Advertisement
Author: નોબત સમાચાર

પેન્શનર્સની હયાતીની થશે ઘેર બેઠાં ખરાઈ

રાજયના નાણાં વિભાગ અને ટપાલ વિભાગ વચ્ચે કરાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: પેન્શનર્સની હયાતીની ખરાઈ માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાતના પેન્શનરોએ હવે હયાતી (લાઈફ સર્ટીફિકેટ)ની ખરાઈ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં. હયાતીની ખરાઈની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે. આ માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નાણા વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે એમઓયુ થયા છે. આ વ્યવસ્થાનો રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડે છે. જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તતાને પરિણામે અનેક મુશ્કેલીઓ અનુભવાતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રક્રિયાને સરળ કરવા માટે હવે હયાતીની ખરાઇની સેવા પેન્શનરોને વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હયાતીની ખરાઇ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. રાજ્યની પોસ્ટ ઓફિસ/ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક મારફત પેન્શનરોને આ સેવા ઉપલબ્ધ થશે. આ સેવા અંતર્ગત પેન્શનરોના ઘર-આંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે. આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે. હાલના હયાતીની ખરાઇના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે.

રાજ્યના પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના આશરે પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે.

અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૮ માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ઇન્ડિયા પોસ્ટ પેમ્ન્ટ બેંકની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી ત્યારે બેકિંગ સેવા આપ કે દ્વાર મુખ્ય વિઝન હતું. આ વિઝનના ભાગરૂપે જ ગુજરાત સરકાર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે થયેલ સમજૂતી કરાર વખતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, મંત્રી શ્રી જગદિશભાઇ વિશ્વકર્મા, નાણા વિભાગ ના સચિવ શ્રી ટી.નટરાજન, જી.એસ.ટી. કમિશ્નરશ્રી રાજીવ ટોપનો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહૃાાં હતા.

પેન્શનર્સને ડિજીટલ લાઇફ સર્ટીફિકેટ આપવામાં આવે છે. જેને હવે આઈપીપીબી ની ટીમને સંપર્ક કરવાથી અથવા તેમની પોસ્ટ બેંકની ટીમ સામે ચાલીને દરેક પેન્શનર્સના ઘરે જશે. તેમની જોડે ઉપલબ્ધ મોબાઇલ લાઇફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં પી.પી.ઓ. નંબર, આધાર નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ , મોબાઇલ નંબર જેવા મહત્વના ડેટા નાંખીને પેન્શનરની બાયોમેટ્રીક લેશે.

જેના પરિણામે ગણતરીની મીનિટમાં જ પેન્શરન્સના ડિજીટલી બાયોમેટ્રીક ઓથેન્ટિકેશનથી ડિજીટલ લાઇફ સર્ટીફિકેટ ઇસ્યુ થઇ જશે. જેની એક ડિજીટલ નકલ પેન્શન ઓફિસમાં પણ પહોંચી જશે.,

અન્ય રાજ્યમાં રહેતા અને મૂળ ગુજરાતના પેન્શનર્સને પણ આ સેવાનો લાભ મળશે.જેના માટે તેઓને નજીકના પોસ્ટ ઓફિસ કે પોસ્ટમેનને સંપર્ક કરવાનો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh