Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં હિમાલયની હિમવર્ષાની અસર પડી રહી હોય તેવી કડકડતી ઠંડી પડી રહી છે અને તેની માઠી અસરો જનજીવન પર પણ પડી રહી છે. બીજી તરફ ગઈકાલે બારામતીમાં પ્લેન ક્રેશ થતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન અને તે દુર્ઘટનાના કારણે છવાયેલા શોક તથા મમતા બેનર્જી અને અખીલેશ યાદવ સહિતના વિપક્ષના નેતાઓએ ઉઠાવેલી આશંકાઓ અને સુપ્રિમકોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસની માંગણીની તરફેણ અને વિરોધના અભિપ્રાયો-પ્રત્યાઘાતોની ચર્ચા મીડિયા-સોશ્યલ મીડિયામાં જોરશોરથી થઈ રહી છે, અને એ બધા વચ્ચે ગઈકાલે ટી-૨૦માં ત્રણ વિજય મેળવ્યા પછી ચોથી મેચ ભારતીય ક્રિકેટ ટીમ હારી કેમ ગઈ, તેના વિશ્લેષણો પણ થઈ રહ્યા છે. તો બીજી તરફ કોલંબિયામાં પણ પ્લેન ક્રેશમાં ત્યાંના સાંસદ સહિત ૧૫ લોકોના જીવ ગયા હોવાના ગમખ્વાર અહેવાલોએ હવાઈ સેવા સામે પ્રશ્નાર્થચિહ્ન લગાવી દીધું છે.
ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થયા પછી હવે લોકોની નજર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર મંડાયેલી છે, ત્યારે કયાંક સહકારી સંસ્થાઓની જેમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પણ કોઈ કારણ બતાવીને પાછળ, તો ઠેલી નહીં દેવાય ને ? તેવા સવાલો ઉઠી રહ્યા છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને જ જામનગરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ ફટાફટ વિવિધ વિકાસકામો, પ્રોજેકટો તથા વહીવટી અને તાંત્રિક ખર્ચાઓને મંજુરી આપી હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની હતી. બીજી તરફ હજુ એસઆઈઆરની પ્રક્રિયા પૂરી થઈ નથી અને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ નથી, ત્યાં ફોર્મ નં. ૭ ના સામૂહિક પેંતરાની ફરિયાદો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી ઉઠી રહી હોવાથી આ વિવાદ શાંત થવાનું નામ જ લઈ રહ્યો નથી. આ કારણે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછળ ઠેલાઈ શકે છે, તેવા અનુમાનોને બળ મળે છે. જો એવું થાય તો મુદ્દત પૂરી થઈ જતી હોય તેવી પંચાયતો-પાલિકા-મહાનગરપાલિકાઓમાં ફરી એકવાર વહીવટદારો નિમાય અને કામચલાઉ અમલદારશાહી સ્થપાય, તેવી શક્યતાઓ પણ રહેતી હોવાથી આ મુદ્દે વિપક્ષો જ નહીં, શાસક પક્ષના નેતાઓ-કાર્યકરોમાં પણ અજંપો ઉઠે એ સ્વાભાવિક છે, જો કે, આ બધા માત્ર અનુમાનો છે અને વહીવટી તંત્રમાં એવી કોઈ હિલચાલ જોવા મળી રહી નથી, પરંતુ રાજયમાં વધી રહેલી એન્ટી-ઈન્કમ્બન્સી તથા શાસકપક્ષમાં વધી રહેલા આંતરિક અસંતોષને જોતા હવે સમજદારીપૂર્વકનું જોખમ ઉઠાવવું કે પછી ચૂંટણીઓ પાછળ ઠેલવી તેની વિચારણા કરીને જ આગળની રણનીતિ ઘડાશે તેમ જણાય છે.
આમ, તો એસઆઈઆરની સઘળી પ્રક્રિયા રાજ્ય અને કેન્દ્ર ચૂંટણીપંચ દ્વારા થતી હોવાથી ચૂંટણીઓનું સમયપત્રક તૈયાર કરવાની જવાબદારી પણ ચૂંટણીપંચની જ રહેતી હોવાથી સરકારને સીધી રીતે કોઈ લેવા-દેવા હોતી નથી, પરંતુ સંલગ્ન વ્યવસ્થાઓ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, પરીક્ષાઓ, તહેવારો, મોસમ, લગ્નગાળો અને ભૌગોલિક સ્થિતિ વગેરે તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ માટેનું ટાઈમ-ટેબલ નક્કી થતું હોવાથી સરકાર અને ચૂંટણીપંચ વચ્ચે તાલમેલ અને સંકલન થવું પણ જરૂરી હોય છે અને સરકારી તંત્રો જ ચૂંટણીપંચની ફરજો પણ બજાવતું હોવાથી મૂળભૂત ફરજો અને સરકારી કામો વગેરેનું પણ ધ્યાન રાખવું પડતુ હોય છે. આ કારણે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અત્યારે તો માત્ર અટકળો જ કરી શકાય, બાકી તો "ઉપરી"ની ઈચ્છા બળવાન !
જામનગર ભાજપમાં ગઈકાલે ધમધમાટ જોવા મળ્યો હતો અને પ્રેસ-મીડિયામાં પણ શહેર ભાજપની નવી ટીમની ચર્ચા વ્યાપક રીતે થઈ રહી હતી. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ પ્રદેશ હાઈ કમાન્ડ સાથે પરામર્શ કરીને ગઈકાલે ૪૨ સભ્યોની શહેર ભાજપની નવી ટીમ જાહેર કરી હતી, જેમાં કેટલીક મહત્ત્વની પોષ્ટ પર હોદ્દેદારો રિપિટ કરાયા હતા, તો કેટલાક નવા ચહેરાઓ પણ ઉમેરાયા હોવાની ચર્ચા હતી.
શહેર ભાજપ પ્રમુખે મંત્રીઓ, મહામંત્રીઓ, ઉપપ્રમુખો, સોશ્યલ મીડિયા, આઈ-ટી, અને મીડિયા ઈન્ચાર્જ વગેરે હોદ્દાઓ પર કેટલાક હોદ્દેદારો રિપિટ કર્યા છે, તો કેટલાક નવા, યુવા અને મહિલા કાર્યકર્તાઓને પણ સ્થાન અપાયું છે. આ ઉપરાંત શહેર ભાજપના યુવા મોરચા, બક્ષીપંચ, મહિલા, કિસાન, અનુસૂચિત જાતિ, લઘુમતિ વગેરે મોરચાઓના હોદ્દેદારોની નિમણૂકો પણ કરી છે અને તેનો આ નવી ટીમમાં સમાવેશ થયો હોવાનું જાહેર થયું છે. આ નવી ટીમની જવાબદારી હવે મહાનગરપાલિકાની આગામી ચૂંટણી જીતાડવાની રહેશે.
આ નવી ટીમની જાહેરાત થતાં જ ગઈકાલે શહેર ભાજપમાં ધમધમાટ જોવા મળી રહ્યો હતો, અને આ નવી ટીમ પણ આગામી ચૂંટણીઓના સમીકરણો તથા કાર્યકર્તાઓના આંતરિક સંકલનને ધ્યાનમાં રાખીને જ બનાવાઈ હોવાની ચર્ચા પણ થઈ રહી હતી, તો અંતરંગ વર્તુળોમાં કાંઈક અલગ જ પ્રકારની ચર્ચા ચાલી રહી હોવાનું પણ કહેવાય છે.
જે હોય તે ખરૃં, પરંતુ હવે ગુજરાતમાં પ્રદેશકક્ષાએ જગદીશ પંચાલની નવી ટીમથી લઈને જિલ્લા-શહેરોની સંગઠન શક્તિની પણ પરીક્ષા થવાની છે, કારણ કે આ વખતે ભાજપ માટે પંચાયત, પાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણી જીતવી એ સીધા ચઢાણ જેવી હશે અને સરળ નહીં હોય, તેવા તારણો નીકળી રહ્યા છે અને કેટલાક જિલ્લાઓમાં રાજ્ય-રાષ્ટ્રીયકક્ષાની રાજનીતિના અસંતુષ્ટો ગૂપ્ત રીતે અત્યંત સક્રિય છે, અને તેઓને અનુકૂળ "ગોઠવણ" નહીં થાય તો ખરે ટાણે બળવો કરવા કે પક્ષમાં રહીને જ તાકાત કરવાના મૂડમાં હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
ગઈકાલે એવી ચર્ચા પણ હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પબુભા માણેકના ધર્મોત્સવમાં હાજરી આપવા જ્યારે દ્વારકા આવશે, ત્યારે તેની સમક્ષ હાલારના કેટલાક મહત્તમ મુદ્દા તથા પ્રશ્નો તો રજૂ થશે જ, સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લઈને પણ કોઈને કોઈ ચર્ચા તો જરૂર થશે જ, તે પછી સાંજે આપણે જાણવા મળશે કે હકીકતે આ મુલાકાત દરમ્યાન કોઈ પોલિટિકલ ચર્ચા થઈ હતી કે નહીં ?
બીજી તરફ સરકારી કાર્યક્રમોથી પ્રજા પણ કંટાળી ગઈ છે, કારણ કે માત્રને માત્ર સરકારી પ્રચાર જ થઈ રહ્યો હોવાથી કેટલાક નિયમિત રીતે યોજાતા સરકારી કાર્યક્રમો, સમિતિઓની મિટિંગો, ગ્રામસભાઓ વગેરેમાં લોકો જતા જ નથી, તેવા પ્રત્યાઘાતો રાજ્યના તલાટી મહામંડળોમાં પણ પડ્યા છે, તલાટી મંડળે સરકાર સમક્ષ માંગણી કરી છે કે ગામડાઓમાં વર્ષમાં માત્ર બે વખત જ ગ્રામસભા યોજાવી જોઈએ, કારણ કે ગ્રામસભામાં ગ્રામજનો જ આવતા નથી. ઘણી જગ્યાઓ ખાલી જ છે અને ગ્રામસભાઓનો એજન્ડા માત્ર સરકારની વાહવાહી માટે જ હોય અને તેમાં ગ્રામજનોના પ્રશ્નો કે સમસ્યાઓ ઉકેલાતા ન હોય, તથા જવાબદાર અધિકારીઓ જ આવતા ન હોય તો તેનો અર્થ શું ?
આ પ્રકારનો અસંતોષ અને નારાજગી પ્રવર્તતી હોય, ત્યારે તેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થવાની જ છે અને આ કારણે કદાચ વર્ષ ૨૦૧૫ જેવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પણ આવી શકે છે, તેથી હવામાં ઉડવાની જરૂર નથી, તેવા કટાક્ષો હવે વિપક્ષના નેતાઓ પણ કરવા લાગ્યા છે.
એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજયને લઈને ભાજપે હવામાં ઉડવાની જરૂર નથી, તેવા કટાક્ષો થઈ રહ્યા છે, તો બીજી તરફ સુપ્રિમકોર્ટે કેટલીક રાજ્ય સરકારોને રખડતા આવારા કૂતરાઓના મુદ્દે આડે હાથ લીધી છે. સુપ્રિમકોર્ટે આ મુદ્દે નિમેલા વકીલમિત્રની કેફિયત સાંભળ્યા પછી સુપ્રિમકોર્ટની બેચે કહ્યું છે કે રખડતા કૂતરાઓના મુદ્દે કોઈપણ રાજયોએ પૂરતા કદમ ઉઠાવ્યા નથી અને ખસીકરણ સહિતના મુદ્દે હવાઈ કિલ્લાઓ બાંધી રહ્યા છે. આસામ સિવાય (ગુજરાત સહિત) કોઈપણ રાજયે કૂતરા કરડવાના બનાવોના ડેટા જ આપ્યા નથી, તેથી રાજ્યોના તંત્રોને સુપ્રિમકોર્ટે તતડાવ્યા હતા.
ગુજરાતમાં પણ આવારા કૂતરાઓ અને રખડતા ઢોરના કાયમી ત્રાસનો મુદ્દો ચૂંટણીઓ માટે નિર્ણાયક અને વિપક્ષો માટે પ્રચારનું મુખ્ય ઓજાર બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial