Advertisement
Author: નોબત સમાચાર

પાટણના પીપરાળામાં યોજાનાર વીર ડગાયચા દાદાનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૬ઠ્ઠી માર્ચથી યોજાશે

ભકિત, શકિત અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમની મુલાકાતે સાંસદ પૂનમબેન માડમ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ગુજરાતની પવિત્ર ધરતી હંમેશાં સંતો, મહંતો અને શૂરવીરોની ભૂમિ રહી છે, જ્યાં ધર્મ અને ગાયોના રક્ષણ કાજે અનેક રણબંકાઓએ પોતાના મસ્તક હોમી દીધા છે. આવો જ એક અણમોલ અને પ્રેરણાદાયી ઇતિહાસ યદુવંશી આહિર કુળના રત્ન શ્રી ડગાયચા દાદા (ડાંગર) નો છે, જેમનો ઇતિહાસ આજે પણ પાટણના પીપરાળા ગામની સીમમાં જીવંત છે. આગામી ૬ થી ૮ માર્ચ દરમિયાન, સમસ્ત આહિર ડાંગર પરિવાર દ્વારા આ પવિત્ર ભૂમિ પર *વીર ડગાયચા દાદા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ* નાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ આ ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરશે.

ઇતિહાસકારો અને બારોટોના ચોપડે અંકિત કથા મુજબ, ડગાયચા દાદા માત્ર એક યોદ્ધા જ નહીં, પરંતુ 'છત્રીસ લક્ષણા' મહાપુરુષ હતા. તેમની ભક્તિ અને સત્યતાની એવી તાકાત હતી કે જ્યારે પાટણના મહારાજા સિદ્ધરાજ સોલંકી રુદ્રમહાલય પર સુવર્ણ કળશ ચડાવવામાં મુશ્કેલી અનુભવી રહૃાા હતા, ત્યારે વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે કોઈ પરમ સત્યવાદી અને છત્રીસ લક્ષણા પુરુષના હાથે જ આ કાર્ય સિદ્ધ થશે. દાદાએ પોતાની સત્યતાના પારખાં નદીના ધસમસતા વહેણમાં ચારણને કોરી પછેડીઓ દાનમાં આપીને આપ્યા હતા. ધર્મ કાજે તેમણે પોતાનો એ જમણો હાથ કાપીને અર્પણ કરી દીધો હતો, જે હાથે રુદ્રમહાલયનો કળશ સ્થાપિત થયો હતો. ગાયોના ધણને બચાવવા માટે બહારવટિયાઓ સામે લડતા લડતા તેઓ વીરગતિને પામ્યા, પણ તેમનું નામ અમર થઈ ગયું. આજે પણ તેમના માનમાં દુહો ગવાય છે કે, *ડાંગર બાંયુ લાંબીયું, તુણા કચ્છની માય, મોકળ કુલ ડગાયચો, જેના કર કંડોરણા જાય...*

આ મહોત્સવમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. કાર્યક્રમની રૂ:પરેખા મુજબ, પ્રથમ દિવસે ૬ માર્ચના સવારે ૮ કલાકે ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ સાથે પવિત્ર યજ્ઞનો શુભારંભ થશે અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. બીજા દિવસે ૭ માર્ચના ભવ્ય જલયાત્રા અને નગરયાત્રા નીકળશે તથા સાંજે મૂર્તિ સ્થાપન અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ જલાભિષેક કરવામાં આવશે. રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં લોકસાહિત્યના માંધાતા દેવાયતભાઈ ખવડ શૌર્યગાથાઓ સંભળાવશે, જ્યારે ભૂમિબેન આહીર અને દિવાળીબેન ડાંગર સુમધુર લોકગીતો અને ભક્તિ ગીતોની રમઝટ બોલાવશે. વેરવા રાસ મંડળી દ્વારા પરંપરાગત આહિરી રાસ રજૂ કરવામાં આવશે.

મહોત્સવના અંતિમ દિવસે ૮ માર્ચના સવારે ૧૧:૦૦ કલાકે શુભ મુહૂર્તે દાદાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને નૂતન મંદિરના શિખર પર ધર્મની ધજા લહેરાવવામાં આવશે. બપોરે ૧૨:૪૫ કલાકે મહાઆરતી બાદ તમામ ભાવિકો માટે મહાપ્રસાદ (ભંડારો) રાખવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સાંસદ પૂનમબેન માડમ, ભરતસિંહ ડાભી, મંત્રી ત્રિકમભાઈ છાંગા, પૂર્વ મંત્રીઓ જવાહરભાઈ ચાવડા, મુળુભાઈ બેરા, વાસણભાઈ આહીર, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ભગવાનજીભાઈ બારડ, હેમંતભાઈ ખવા, લવિંગજી ઠાકોર સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

પીપરાળા ગામની સીમમાં જ્યાં આજે પણ વીર ડગાયચા દાદાની ખાંભી શ્રદ્ધાનું પ્રતીક છે, ત્યાં 'રોટલાનો ટુકડો, ત્યાં હરિ ઢુકડો' ની આહિરી પરંપરા મુજબ વિશાળ રસોડું પણ ધમધમશે. સમસ્ત આહીર ડાંગર પરિવારના રાજુભાઈ ડાંગર તથા તુલશીભાઈ ડાંગર દ્વારા તમામ જ્ઞાતિજનો અને ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સંજય ડાંગર-ધ્રોલ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh