Advertisement
Author: નોબત સમાચાર

કચ્છની સરહદે ભારતની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયા પાકિસ્તાનના ડ્રોન

હાઈએલર્ટ સાથે સરહદી જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્કઃ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારાઈ

                                                                                                                                                                                                      

ભુજ તા. ૧૦ઃ કચ્છમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ બનાવાય છે, અને આદિપુર-અબડાસાના ધ્રુફી ગામમાં ડ્રોન તોડી પાડયા છે, જ્યારે બે ડ્રોનને પરત થયા હતા. હાઈએલર્ટ સાથે એજન્સીઓ વધુ સતર્ક બની છે.

'ઓપરેશન સિંદૂર' અંતર્ગત ભારત-પાક. વચ્ચે ઘેરા બની રહેલા તનાવની અસર કચ્છ સરહદે જોવા મળી રહી છે. પાકિસ્તાને નાપાક હરકતો શરૃ કરીને કચ્છ સરહદ ઉપર ડ્રોન હુમલા શરૃ કર્યા છે. આદિપુર તથા અબડાસાના ધ્રૂફી ગામમાં ડ્રોન તોડી પડાયું છે. લોકોને ધરમાં રહેવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. હુમલા અગાઉ જાસુસી માટે ગુરૃવારે રાત્રે પણ કચ્છ સરહદે પાકિસ્તાને ડ્રોન ઉડાડ્યા હતા. જો કે, સતર્ક એવી ભારતીય સેનાએ ત્રણ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાને બે ડ્રોન પરત લઈ જવાની ફરજ પડી હતી. પાકિસ્તાનની હરકતથી સતર્ક ભારતીય વાયુ સેનાના સર્વેલન્સ વિમાનોથી કચ્છનું આકાશ ગાજતું રહૃાું હતું.

પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગઃ બ્લેક આઉટ

બીજી તરફ, પ્રજાજનો અને સેના તથા તંત્ર દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં પોલીસે સઘન વાહન ચેકીંગ શરૃ કર્યું છે. બીજા દિવસે અંધારપટ અને ઉચાટ વચ્ચે કચ્છના નાગરિકો નાપાક હરકતો સામે સતર્ક છે.

સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક

કચ્છ સરહદે ખાવડા નજીક કોટડા ગામ પાસે ગત રોજ ગુરૃવારે વહેલી પરોઢે પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યાની ઘટનાની પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સર્તક બની છે તે વચ્ચે શુક્રવારે કચ્છ સરહદે ફરીથી પાક. દ્વારા ડ્રોન વડે હુમલાનો પ્રયાસ થયો હતો. પાક.ના ત્રણ ડ્રોનને તોડી પડાયા હતા જયારે બે ડ્રોન પરત ફર્યા હતા. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે શુક્રવારે ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. જોકે, કચ્છ સરહદે ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરનાર ત્રણ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા જયારે બે ડ્રોન પરત ફર્યા હતા. ગુજરાત સરહદે પાકિસ્તાન દ્વારા હુમલાની ભિતીએ કચ્છમાં પણ હાઈ એલર્ટ છે. 

ધાર્મિક સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધારાઇ

કચ્છમાં પણ કોટેશ્વર, માતાના મઢ સહિતના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભુજ- નલિયા એરફોર્સ સહિતના મહત્ત્વપૂર્ણ સ્થળોએ પણ સુરક્ષા એજન્સીઓનું ઘ્યાન કેન્દ્રિત છે. શુક્રવારે સવારથી સરહદી જિલ્લાના તમામ વિસ્તારોમાં જન જીવન રાબેતા મુજબ ચાલુ રહૃાું હતું. જો કે, શુક્રવારે રાત્રે ૯-૩૦ વાગ્યાથી ફરી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છના રહીશો જાગૃતિ દાખવીને રાતભર જાગી રહૃાાં છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરી રહૃાાં છે.

હાઇએલર્ટ જાહેર થતાં પશ્ચિમ કચ્છ પોલીસ દળ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોની હદના શહેર અને તાલુકાના ગામડાઓમાં ૨૪ કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાઇવે માર્ગો પર પસાર થવા વાહનોનું સઘન ચેકિંગ તેમજ સરહદી વિસ્તારમાં થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

કચ્છ પરથી સેનાના જહાજોએ ઉડાન ભરી

સમગ્ર કચ્છમાં ગુરુવારે પછી શુક્રવારે રાત્રે પણ બ્લેકઆઉટ અમલી બનાવાયું હતું. હજુ બે દિવસ આવી જ પરિસ્થિતિ રહેશે તેવો અંદાજ પણ લગાવવામાં આવી રહૃાો છે. શુક્રવારે સવારથી જ કચ્છ પરથી સેનાના જહાજોએ ઉડાન ભરી હતી. જેના અવાજથી લોકોમાં ભય સાથે કચ્છ સરહદે કઈક મોટું થઈ રહૃાું છે અથવા થવા જઇ રહૃાું છે તેવો અંદાજ પણ લગાવવામાં આવ્યો હતો. સવારથી સાંજ સુધી કચ્છના આકાશમાં સતત જહાજોની અવરજવર રહી હતી. ભારતીય સેના પર ભરોસો રાખી સરકારી આદેશોનો પાલન કરવા પણ લોકોએ તત્પરતા દાખવી હતી.

હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ

તણાવભરી સ્થિતિમાં તૈયારીરૃપે જિલ્લામાં ૭૫૦ બેડની જી.કે.જનરલ હોસ્પિટલમાં ૧૫૦ બેડ સરહદ સલામતી દળ અને સૈન્ય માટે અનામતની જોગવાઈ કરાયેલી છે. દરમિયાન પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા જામનગરની સરકારી જી.જી.સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ કરાઈ છે. હોસ્પિટલમાં વધુ બેડ, દવાઓ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. ડોક્ટર અને સપોર્ટીંગ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. પાક હુમલો કરે એવી સંભાવનાઓ વચ્ચે પોરબંદર, જામનગર અને કચ્છમાં પણ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. બનાસકાંઠામાં ૧૫ એમ્બ્યુલન્સો મોકલાઈ છે.

રોજબરોજની વસ્તુઓની ખરીદી વધી

કચ્છમાં અંધારપટ્ટના પગલે બેટરી, મીણબત્તી, બાકસ, અનાજ, ચોખા, કઠોળ સહિતની રોજબરોજની વસ્તુઓની ખરીદીનું પ્રમાણ વધારે જોવા મળી રહૃાું છે. એ જ રીતે કચ્છમાં મોટા ભાગે શાકભાજી અમદાવાદ, રાજકોટ, ઉત્તર ગુજરાત તરફથી આવતી હોવાથી ટ્રાન્સપોર્ટેશનને અસર થાય તો તેવા સંજોગોમાં પહોંચી વળવા ડુંગળી, બટેટા, ટમેટા, મરચાં જેવા શાકભાજીની ખરીદીનો ઉપાડ વધતો નજરે પડી રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh