Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્ટના કર્મચારીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૯ઃ જામનગરની એક કોર્ટમાં રજૂ થયેલા અસલ ચેકને કોર્ટના કઠેરા નજીક રાખવામાં આવ્યા પછી બે શખ્સે તે ચેકની ઉઠાંતરી કર્યાની પોલીસમાં કોર્ટના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના લાલબંગલા પાસે આવેલા કોર્ટના બિલ્ડીંગ માં કાર્યરત પાંચમી ચીફ જ્યુ. કોર્ટમાંથી ગયા મહિનાની રપ તારીખે એક ચેકની ચોરી થઈ ગયાની આ કોર્ટના કર્મચારી ભાવિન જનકરાય શુક્લાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ અગાઉ સાતમી ચીફ જ્યુડી. કોર્ટ તરીકે કાર્યરત અને હવે પાંચમી ચીફ જ્યુડી. કોર્ટ તરીકે કામ કરતી આ અદાલતમાંથી ચેક ચોરાયો છે. ૪૧૯૧૧૪ નંબર ના આ અસલી ચેક સાથેના કાગળો ગઈ તા.રપ એપ્રિલની બપોરે આરોપીઓને અદાલતમાં જે કઠેરામાં ઉભા રાખવાના હોય છે ત્યાં અન્ય કાગળો સાથે રાખવામાં આવ્યો હતો.
તે પછી સાડા ચારેક વાગ્યે શુભમ જેરામ કણઝારીયા, હાર્દિક દિનેશભાઈ ભટ્ટ નામના બે આરોપીને કઠેરામાં બેસાડવામાં આવ્યા હતા. આ શખ્સોએ પરવાનગી વગર જ ત્યાં મુકવામાં આવેલા સરકારી રેકર્ડને તપાસી તેમાંથી ૪૧૯૧૧૪ નંબરનો અસલ ચેક સ્ટેપ્લરની પીન ઉખેડી નાખી બહાર કાઢી લીધો હતો અને ચોરી કરી લીધો હતો. પીએસઆઈ એલ.બી. જાડેજાએ ભાવિન શુકલાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી શુભમ જેરામ કણઝારીયા, હાર્દિક દિનેશ ભટ્ટની શોધખોળ આરંભી છે.