Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલાએ અકસ્માતમાં પોતાના પતિને ગુમાવ્યા પછી તેને પડેલી મુશ્કેલી વિશે જણાવતા કહ્યું કે, 'મારા પતિ આઈ.ટી. પ્રોફેશનલ હતા. તેઓ ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કરવામાં માનતા હતા એટલે લાઈટબીલથી લઈને બેંકના ડોક્યુમેન્ટ, ઘર-વાહનના ડોક્યુમેન્ટ, રોકાણની વિગતો, બેંક એટીએમ, લોકર પાસવર્ડ બધું જ લેપટોપમાં સાચવ્યું હતું અને તે આખું ફોલ્ડર પાસવર્ડથી સુરક્ષિત હતું. પાછા આઈ.ટી. પ્રોફેશનલ અને સુરક્ષામાં માનવાવાળા એટલે વધારે સાવચેતીના પગલાં રૂપે દર પંદર-વીસ દિવસે પાસવર્ડ બદલાવતા, મારે કંઈ કામ હોય તો લેપટોપ વાપરવા માટે પાસવર્ડ પુછી લેતી. જો કે મને પાસવર્ડની જાણ હોય, પણ વારંવાર બદલાતા પાસવર્ડ યાદ રહેતા નથી. વળી હું એક હાઉસ વાઈફ, મેં જ તેમને કહ્યું કે, આ બધા કામમાં મને ખબર ન પડે, તમે જ બધું સંભાળો, હવે અચાનક ગુજરી ગયા, અકસ્માતમાં તેમનો મોબાઈલ, લેપટોપ બધું તૂટી ગયું... હવે હું શું કરૃં? ક્યાં જાઉં? કોને પૂછું? મને તો તેમની વીમા પોલિસીની વિગતોની પણ જાણ નહતી.
મારી આખી જિંદગી હચમચી ગઈ. મને ખબર પડી કે મારે બહુ લાંબુ યુદ્ધ લડવાનું છે. લાઈટ બીલના પેમેન્ટથી લઈ હોમલોનના હપ્તા સુધી જ મારે મેનેજ કરવાનું છે. પણ કેવી રીતે કરૃં એની મારી પાસે કોઈ જ જાણકારી નહતી. એકપણ બાબત, એકપણ ડોક્યુમેન્ટની મને ખબર ન હતી, પતિ હતા ત્યારે એમ જ કહેતી કે, તમે છો પછી મારે બધું જાણવાની શું જરૂર? પછી શીખી લઈશ... આ એક અકસ્માતે મારી આવતી આખી જિંદગી અઘરી કરી દીધી.
આવું કેટલાય સાથે થતું હશે. આપણે એમ જ માનીએ છીએ કે આવડી લાંબી જિંદગી છે, ચિંતા શું કરવાની? પણ જીવનની અનિશ્ચિતતાઓ સામે આપણું કંઈ જ ચાલતું નથી. ઘરમાં જ્યારે બધા જ નાણાકીય વ્યવહારો પતિ દ્વારા કરવામાં આવતા હોય ત્યારે પત્ની ક્યારેક અભિમાનથી તો ક્યારેક હાશકારાથી કહે છે કે 'એ બધું સંભાળી લે છે, મને એમાં ખબર ન પડે, જરૂર પડશે ત્યારે શીખી લઈશ.' પણ જ્યારે ખરેખર ખરૂર પડે છે ત્યારે કંઈ જ ખબર પડતી નથી અને પછી પત્ની બિચારી બીજા લોકો પર આશ્ચિત થઈ જાય છે.
ગુજરાતના એક જાણીતા અને હંમેશાં સાચું લખવાવાળા લેખક ચંદ્રકાંત બક્ષીએ વર્ષાે પહેલાં એક લેખ લખ્યો હતો કે, 'તમારી પત્નીને વિધવા બનતા શીખવો.' ખરેખર વાંચવા જેવો લેખ આપણા ગુજરાતી સમાજમાં અનેક કુટુંબમાં સ્ત્રીઓને એ જાણ નથી હોતી કે પતિ પાસે કેટલી મિલકત છે. અરે... ઘણી વખત તો પતિનો પગાર કેટલો છે. એ બાબતની પણ જાણકારી નથી હોતી. પતિએ કઈ બેંકમાં કેટલા રૂપિયા રાખ્યા છે, કેટલી ફીક્સ ડિપોઝિટ છે, ક્યાં રોકાણ કર્યું છે? શેર છે? કોઈને રૂપિયા આપવાના છે? કોઈ પાસેથી રૂપિયા લેવાના છે? વીમા પોલિસી છે? પ્રિમિયમ ક્યારે-કેટલું ભરવાનું છે? પોલિસીના કાગળ ક્યાં છે? એજન્ટ કોણ છે? અચાનક બીમારી આવી જાય તો કોને મળવાનું? લોન છે? કેટલા હપ્તા? ક્યારે પૂરી થશે? આવક-ખર્ચ, બચત... આવી કેટલીય વિગતોની સ્ત્રીઓને જાણકારી નથી હોતી. બેંકના પાસવર્ડ પણ ખબર નથી હોતા. ક્યારેક તો પતિ દ્વારા પત્નીના એકાઉન્ટમાં પણ પોતાના મોબાઈલ નંબર આપે છે, એટલે પોતે તે એકાઉન્ટ ઓપરેટ કરી શકે, આમાં કદાચ ઈરાદો ખરાબ ન હોય કે શંકા ન હોય, પણ રોકાણ કરવામાં કે શેરની લે-વેચ કરતી વખતે વારંવાર આવતો ઓટીપી પત્ની પાસે માંગવો ન પડે એ વિચાર હોય, પણ સાચી વાત એ છે કે કેટલીય પત્નીઓને આર્થિક બાબતોની જાણકારી નથી હોતી. મોટાભાગના પુરૂષો એમ કહી દે છે કે, હું બેઠો છું ને પછી તારે શું ચિંતા... પણ અચાનક આ બેઠેલો પુરૂષ ચતોપાટ થઈ જાય છે. અકસ્માત કે હાર્ટએટેક કે એવી કોઈ બીમારી પર સવાર થઈને મોત આવી જાય છે. ત્યારે બધા પાસવર્ડ, બધા ડોક્યુમેન્ટ, બધા હિસાબ આપવાનો સમય નથી રહેતો અને પતિના ગયા પછી બધા કેટલાય નાણા હોવા છતાં પત્નીને ક્યારેક ઓશિયાળુ અને બિચારૂ જીવન જીવવું પડે છે.
ગામડાની વાત તો સમજ્યા, પણ મોટા શહેરોમાં પણ એવી કેટલીય સ્ત્રીઓ હશે કે જે ક્યારેય બેંકમાં પણ ગઈ નહી હોય. વ્હીકલ વાપરતી હોય પણ પંચર પડે કે કંઈક રીપેરીંગ કરવાનું આવે ત્યારે પતિને જ ફોન કરે, કેટલીય એવી સ્ત્રી હશે જેને બલ્બ બદલતા કે એક ખીલી મારતા પણ આવડતું નથી. કેટલાય ઘરમાં તો અનાજ, શાક, દૂધ, ફ્રૂટ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુુ લેવાની જવાબદારી પણ પુરૂષની હોય છે. આવી કેટલીય, સ્ત્રીઓને ઘર, કિચન, ટીવી, સામાજિક પ્રસંગ સિવાય પણ એક દુનિયા હોય તેની જાણ જ નથી હોતી. આવી સ્ત્રીઓ પતિ પર પૂરી રીતે આધારીત હોય છે, અને પતિ અચાનક દુનિયા છોડીને ચાલ્યા જાય પછી તેમની સ્થિતિ દયાજનક થઈ જાય છે. આ માટે ફક્ત પુરૂષો જ નહીં, સ્ત્રીઓ પણ એટલી જ જવાબદાર છે.
આપણને ગમે કે ન ગમે, પણ એ વાત તો સ્વીકારવી જ રહી કે પતિ-પત્નીનું મૃત્યુ સાથે થતું નથી. જીવનના દરેક પ્રસંગે, દરેક સુખદુઃખમાં દરેક સમયે સાથ નિભાવ્યો હોય છતાં મૃત્યુ સમયે એકને સ્મશાનની ચિતા પર મૂકીને પાછા એકલા જ આવવાનું હોય છે. દરેક વખતે એવું જરૂરી નથી કે પતિનું જ મૃત્યુ પહેલા થાય, પણ એવું બને ત્યારે જીવનના ઘણાં મોરચે એકલા હાથે સ્ત્રીએ લડવું પડે છે અને આવા સંજોગોમાં મને કંઈ ખબર ન હોય એ બધું સંભાળે એવું અભિમાનથી કહેતી સ્ત્રીઓ અફસોસ કરતી હોય છે કે કાશ... મને થોડી ખબર હોત તો... મે આર્થિક વ્યવહારમાં રસ લીધો હોત તો... આ પરિસ્થિતિ ન આવે એ જોવાની જવાબદારી દરેક પતિ-પત્નીની છે જ...
આવું ન થાય એ માટે દરેક પુરૂષે પોતાની દરેક મહત્ત્વની બાબત, જરૂરી દસ્તાવેજ, જરૂરી ઓટીપીની વિગતો પત્નીને જણાવવી જ જોઈએ. પતિની અનુપસ્થિતિમાં પત્નીને દરેક મોરચે લડવું ન પડે એ માટે તેને દરેક વિગતો જણાવવી જ જોઈએ. જીવનને ક્યારેય 'ટેકન ફોર ગ્રાન્ટેડ' ન લો. જીવનની દરેક પરિસ્થિતિ માટે તૈયારી રાખો, તમારા પછી ઘર, પરિવાર, પત્ની, બાળકોને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા રાખો... અને ખાસ તો મોબાઈલમાં છૂપાવવા જેવું કંઈ ન હોય તો ફોનમાં લોક ન રાખો... પત્નીને બધું સમજાવો... બધું જણાવો...
- દિપા સોની, જામનગર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial