Advertisement
Author: નોબત સમાચાર

ભરવાડ સમાજના સમૂહલગ્નોત્સવમાં ૭૯ યુગલ આગામી આઠ ફેબ્રુઆરીના પ્રભુતામાં પગલા માંડશે

જામનગરના આંગણે ગોપાલક-માલધારી સમૂહલગ્ન સમિતિનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક  માલધારી સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત પંદરમાં સમૂહ લગ્નોત્સવમાં ૭૯ યુગલો તા.૦૮-૦૨-૨૬ ના લગ્નગ્રંથીથી જોડાશે. પછાતમાંય સૌથી પછાત એવા ભરવાડ સમાજમાં કુરિવાજોને તિલાંજલિ આપવા ગોપાલક -માલધારી સમૂહલગ્ન સમિતિ દ્વારા બારમા સમૂહલગ્નનું ભવ્ય આયોજન ''ગોકુળિયું નગર'' જામ વણથલી અને વરણા ગામ વચ્ચેનો ખારોપાટ, કેરડિયા હનુમાનજી મંદિર પાસે, જામ વણથલીમાં કરવામાં આવ્યું છે.

સમાજમાં સામાજિક, શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક ચેતનાનો પવન ફૂંકાયો છે. સમૂહ લગ્નને કારણે ભરવાડ સમાજમાં ખૂબ જ જાગૃતિ આવી છે. સમૂહ લગ્નનો મુખ્ય હેતુ દીકરા-દીકરીના લગ્ન પ્રસંગમાં થતા બિનજરૂરી ખર્ચ રોકવા, બાળ લગ્નને તિલાંજલિ આપવા, કુરિવાજો અને કન્યા વિક્રયમાંથી મુકત કરવા તેમજ શિક્ષણના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવી સમાજને ઉપયોગી થવાનો હેતુ છે. હાલ ભરવાડ સમાજના આર્થિક રીતે સદ્ધર પરિવારો પણ સમૂહ લગ્નના કાર્યક્રમમાં જોડાવા તત્પર બન્યા છે. સમૂહ લગ્ન સમિતિઓના માધ્યમથી છેલ્લા એક દશકામાં લગભગ છ હજાર જેટલા નવદંપતીઓ સમૂહલગ્નમાં જોડાયા છે.

પંદરમા સમૂહ લગ્નમાં નવદંપતીઓને એકાવન જેટલી ચીજ  વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. કરિયાવરમાં સ્ટીલનો કબાટ, સેટી-પલંગ, પથારી સેટ, સોનાના દાણા, પાનેતર, ટ્રાવેલ બેગ, બાજોઠ-પાટલા, દીવાલ ઘડિયાળ, સ્ટીલના બેડાં, સ્ટીલની કોઠી, મામટની ગોરી, કાંસાની તાંસળીઓ તેમજ ઘર-વપરાશની ચીજ-વસ્તુઓ, ઠામ-વાસણ દાતાઓ તેમજ સમાજ તરફથી કન્યાદાનમાં આપવામાં આવશે.

આ પ્રસંગે સમાજના આસ્થાના પ્રતીક સમા શ્રી ઝાઝાવડા દેવ-થરાના પૂ. મહંતશ્રી ઘનશ્યામપુરીજી, દ્વારકાની શ્રી મૂળવાનાથની જગ્યાના પૂ. મહંતશ્રી બાલારામબાપા, શ્રી મચ્છુ માતાજીની જગ્યા-મોરબીના પૂ. મહંતશ્રી કિશનભગત, મોટીબોરુના પૂ. લઘુમહંતશ્રી નામદેવ ભગત તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો-મહંતો તેમજ શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પધારી નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે.

તા.૦૭-૦૨-૨૦૨૬ ના મંડપારોપણ સમૂહ-લગ્નના સ્થળ પર યોજાશે. તેમાં તમામ ૭૯ કન્યાઓ પોતાના વરદ્ હસ્તે માણેક સ્તંભ રોપશે. રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તા. ૦૮-૦૨-૨૦૨૬ ના લગ્નવિધિ દરમ્યાન પ્રાચીન લગ્નગીતો રજૂ થશે. ઉપરાંત ભરવાડ સમાજના નવયુવાનો તેમજ યુવતીઓ ઢોલ-શરણાઈ તેમજ ડી.જે.ના તાલે ભરવાડોનું પરંપરાગત લોકનૃત્ય હૂડો રજૂ કરશે.

પંદરમા સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ ગોપ-કન્યાઓને ગૂજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ વિકસતી જાતિ દ્વારા ''કુંવરબાઈનું મામેરૃં'' તથા ''સાત ફેરા સમૂહ લગ્ન યોજના'' હેઠળ દરેક કન્યાને રૂ।. ૨૪,૦૦૦/- ની આર્થિક સહાય સમૂહ લગ્ન સમિતિના માધ્યમથી આપવામાં આવશે.

પંદરમા સમૂહ લગ્ન સાથે ''રકતદાન મહાદાન'' સૂત્રને સાર્થક કરવા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વ્યસન મુકિત અભિયાન પ્રદર્શન જામનગર શહેર-જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠનના નેજા હેઠળ સમૂહ લગ્નના સ્થળે યોજવામાં આવેલ છે.

આ પ્રસંગે સામાજિક ક્રાંતિના વિચારને મૂર્તિમંત કરવા બેટી બચાવો - બેટી વધાવો-બેટી પઢાઓ બેટી બિરદાવોનો સંકલ્પ નવદંપતીઓ પાસે કરાવી અવતરવા દઈએ દીકરીના આહ્વાન સાથે ''નાનો પરિવાર -સુખી પરિવાર'' પર ભાર મુકવામાં આવશે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભ્રુણ હત્યા, બાળલગ્ન તેમજ કન્યાવિક્રયને તિલાંજલિ આપવા સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. સાથે સરકારી નોકરીઓમાં ભરવાડ સમાજની વિવિધ પ્રતિભા સંપન્ન દીકરીઓનું અભિવાદન કરવામાં આવશે. આ લગ્નોત્સવમાં આશરે ૪૦ થી ૪૫ હજારની સંખ્યામાં બહોળો ભરવાડ સમુદાય ઉમટશે.

સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ભ૨વાડ સમાજના આગેવાનો, યુવાનો, જુદા જુદા ગામની સમિતિઓ જહેમત ઉઠાવી રહી છે. સ્વયંસેવકોની વિવિધ કામ માટે સમિતિઓ રચવામાં આવી છે. જામનગર શહેર - જિલ્લાના ભરવાડ ગોપાલક યુવા સંગઠનના કાર્યકરો તેમજ યુવા સંગઠનના તમામ હોદ્દેદારો સતત કાર્યરત છે. ગોપાલક-માલધારી સમૂહ લગ્ન સમિતિ વતી વેજાભાઈ જોગસવા તથા મનોજભાઈ ચાવડિયા સમગ્ર વ્યવસ્થા જાળવવામાં સીધું માર્ગદર્શન આપી સંકલન જાળવી રહૃાા છે. તેમ સમિતિના પાંચાભાઈ મુંઘવા અને ગોવિંદભાઈ ઝાંપડાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh