Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાફિક સપ્તાહની ઉજવણી.. કોના માટે ?

                                                                                                                                                                                                      

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સરકારે ટ્રાફિક સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું.. ઉજવણીનો હેતુ બિલકુલ સ્પષ્ટ હતો, જનતામાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવી, કે જેનાથી અકસ્માતો ઘટે અને ટ્રાફિકનું નિયમન સરળ રીતે થાય.

અને જનતામાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસે દંડના બદલે સમજાવટનો માર્ગ પસંદ કર્યો. દા.ત. કોઈ રોંગ સાઈડમાંથી આવતા પકડાઈ કે ટ્રાફિક સિગ્નલ જમ્પ કરતા પકડાઈ તો તેને મેમો નહીં, પણ ગુલાબનું ફૂલ આપીને સમજાવવા. જો કોઈ હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા પકડાયા તો તેને મેમો નહીં પણ હેલ્મેટ આપવી અને સલામત સવારીનું મહત્વ સમજાવવું...

સરકારના સારા કાર્યમાં સાથ સહકાર આપવો એ આપણી પણ ફરજ બની રહે છે. મેં પણ મારી ફરજ બજાવવાનું નક્કી કર્યું. મે મારી હેલ્મેટ સ્કૂટરની ડેકીમાં મૂકી અને હેલ્મેટ વગર જ સ્કૂટર સવારી કરતો નીકળી પડ્યો.

રાત્રિના લગભગ ૮.૦૦ વાગ્યા હતા. પ્રથમ બે ટ્રાફિક પોઇન્ટ તો હું સરળતાથી પસાર કરી ગયો. પરંતુ ત્રીજા ટ્રાફિક પોઇન્ટ પાસે મને પોલીસે અટકાવ્યો, ગુલાબનું ફૂલ આપ્યું અને મારી ધારણાથી વિપરીત મને નમ્રતાથી પૂછ્યું, *કેમ સાહેબ, આજે હેલ્મેટ વગર જ ?*

*એ તો સાહેબ, આજે મારે તમને બસો રૂપિયા આપવા'તા ને એટલે....* મેં તેનાથી પણ વધુ નમ્રતાથી તેને જવાબ આપ્યો.

*હેં...! અમારી મજાક કરે  છે ?* પહેલા તો તેણે ગુસ્સે થઈને મને પૂછ્યું, પરંતુ પછી તેને ટ્રાફિક સપ્તાહ યાદ આવ્યું, એટલે ફરીથી નમ્રતાથી પૂછ્યું, *સાહેબ સાચું કહેજો, શા માટે હેલ્મેટ વગર ડ્રાઇવિંગ કરો છો ? શું તમને અકસ્માતની બીક નથી લાગતી ?*

*અકસ્માતની બીક લાગે છે એટલે જ મેં હેલ્મેટ નથી પહેર્યો...!!*

*પરંતુ શા માટે ?*

જવાબમાં મેં રસ્તા પર સામેથી ચાલ્યા આવતા વાહનોની લાઈન દેખાડી, કે જેમાં ૮૦% વાહનો પર મોડીફાઇડ વ્હાઈટ હેડ લાઇટ હતી, કે જેમાંથી હેલોજન લાઈટ જેવો આંખ આંજી દેતો તીવ્ર પ્રકાશ આવતો હતો. તેની સામે જોતા જ દસ-બાર સેકન્ડ માટે તો આંખે અંધારા આવી જતા. મેં કહ્યું, *સાહેબ, આવી આંખને આંજી દેતી, અને આંખે અંધારા લાવી દેતી આ વ્હાઈટ લાઈટને કારણે જ હું રાત્રે હેલ્મેટ નથી પહેરતો..*

એક જમાનો હતો કે વાહનોની હેડલાઈટ ફક્ત પીળી જ રહેતી અને તેમાં પણ બિલકુલ વચ્ચે કાળુ ટપકું કરવામાં આવતું કે જેથી સામેવાળા વાહન ચાલકની આંખો અંજાઈ નહીં.

આજે તો પરિસ્થિતિ એવી છે કે લગભગ દરેક દ્વિચક્રી વાહનની હેડલાઈટનું ફોકસ રોડ પર નહીં પરંતુ સામેથી આવતા વાહન ચાલકની આંખમાં જ હોય છે, જાણે કે તે ચેતવણી આપતા કહે છે કે, *અકસ્માત થાય તે પહેલા મને બરાબર જોઈ લે ખુલ્લી આંખે નહીં તો બંધ આંખે પણ મને જોઈ લે..!*

અને રાત્રે વ્હાઈટ હેડલાઇટ ધરાવતા વાહનો સામે ટ્રાફિકના કેસ ભાગ્યે જ થાય છે, કારણ કે આ વ્હાઈટ લાઈટ સામે વાહનની નંબર પ્લેટ વાંચી શકાય તો કેસ કરી શકાય ને ,?

વિદાય વેળાએ : આપણી સરકાર, અને સરકારી વહીવટ કેમ ચાલે છે, ખબર છે ? હમણાં જ ચોમાસુ પૂરું થયું ત્યારે શહેર આખામાં ઠેક ઠેકાણે તૂટેલા રોડ જોઈને પ્રશ્ન એ ઊભો થયો કે, *આ ગયા વર્ષે જ બનાવેલા નવા નવા રોડ પણ તૂટી ગયા, તો તેના માટે જવાબદારી કોની ?

....અને એ જવાબદારી નક્કી કરવા માટે બોલાવવામાં આવેલી સરકારી મિટિંગમાં એટલું જ નક્કી થયું કે, *એના માટે ફક્ત વરસાદ જ જવાબદાર છે, બીજું કોઈ નહીં...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh