Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ઠાકરે, શિંદે કે પવાર જેવા શક્તિશાળી નેતાઓનો અભાવ
ભારતીય જનતા પક્ષનો મહારાષ્ટ્રમાં જયજયકાર થઈ ગયો. મરાઠી માનુષ પછી હવે ગરવા ગુજરાતીઓનો વારો છે. નજીકના મહિનાઓમાં આખા રાજ્યને અસર કરતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. નગારે ઘા થઈ ચૂક્યો છે. મહારાષ્ટ્ર કરતા ગુજરાતનું રાજકારણ, માનસિકતા, સમાજ વ્યવસ્થા અને આર્થિક ગણિત સંપૂર્ણ જુદા છે. ગુજરાતીઓની છાપ 'વેપારી' તરીકેની હોવા છતાં મતદારો હજુ વેપારી જેવી માનસિકતા રાખતા નથી. નફા નુકસાનનો હિસાબ કર્યા વગર ભાજપને ત્રણ દાયકાથી સત્તા આપે છે. ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે હવે ભાજપ સિવાય કશું બચ્યું નથી. વિપક્ષ છે, પરંતુ પરપોટા જેવો છે, લાંબુ અને મજબૂત રીતે ટકતો જ નથી. પ્રજા વેપારી હોય કે ન હોય, રાજકારણીઓ પાક્કા વેપારી જ છે. જીસ તડ મેં લડ્ડુ, ઉસ તડ મેં હમ! નરેન્દ્ર મોદી પણ ગુજરાતીઓની નાડ પારખી ગયા છે, નફાની લાલચે આખી કોંગ્રેસ ભાજપ ભેગી થઈ ગઈ છે!
તફાવત
મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં શું તફાવત છે? ગુજરાતમાં ભાષા વિવાદ નથી, શિવસેના નથી, શરદ પવાર કે શિંદે પણ નથી! મુંબઇમાં મેયર પદ મેળવવા માટે ભાજપે ૩ દાયકા સુધી રાહ જોવી પડી, હજુ પણ મુંબઇમાં સંપૂર્ણ બહુમતી મેળવી શકી નથી. ગુજરાતમાં ત્રણ દાયકાથી એકહથ્થુ શાસન છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પામવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહે અવનવા ખેલ કરવા પડ્યા, શિવ સેનાના વર્ચસ્વને તોડવા માટે આકાશ-પાતાળ એક કરવા પડ્યા છે. મરાઠીઓને ખુશ કરવા માટે નીતિમત્તા કોરાણે મૂકવી પડી છે. રાજકીય કાવાદાવા ચરમસીમાએ કર્યા પછી જયજયકાર મળ્યો છે.
ગુજરાતમાં મતદારો માત્ર ભાજપ પક્ષ અને નરેન્દ્ર મોદીને જ જુવે છે. બાકી બધું ગૌણ છે. ભાજપના પાયાના પથ્થર અને લોકપ્રિય નેતા કેશુભાઈ પટેલે ભાજપથી અલગ થઈ 'ગુજરાત પરિવર્તન પાર્ટી' નામનો જુદો ચોકો કરી ભાજપ સામે ચૂંટણી લડી તો ખરાબ રીતે પાર્ટી હારી ગઈ હતી. તેના પક્ષને માત્ર બે બેઠક મળી, જેમાં પોતે વિસાવદરથી અને નલિન કોટડીયા અમરેલીથી જીત્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસ હવે મૃતપ્રાય બની ગઈ છે, આમ આદમી પાર્ટી નાના બાળક જેવા મુદ્દાઓ લઈ ફરે છે. ગુજરાતમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે, અજીત પવાર, એકનાથ શિંદે કે શરદ પવાર નથી! બીજી રીતે કહીએ તો આપણે ત્યાં ટક્કર આપે તેવા કોઈ નેતા મોદી સામે નથી.
આ લેખક આજની તારીખે આગાહી કરે છે કે, ગુજરાતની આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે!
ચૂંટણી
ગુજરાતમાં આગામી ચાર માસમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૦ જિલ્લા પંચાયત અને ૨૫૦ તાલુકા પંચાયતની ચૂંટણી થશે. આ તમામ ચૂંટણી રાજ્યના ૧૮૨ વિધાનસભા બેઠક પૈકી ૧૭૦ બેઠકને સીધી અસર કરશે. ગુજરાતમાં ભાજપને બદલે હવે 'નમોપા' અસ્તિત્વમાં હોય તેવું લાગી રહૃાું છે 'નમોપા' એટલે 'નરેન્દ્ર મોદી પાર્ટી' એવું લોકો કટાક્ષમાં બોલી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રીની ખુરશી પણ તે ઈચ્છે તેટલો સમય જ રહે છે. ગુજરાતના રાજકારણીઓ અને સામાન્ય લોકો, બધા જાણે છે કે, ગુજરાતમાં ભાજપનું મંત્રીમંડળ મોદી-શાહના ઇશારે જ ચાલે છે. મતદારો પણ જાણે છે કે, ગુજરાતના રાજકારણમાંથી મોદી ફેક્ટર નીકળી જાય તો, હાલમાં જંગી લીડથી જીતેલા નેતાઓને ડિપોઝિટ બચાવવાના ફાંફાં પડી જાય!
આંદોલન
ભારતની રાજનીતિ અને રાજકારણ આંદોલનો આધારિત હતું અને છે. અંગ્રેજો સામે આંદોલન કરનાર કોંગ્રેસે દાયકાઓ સુધી રાજ કર્યું. મોંઘવારી અને રામ જન્મભૂમિ આંદોલન કરનાર ભાજપ અત્યારે દેશમાં સર્વે સર્વા છે. અનામત આંદોલન કરનાર લોકો પણ રાજ કરી ગયા. અરવિંદ કેજરીવાલ પણ અન્ના હજારેના આંદોલનની ઉપજ છે. પાટીદાર અનામત આંદોલનને કારણે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સત્તા જતી રહી અને હાર્દિક પટેલ ધારાસભ્ય બન્યા!
એક સમયે રાંધણ ગેસના ભાવમાં થોડો વધારો થતો તો પણ સ્મૃતિ ઈરાની ધમાલ મચાવી દેતા હતાં. ભારતીય જનતા પક્ષે આંદોલનો દ્વારા જ દિલ્હીની ગાદી સર કરી છે.
આજે અહી આંદોલનો દ્વારા સફળતાનો ઇતિહાસ લખવાનું કારણ આમ આદમી પાર્ટીનો પ્રવેશ છે. ગુજરાતમાં દ્વિપક્ષીય રાજકારણ ચાલતું આવ્યું છે. ત્રીજો પક્ષ જીતી નથી શકતો. જો કે, હવે કોંગ્રેસ નેપથ્યમાં ધકેલાઇ ગઈ છે એટલે ગણિતના આંકડા ફરી લખવા પડે તેમ છે. આમ આદમી પાર્ટી જ્યારે ભાજપના મત તોડી શકશે ત્યારેજ વિજયની વરમાળ ધારણ કરી શકશે.
ગુજરાતમાં આપ હજુ આક્રમક બની નથી. આંદોલનો કરવાને બદલે જાહેર સભ્યોમાં હાકલા પડકારા કરે છે, પરંતુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, અવ્યવસ્થા સામે રોડ ગજવતી નથી. આમ આદમી પાર્ટી શાહુકારોની લાજ કાઢવાનું બંધ કરવું પડશે! તેના નેતાઓને હજુ ગ્રામ્ય સમસ્યાઓનો જ ખ્યાલ હોય તેવું, લાગે છે. મહાનગરપાલિકાઓ જીતવા માટે શહેરી પ્રશ્નો પણ ઉઠાવવા જોઈએ.
ગુજરાતમાં વિકાસની જાકમઝોળ જાહેર કરવામાં આવે છે તેટલી સમૃદ્ધિ છે ખરી? બીજીતરફ રાજ્યમાં પાથરણાવાળા અને રેકડીઓના દબાણો બેફામ વધી રહૃાા છે તે ગરીબી વધવાની નિશાની છે. આમ આદમી પાર્ટી વાઇબ્રન્ટ ગુજરાતના આંકડાઓ સામે કેમ ચૂપ છે? માત્ર જાહેર સભાઓ કરવાથી ગુજરાત જીતી નહીં શકાય.
કોંગ્રેસ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ બાબતે ચર્ચા કરવા જેવું કશું બચ્યું જ નથી. કેન્દ્રીય નેતાગીરી જ્યાં નબળી પડતી હોય, ચૂંટણીઓ સતત હારતી હોય ત્યાં જામનગર, રાજકોટ કે અમદાવાદમાં શું ઉકાળી શકે? ગુજરાતમાં હવે જ્ઞાતિવાદ પણ ચાલતો નથી. જામનગર તેનું ઉત્તમ ઉદાહરણ છે. આથી કોંગ્રેસ અને આપ પાસે આ કાર્ડ પણ રહૃાું નથી.
જામનગર
એક સમયના પેરિસ અને ધાર્મિક દૃષ્ટિએ છોટીકાશી નામ ધારણ કરતાં જામ સાહેબના જામનગરમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી તોળાઈ રહી છે. અહી કોંગ્રેસ કે આપનું પત્તું નબળું પડે છે. ભાજપ પક્ષે નરેન્દ્ર મોદીના નામની પાક્કી રોન છે, હુકમનો એક્કો છે અને વાઇલ્ડ કાર્ડ પણ છે. જામનગર પાસે કોઈ મોટા, પ્રતિભાશાળી કે રાષ્ટ્રીય નેતા નથી. મોદી સાહેબ પણ બહુ ધ્યાન દેતા હોય તેમ લાગતું નથી! પ્રશ્નોની વણઝાર છે, ગંદકી, દબાણો, સિટી બસ, ઘન કચરાનો વ્યવસ્થિત નિકાલ મનપામાં ઉમેરાયેલા નવા વિસ્તારોમાં પાયાની સુવિધાઓ, દૈનિક પાણી વિતરણ ઝડપી ઉકેલ માંગે છે. લોકસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી દેશના અનેક રેલવે સ્ટેશનો સાથે જામનગરના રેલવે સ્ટેશનને પણ નવું બનાવવા માટે ભૂમિપૂજન કર્યું હતું. આજે હજુ કોઈ પ્રગતિ થઈ નથી! ભૂગર્ભ ગટરો ઠેર ઠેર ઉભરાય છે. જૂની શાક માર્કેટના સ્થાને નવી બનાવવાનું કાર્ય પણ બાકી છે. અમદાવાદ અને રાજકોટમાં મધ્યમ વર્ગો માટે લગ્ન અને શુભ પ્રસંગો માટે મહાનગર પાલિકા બે ડઝન કોમ્યુનિટી હોલ ચલાવે છે. જામનગરમાં આવી કોઈ સુવિધા જ નથી! ખોડિયાર કોલોની રોડ ઉપર ચક્કા જામ ટ્રાફિક થાય છે તે, મીડિયામાં મુદ્દો ચગ્યા પછી સિક્સ લેન કરવાની કામગીરી શરૂ કરી. આ રોડ ઉપરથી અધિકારીઓ કે પદાધિકારીઓ નીકળતા હશે ત્યારે આ પરિસ્થિતિ શું નહીં દેખાતી હોય? સરૂ સેક્સન રોડ ઉપર કરોડોના ખર્ચે ગૌરવ પથ બનાવ્યા પછી પણ દબાણો જેમના તેમ છે!
હા, સૌથી લાંબો ઓવરબ્રિજ બન્યો છે, બાયપાસ ઉપર નવા પુલ બની રહૃાા છે, ઢોર પકડવાની કામગીરી પણ ચાલી રહી છે તે સારી બાબતો છે. પરંતુ મોદી મેજિક વગર કેટલી જીત મળે તે મોટો સવાલ છે!
આમ આદમી પાર્ટી
દિલ્હીની કોઈ સંસ્થાએ જાહેર કર્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ૨૫ ટકા વોટ શેર સાથે કોંગ્રેસને ત્રીજા નંબરે ધકેલી બીજા નંબરનો પક્ષ બની ગયો છે. આવકાર્ય છે. પરંતુ જમીની વાસ્તવિકતા બહુ અલગ છે. આટલા મતો પછી પણ નક્કર સત્તા મળે તેવા કોઈ સંજોગો નથી. મતદારો કચકચાવીને આમ આદમી પાર્ટી તરફ મતદાન કરે તો જ શક્ય બને, જે શક્ય નથી. ભાજપની વોટબેંક અકબંધ છે. આપના એક નેતા ઈશુદાન ગઢવી આપણા વિસ્તારના છે અને ખંભાળિયામાં વિધાનસભા લડી હારી ચૂક્યા છે. જામનગરમાં જોઈએ તો, જીતવા માટે આ પાર્ટીએ હજુ નેવાના પાણી મોભે ચડાવવા પડશે. તેના અનેક કારણો છે. તેમાં સૌથી મોટું કારણ એ છે કે, પાર્ટી પાસે સક્ષમ અને ટકાઉ ઉમેદવારો જ નથી. ભાજપ જેને ટિકિટ નહીં આપે તે, અહી જશે. જશે ખરા પણ ટકશે નહીં.
બીજું મહત્ત્વનું કારણ એ છે કે, પક્ષ હજુ આક્રમક વલણ અખત્યાર કરી શક્યો નથી. જાહેરસભાઓ અને લોક સંપર્ક કરવાથી ચૂંટણી જીતી શકાતી નથી. પ્રજાના પ્રશ્ને આંદોલન કરી વિશ્વાસ જિતવો પડે. હાલમાં જાહેરસભાઓ કરે છે તેમાં પણ હવામાં ગોળીબાર જેવા મુદ્દાઓ ઉછાળે છે. મહાનગરપાલિકાના સક્ષમ સંચાલન માટે શું કરશે? તેનો જવાબ નથી.
સારાંશ
પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી જીતવું ભાજપ માટે સરળ છે, આપ અને કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. મતદારો જ વિપક્ષને જીવતદાન આપી શકે છે. ગ્રામ્ય મતદારો અને શહેરી મતદારોની ચૂંટણી, ઉમેદવારો અને પક્ષ તરફે દૃષ્ટિ અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. બંનેની જરૂરિયાતો અને સમસ્યાઓ પણ ભિન્ન હોય છે. એક સમયે જિલ્લા પંચાયતોમાં ભાજપને નકાર્યો હતો તો તે વિસ્તારમાં વિધાનસભામાં જીત આપવી હતી. શહેરી વિસ્તારો ભાજપનો ગઢ મનાય છે. તંદુરસ્ત લોકશાહીના રક્ષક તરીકે આ લેખક એવું માને છે કે, વિપક્ષ મજબૂત હોવો જોઈએ. મતદારોએ પણ જાગૃતિપૂર્વક મતદાન કરવું જોઈએ. રાજકીય પક્ષે પણ ચૂંટણી જીતવા માટે ઇકડમં તિકડમ ન કરવા જોઈએ. અમદાવાદમાં કેજરીવાલની જાહેરસભા રદ કરાવવી અને તેના પ્રચાર માટેના બેનરો ઉતારી લેવા તે વ્યાજબી નથી. ચૂંટણી જીતવા માટેની બાબતોમાં ભાજપની મથરાવટી મેલી છે.
અંગ્રેજી લેખક જોન લીલીના વાક્યને થોડું આગળ વધારીને લખીએ તો..
એવરીથીંગ ઇસ પોસિબલ ઇન લવ, વોર ઍન્ડ ઇલેક્શન!!!
- પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial