Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફળદ્રુ૫ જમીનના ભોગે હવાઈ મથક નહીં બનાવવા રજૂઆતઃ
દ્વારકા તા. ૨૦: દ્વારકા નજીક એરપોર્ટ નિર્માણ અંગે પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ થતાં જ ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે.
દ્વારકા નજીકના વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામની જમીનમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેકટ અંતર્ગત દ્વારકાના પ્રાંત અધિકારીની આગેવાનીમાં પ્રાથમિક સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે. ખેડૂતો દ્વારા આ સર્વે કામગીરીનો વિરોધ કરાયો છે.
થોડા સમય પૂર્વે દ્વારકા યાત્રાધામને એરપોર્ટની સુવિધા આપવા માટે દ્વારકા નજીકના વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર એમ ચાર ગામોની કુલ ૨૬૭ સર્વે નંબરવાળી જગ્યાઓ પર પ્રસ્તાવિત એરપોર્ટ નિર્માણની જાહેરાત કરાયા પછી દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તથા અધિકારીગણની હાજરીમાં પ્રસ્તાવિત જમીન પર પ્રાથમિક સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે. ૨૬૭ સર્વે નંબરો પૈકી અમૂક જમીનો સરકારી માલિકીની છે જયારે અમૂક સર્વે નંબરોવાળી જમીન ખાનગી માલીકીની છે.
જમીનોના સંપાદનની કામગીરી થાય તે પહેલા પ્રસ્તાવિત જમીનોની પ્રાથમિક સર્વેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જે કામગીરી આગામી ૭-૮ દિવસ સુધી ચાલે તેવી સંભાવના છે. ખેડૂતોએ વસઈ એરપોર્ટ નિર્માણ અંગે આ અગાઉ એરપોર્ટની જાહેરાત પછી તરત જ એરપોર્ટ પ્રોજેકટને વસઈ આસપાસની ફળદ્રુપ જમીન પર ન કરવા અને અન્યત્ર ખસેડવા તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી અને હવે હાથ ધરાયેલ કામગીરીનો પણ ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે.
એરપોર્ટ અંતર્ગત ચાર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ અગાઉ એરપોર્ટ પ્રોજેકટને અન્યત્ર ખસેડવાની માંગ સાથે વિરોધ - રજૂઆતો કર્યા બાદ હાલની કામગીરી અંગે ખેડૂત આગેવાનોએ પ્રતિભાવ આપતા જણાવેલ કે આ વિસ્તારની જમીનો ફળદ્રુપ હોય તાજેતરમાં માવઠામાં ઊંચા વળતરની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવી હોય સરકારી ચોપડે જમીનો ફળદ્રુપ હોવાનું ફલિત થાય છે તો હવે પછી સર્વે શાનો તેવા વેધક સવાલો સાથે સર્વે કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. આ અગાઉ પણ ખેડૂતો દ્વારા વસઈ આસપાસની ફળદ્રુપ જમીનો આપવાના સાફ ઈન્કાર સાથે વખતો વખત મિટિંગો યોજી અને સરકારમાં લેખિત વિરોધ વ્યકત કરી પ્રોજેકટને અન્ય જગ્યા પર ખસેડવા રજૂઆતો કરવામાં આવી છે.
આ અંગે દ્વારકાના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે એરપોર્ટ પ્રોજેકટ અંતર્ગત મેવાસા, વસઈ, ગઢેચી અને કલ્યાણપુરના વિવિધ સર્વે નંબરવાળી જમીનો પૈકી મુખ્યત્વે સરકારી જમીનોના સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે. સરકારી જમીનો પર દબાણો હશે તો તે અંગે રેવન્યુ કોડ અનુસાર પ્રોસેસ કરવામાં આવશે. આ સર્વેની કામગીરી આગામી સમયમાં પણ ચાલતી રહેશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial