Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન સિંદૂર યથાવત ? ગાંડાબાવળ જેવા આતંકવાદ સામે કાયમી પોલિસીની જરૂર...

                                                                                                                                                                                                      

ગાંડાબાવળને ગમે તેટલી વખત હટાવો, તે નેસ્તનાબૂદ થતા નથી, એને તે જ જમીનમાં વધુ ને વધુ ફેલાતા જતા હોય છે. ગાંડાબાવળ ખારી-ઉજ્જડ જમીનમાં પણ ઝડપભેર ઉછરે છે અને તેને કાઢી નાખ્યા પછી પણ ત્યાં ને ત્યાં ફરીથી ફેલાતા હોવાથી તેને અટકાવવા મૂળીયા સહિત સળગાવીને ત્યાંની જમીનને પણ ખોદીને ખેડવી પડે, અને નવસાધ્ય કરવી પડે, તેવું કહેવાય છે. કાંઈક એવું જ આતંકવાદીઓનું છે. આતંકવાદ એટલા માટે ખતમ થતો નથી, કે તે કોઈ એક જ વ્યકિત, સંગઠન કે સંસ્થા પર અવલંબિત નથી, પરંતુ એક માનવતા વિરોધી, ઘાતકી અને વિદ્વંશક આસૂરી વિચારધારા છે, જેમાં માનવધર્મ, માનવતા કે સંવેદનશીલતા દયા-માયા કે વિવેક હોતા જ નથી; આ વિચારધારાને માત્ર આતંકીઓ, તેના ઠેકાણાંઓ કે તેના ફન્ફાસ્ટ્રકચર પર પ્રહાર કરીને અટકાવી શકાતી નથી, પરંતુ તેના મૂળને જ ખતમ કરવા પડે અને ગાંડાબાવળની જેમ મૂળમાંથી ઉખેડીને, સળગાવી નાખીને તથા ત્યાંની જમીનને ઉંડે સુધી ખોદી નાખીને જ અટકાવી શકાય, તેવું મંતવ્ય યથાર્થ જણાય છે. જો કે, આ ઘાતકી વિચારધારા સદંતર નેસ્તનાબૂદ તો સરળતાથી થાય તેવું જણાતુ નથી, પરંતુ તેને અટકાવી જરૂર શકાય છે, તેવો અભિપ્રાય પણ સાંપ્રત સંજોગોમાં યોગ્ય જણાય છે.

ભારત સામે વર્ષ ૧૮૪૭ સહિત ચાર મોટા યુદ્ધમાં ભૂંડી રીતે હાર્યા પછી પાકિસ્તાને ભારતને નબળુ પાડવાના જુદા જુદા નુસ્ખા સફળતાપૂર્વક અજમાવ્યા, અને ભારતમાં દાણચોરી, ડ્રગ્સ અને નકલી ચલણી નોટોના માધ્યમથી અંતે ભારત આઝાદ થયું ત્યારથી જ મોટા વિકાસ પ્રોજેકટોનો વિરોધ, ભાષાવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ અને અલગતાવાદ જેવા ઝેરીલા માધ્યમથી ભારતની અસ્મિતા, એક જૂથતા અને વિકાસયાત્રાને અટકાવવાના પ્રયાસો સતત કર્યા, કાશ્મીર મુદ્દે કાગારોળ કરીને તથા ભારતમાં દેશવ્યાપી આતંકવાદી હૂમલાઓ કરીને દેશને ખોખલો કરવાના પ્રયાસો થયા. કારગીલમાં ઘુસણખોરી કરી ભારત વિરોધી ચીનની ગોદમાં બેસીને ભારતને ઘેરવાના પ્રયાસો કર્યા, પરંતુ પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) ગુમાવવુ પડયું. અને વારંવાર સૈન્ય સાશનના કારણે પાકિસ્તાન હંમેશાં નબળુ પડતુ રહ્યું અને ભારત આગળ વધતુ રહ્યું છે.

પાકિસ્તાને દાયકાઓથી પોતાને ત્યાં આતંકીઓ તૈયાર કરીને ભારતમાં આતંકી હૂમલાઓ કરાવવાની નીતિ અપનાવી છે, અને પાકિસ્તાની ચળવળને પણ પાકિસ્તાને જ હવા આપી હતી, પોતાની પ્રજાને પ્રચંડ મોંઘવારી, ગરીબી અને ગુનાખોરીમાં ધકેલીને કંગાળ થયેલું પાકિસ્તાન વિશ્વબેંક અને આઈ.એફ.એમ. જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના આધારે મળતા વિવિધ ફંડ તથા ચીન જેવા દેશો તરફથી મળતી (ઊંચા વ્યાજની) લોન પર નિર્ભર છે અને ભીખનો કટોરો લઈને દુનિયામાં ફરે છે, તેમ છતાં દુનિયાભરના આતંકવાદીનું આશ્રયસ્થાન બન્યુ છે, તેની પાછળનું રહસ્ય થોડા સમય પહેલા ત્યાંના જ એક મંત્રીએ ખોલી નાખ્યું છે, હકીકતમાં ભૂતકાળમાં યુરોપ અને અમેરિકા ખંડના શક્તિશાળી દેશોના ઈશારે તેનુ પ્યાદુ બનીને દાયકાઓથી આતંકવાદની ખેતી પોતાની જમીન પર કરવા દીધી, તેથી હવે આતંકવાદીઓ જ ત્યાંની સેના, આઈ.એસ.આઈ. અને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ત્યાંની લોકતાંત્રીક સરકારોની તાકાત બની ગયા છે. વિધિમાં થતી મોટા ભાગની આતંકી પ્રવૃત્તિઓના મૂળ પાકિસ્તાનમાં જ નીકળે છે અને ઓસામા બિન લાદેન, દાઉદ ઈબ્રાહીમ, મસુદ અઝહર, હાફિઝ સઈદ, હેડલી અને ઝકીઉર રહેમાન લખવી જેવા આંતરરાષ્ટ્રીય તથા ભારતિવરોધી આતંકવાદી-ગુનેગારો તથા માફિયાઓને પાકિસ્તાને જ આશ્રય આપ્યો છે, તે આખી દૂનિયા જાણ છે.

ભારત વિરોધી યુદ્ધોમાં હારેલું પાકિસ્તાન જો કંગાળ થયા પછી પણ ભારત સામે આતંકવાદનું જ હથિયાર ઉગામતું રહે અને આતંકવાદના માધ્યમથી જ ભારત સાથે પરોક્ષ યુદ્ધ કાયમી ધોરણે ચાલુ રાખવાની પોલિસી પાકિસ્તાને અખત્યાર કરી લીધી હોય, અને આ પોલિસી ત્યાંની બદલતી રહેતી લોકતાંત્રિક સરકારો તથા માર્શલ લો દરમિયાન (મોટા ભાગે) પાકિસ્તાન પર શાસન કરનારા ત્યાંના સેનાધ્યક્ષો-તાનાશાહીએ પણ યથાવત રાખી હોય, તો પાકિસ્તાન અને તેના દ્વારા પોષણ પામેલા આતંકવાદ વિરૂદ્ધ ભારતે પણ કોઈ કાયમી નક્કર પોલિસી અખત્યાર કરવાની જરૂર છે. ભારતે અત્યાર સુધી ઘણો જ સંયમ દાખવ્યો છે, પરંતુ હવે માત્ર મોટો હૂમલો થાય, તે પછી જ સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, કે બોર્ડર પર "જડબાતોડ" જવાબ આપવાના બદલે કાયમી ધોરણે તાજેતરની સ્ટ્રાઈકની જેમ પાક.માં ધમધમતા આતંકવાદી ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરતા રહેવાની પરમેનેન્ટ નેશનલ અને ઈન્ટરનેશનલ પોલિસી અમલી બનાવવી જોઈએ.

ભારતે પહલગામનો બદલો આક્રમક સ્ટ્રાઈક કરીને લીધો, તેને "ઓપરેશન સિંદૂર" નામ આપ્યું છે, તેમાં રો એ કુલ ૨૧ આતંકી ઠેકાણાઓ ચિન્હીત કર્યા હતા. તેમાંથી મુખ્ય ૯ ઠેકાણાઓ પર સ્ટ્રાઈક થઈ છે. તેથી હવે ઓપરેશન સિંદૂર-૨ અને ઓપરેશન સિંદૂર-૩ પણ થઈ શકે છે, તેવી સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. એવું પણ ચર્ચાય છે કે પાકિસ્તાનને પણ ઓપરેશન સિંદૂર હેઠળ હજી વધુ કાર્યવાહી થશે, તેવું લાગતું હોવાથી એલ.ઓ.સી. પર સતત યુદ્વવિરામનો ભંગ કરી રહ્યું છે.

આતંકવાદીઓને પહલગામમાં લોકોને ધર્મ પૂછી પૂછીને નિર્દોષોનો સંહાર કર્યો અને હવે એલ.ઓ.સી. પર પાકિસ્તાન દ્વારા ભારતીય બોર્ડર પર રહેતા નિર્દોષ ભારતીય નાગરિકો પર ગોળીબાર કરી રહ્યું છે, તે પણ એક પ્રકારનો "સત્તાવાર" આતંકવાદ જ ગણાય ને ?

ભારતે હવે આતંકવાદ વિરોધી કાયમી પોલિસી ઘડીને  પાકિસ્તાન કે વિદેશની ધરતી પર રહીને આતંકવાદીઓને મદદ કરતા તથા ભારતમાં રહીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થતાં, ફંડીંગ કરતા અને છાવરતા તેમજ દેશમાં રહીને આતંકવાદીઓને મદદ કરતા, છાવરતા કે પ્રોત્સાહિત કરતા તમામ નફ્ફટો સામે કાયમી ધોરણે કડકમાં કડક પ્રહારો કરવાની જરૂર છે. એટલુંજ નહી, પાકિસ્તાનની આતંક સમર્થક નીતિ ન બદલે ત્યાં સુધી તેની સાથે અત્યારે કાપી નાખેલા તમામ સંબંધો નહીં બદલવા તથા પાણી રોકવા સહિતના ડિપ્લો મેટિક કદમ પણ સતત ઉઠાવતા જ રહેવા જોઈએ.

ગઈ કાલથી એવી ચર્ચા હતી કે હવે ઓપરેશન-૨ લોન્ચ થશે, પરંતુ આજે સવારે લાહોરમાં મિસાઈલથી હૂમલો થયો હોવાના અહેવાલો પછી સવારથી જ એવું પૂછવામાં આવી રહ્યું છે કે શું આ હૂમલો હાફિઝ સઈદ સહિતના ભારતના દુશ્મનોને ટારગેટ કરીને ભારતે કરાવ્યો હતો કે બીજું કાંઈ ? ત્રણ ધમાકા થયા પછી એવો સવાલ પણ ઉઠી રહ્યો છે શું ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે ? શું આ ધમાકા પાકિસ્તાનની કોઈ ચાલ છે...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh