના વિકસતા અર્થતંત્ર, એક રાષ્ટ્ર, એક બજારનો સિદ્ધાંત અને મહિલાઓની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદારીની વાત પણ કરી. તેણીએ સ્વદેશી પર ભાર મૂકી આત્મનિર્ભર ભારતની વાત કરી. રાષ્ટ્રપતિએ દેશના ખેડૂતો, તબીબો, નર્સો, સફાઈમિત્રો, શિક્ષકો, શ્રમિકો, એન્જિનિયરો, કલાકારો, શિલ્પકારો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, વિશેષજ્ઞો, દેશનું રક્ષણ કરતા સેનાના જવાનો અને આંતરિક અને બાહ્ય સુરક્ષા સંભાળતા તમામ સુરક્ષાદળો તથા સંલગ્ન તંત્રો, કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓ, એનઆરઆઈ, મહિલાઓ, યુવાવર્ગ, દેશની દીકરીઓની સિદ્ધિઓ, મતદારો, ખેલાડીઓ, આરોગ્ય કર્મીઓ, ગ્રામ્ય કર્મીઓ, અર્થશાસ્ત્રીઓ, દેશની વિવિધતાઓ, ભાષાઓ, વિવિધ સંસ્કૃતિઓ સહિતના અનેક વિષયોને આવરી લીધા હતા. આ ઉપરાંતથી પદમ પુરસ્કારોની જાહેરાત પણ થઈ.

પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભાંશુ શુકલાને "અશોકચક્ર" સહિત સશસ્ત્રદળોના ૭૦ જવાનોને શાંતિ સમયના સર્વોચ્ચ વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, તો બે જવાનોને કીર્તિચક્ર પણ આપાશે, તેવું જાહેર થયું હતું.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેેન્ડ સામેની ટી-૨૦ મેચમાં ધમાકેદાર વિજય મેળવીને ક્રિકેટ રસીયાઓ અને દેશવાસીઓને જાણે કે પ્રજાસત્તાક પર્વની ભેટ આપી દીધી.

ગઈકાલેની મેચનો વિજય સામાન્ય નહીં, પણ અસાધારણ હતો. બૂમ...બૂમ...બૂમરાહની કમાલ અને બોલીંગના પ્રહાર સામે ન્યુઝીલેન્ડની ટીમ માંડ દોઢસોના સ્કોરને વટાવી શકી. તેથી કહી શકાય કે ભારતીય બોલરોના બુલડોઝરે ન્યુઝીલેન્ડની વિકેટ ઈનિંગને કચડી નાખી, તે પછી ભારતીય બેટધરોએ તો ચોક્કા-છક્કા વરસાવીને ન્યુઝીલેન્ડના બોલરોને ધોઈ જ નાખ્યા. માત્ર ૧૦ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરીને ટીમ ઈન્ડિયાએ માત્ર મેચ નહીં, પણ પાંચ મેચોમાંથી ત્રણ મેચ જીતીને શ્રેણી પણ જીતી લીધી છે.

ગઈકાલે ભારતીય બેટધરોની ધમાકેદાર બેટીંગ પણ જોવાલાયક હતી અને તેમાં પણ અભિષેક શર્માની ફટકાબાજી તથા કપ્તાન સૂર્યકુમાર યાદવનું પાછું આવેલું ફોર્મ જોઈને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તો ખુશખુશાલ થઈ જ ગયા હતા, પરંતુ પ્રતિસ્પર્ધી ન્યુઝીલેન્ડની ટીમ પણ પ્રભાવિત થયેલી જણાતી હતી.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગા સંબોધન અને ટી-૨૦માં ભારતના વિજયથી ફેલાયેલા આનંદના માહોલ વચ્ચે રાજકીય ક્ષેત્રેથી પણ એક એવા બ્રેકીંગ ન્યૂઝ આવ્યા, જેથી પ્રજાસત્તાક પર્વે જ રાજકીય ક્ષેત્રે અચંબા સાથેની હલચલ મચાવી દીધી છે.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જ વિખ્યાત ભારતીય -અંગ્રેજ (બ્રિટિશ) પત્રકાર માર્ક ટુલીના નિધનના સમાચાર આવ્યા, જેઓએ આઝાદી કાળથી બીબીસી માટે ભારતમાં પત્રકારિત્વ કર્યું હતું.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ લાલુ પ્રસાદ યાદવના પરિવારનો ડખ્ખો સામે આવ્યા. રાષ્ટ્રીય જનતાદળના કાર્યવાહક પ્રમુખપદે તેજસ્વી યાદવની ઘોષણા થતા જ તેની બહેનને જ તેજસ્વીએ લાલુ પ્રસાદ યાદવની વિચારધારા તથા રાજકીય વારસાનો દ્રોહ કર્યો હોય, તેવી આક્રોશપૂર્ણ ભાવના વ્યક્ત કરીને તેજસ્વી યાદવના કારણે આરજેડી ખોટા હાથોમાં ચાલ્યું ગયું હોવાના આક્ષેપો કર્યા, તો કેટલાક નેતાઓએ કહ્યું કે લાલુ યુગનો અંત આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ આરજેડીનો સાથ છોડી દેવાની માંગણી બળવતર બની રહી હોવાથી ગણતંત્રના દિવસે જ એક ગણરાજ્યના એક અગ્રીમ હરોળના રાજકીય પક્ષમાં આવેલો બિખરાવ (ભાગલા)ની ચર્ચા થઈ રહી છે.

ગઈકાલે રાત્રે જામનગરમાં જેવી રીતે મુખ્ય સંકુલો, સરકારી અને સંસ્થાકીય ઈમારતો તથા બજારો રોશનીથી ઝળહળી, તેવી જ રીતે આપણો દેશ પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ ઝગમગી ઉઠ્યો હતો, તો મંદિરોમાં તિરંગી રોશનીએ દેશની ગરિમા વધારી હતી. દરિયાની વચ્ચે જઈને, દૂર્ગમ પહાડોની ટોચે પહોંચીને તથા ઘનઘોર જંગલોની વચ્ચે પણ આજે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થઈ રહી છે, અને આન-બાન-શાનથી રાષ્ટ્રધ્વજ-તિરંગો લહેરાઈ રહ્યો છે.

નોબત કાર્યાલય અને માધવાણી પરિવાર, "નોબત" સાથે સંકળાયેલા તમામ લોકો, વાચકો, તથા ફોલોઅર્સ સહિત તમામ દેશવાસીઓ અને વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh