Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'મામાનું ઘર કેટલે... દિવો બળે એટલે'
જામનગર તા. ર૦: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની સત્તાવાર રીતે પદગ્રહણ વિધિ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની વરણી પછી ધીમે ધીમે પ્રદેશ સંગઠનમાં મહામંત્રીઓ સહિતના મહત્ત્વના પદ ઉપર અને પક્ષના વિવિધ મોરચાના અધ્યક્ષોની વરણી જાહેર થઈ, ત્યારપછી હવે પ્રદેશ કારોબારીમાં આમંત્રિત સભ્યો અને સભ્યોના નામની જાહેરાત પણ સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે, જો કે રાજ્યમાં ચૂંટણીઓ સંદર્ભમાં પક્ષના ઉમેદવારોની પસંદગી માટેના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોના નામોની જાહેરાત બાકી જ છે.
આ તમામ ગતિવિધિઓ વચ્ચે રાજ્યમાં મહાનગરો/જિલ્લાઓમાં પ્રમુખોના નામની જાહેરાત પછી હજી શહેર/જિલ્લાના સંગઠનમાં નિમણૂકો થઈ નથી, અને ભારે સસ્પેન્સ સાથે વિલંબ થઈ રહ્યો હોવાથી પદ પામવા તલપાપડ દાવેદારોમાં ઉત્કંઠા વધી રહી છે.
જામનગર શહેર ભાજપ અધ્યક્ષ પદે સમગ્ર ગુજરાત રાજ્યમાં એકમાત્ર મહિલા તરીકે બીનાબેન કોઠારીની નિમણૂક માર્ચ ર૦રપ માં થઈ છે, પણ... આજે દસ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજી શહેર સંગઠનનું માળખું જાહેર થયું નથી. ભાજપ દ્વારા સંગઠનમાં વિવિધ પદ માટેના દાવેદારો અને સ્થાનિક અગ્રણીઓની સેન્સ લેવાઈ ગઈ, તેનો અહેવાલ પ્રદેશમાં રજૂ થયો હોવા છતાં જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પ્રદેશ ભાજપના અંતરંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તા. રપ જાન્યુઆરી, ર૦ર૬ પહેલા રાજ્યના તમામ શહેરો/જિલ્લાઓમાં સંગઠનના માળખાની જાહેરાત કરી દેવામાં આવશે. જામનગર શહેર ભાજપમાં મહામંત્રી જેવા મહત્ત્વના પદ માટે કેટલાક વગદાર દાવેદારો દ્વારા હજુ પણ લોબીંગ અને નેતાઓ પાસેથી ભલામણ કરાવવાના અંતિમ ઘડીના પ્રયાસો ચાલી રહ્યા છે અને તેના કારણે જ સંગઠનના માળખાની જાહેરાત ઘોંચમાં પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે તેમજ પ્રદેશ કક્ષાએ જે રીતે અધ્યક્ષોની પસંદગી થઈ અને ગુજરાત પ્રદેશ સંગઠનની જાહેરાત થઈ તેના પરથી એક સ્ટ્રેટેજીનું ચોક્કસ સૂચન થાય છે કે નવા અને યુવા ચહેરાઓને જ વધુ મહત્ત્વના સ્થાનની જવાબદારી સોંપાશે. આગામી બે-ત્રણ મહિના પછી સંભવતઃ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોવાથી કોર્પોરેટરની ટિકિટના ઈચ્છુકો/દાવેદારો પણ સંગઠનમાં નિમણૂકોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
જામનગર શહેર તેમજ જામનગર જિલ્લામાં ભાજપ સંગઠનમાં મહત્ત્વના પદોની જાહેરાત ચોંકાવનારી હોવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે, કારણ કે ભાજપની સ્ટાઈલ મુજબ સાવ નવા-નવા નામો ખુલે તો નવાઈ નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial