Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાનું જોડિયા વર્ષ-૨૦૦૧ના ભૂકંપમાં થઈ ગયુ તબાહઃ અનેક લોકોની હિજરત

એક સમયે ૩૦ હજારની વસતિ ધરાવતું આ બંદર ભૂકંપની થપાટ લાગતા હાલ ૮ હજારની વસતિ ધરાવે છે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: ૨૬ જાન્યુઆરી-૨૦૦૧ના  આવેલો વિનાશકારી ભૂકંપ કે જેણે જામનગર જિલ્લાના જોડીયાને તબાહ કરી નાંખ્યુ હતુ એક સમયે ધમધમતું જોડિયા બંદર કે જેની ૩૦,૦૦૦ વસતિ હતી જેની ભૂકંપની થપાટ લાગતાં હાલ માત્ર ૮,૦૦૦ની વસતિ છે. અનેક લોકોએ હિજરત કરી હોવાથી ગામ ખાલીખમ થયુ હતું.

ગત ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના કચ્છમાં આવેલા ભૂકંપમાં વિનાશક કચ્છ વિસ્તારમાં તારાજી થઈ, પરંતુ એની અસર એવી જ વ્યાપક અસર ભૂકંપ કેન્દ્રથી માત્ર ૩૦ કિલોમીટર દૂર આવેલા જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ઉપર વિશેષ કરીને થઈ. ભૂકંપ આવ્યો ત્યારે અને હાલની પરિસ્થિતિને કયાસ કાઢીએ તો ભૂકંપે માત્ર જાન અને મકાનનું નુકસાન નથી કર્યું, પરંતુ, આ આખા વિસ્તારને જાણે તબાહ કરી નાખ્યો. મોટાભાગના લોકો ભૂકંપ અને ત્યાર પછી આવતા આફ્ટરશોકથી ડરી, થાકી, કંટાળીને બીજા શહેરમાં હિજરત કરી ગયા છે. મોટાભાગના વ્યવસાય-ધંધા રોજગાર પણ તેને કારણે ઠપ્પ થઈ ગયા છે.

સરકારે મકાનો ફરીથી બાંધવા માટે સારી એવી આર્થિક સહાય આપી હોવા છતાં, આજે પણ જોડિયા ગામની અનેક ગલીઓમાં તમને ભૂકંપમાં ખલાસ થઈ ગયેલા મકાનો જોવા મળે છે. મોટાભાગના લોકોએ જોડિયામાં રહેવાનું ટાળીને અન્ય જગ્યાએ હિજરત કરી જતાં, જોડીયા તેની એક જમાનાની પ્રખ્યાત જોડિયા બંદર તરીકેની અને તાલુકા મથક તરીકેની ઓળખ જાણે ગુમાવી ચૂક્યું છે. હાલ જે ૮,૦૦૦ ની વસ્તી છે એ પણ આસપાસના ખેતી કરતા લોકો જ આ ગામમાં રોકાયેલા છે. જોડીયા એ અગાઉ નગરપાલિકા હતી, પરંતુ હાલ ગ્રામ પંચાયત જેવી સ્થિતિ છે.

ભૂકંપમાં ધ્વસ્ત થયેલી મોટાભાગની સરકારી કચેરીઓ હવે જોડીયા ગામની બહાર મુખ્ય હાઇવે પર લઈ જઈ અને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ સ્ટેશન, કોર્ટ, મામલતદાર કચેરી જેવી કચેરીઓને શહેરની મધ્યમાંથી શિફ્ટ કરીએ અને હાઈવે ઉપર લઈ જવામાં આવી છે તેનાથી પણ જોડિયાની રોનક જાણે ઝાંખી પડી છે.

કહેવાય છે કે ભૂકંપ માત્ર મકાન નથી તોડતો, માણસની માનસિક હિંમત પણ તોડી પાડે છે. એવી જ રીતે, જોડિયામાં આટલી વસ્તી ઘટી તેના કારણે નગર પંચાયતમાંથી હાલ ગ્રામ પંચાયત થઈ ગઈ છે.

કચ્છમાં ભૂકંપ આવવાના કારણે રાજ્ય સરકારનું ધ્યાન ત્યાં જ રહેતા કેન્દ્રિત થયું હતું. આથી કચ્છને લગતી ઘણી બધી ઔદ્યોગિક પોલિસીઓ, સબસીડી, પ્રોત્સાહન, યોજનાઓ આપવામાં આવ્યા. એવું કોઈ જ પ્રોત્સાહન જામનગર જિલ્લાને ન હોવાથી, જોડિયા તાલુકામાં હાલ ખેતી અને માછીમારી સિવાય કોઈ જ ઉદ્યોગ નથી.

ભૂકંપ પછી લોકોની માનસિકતા પણ બદલી ગઈ છે અને જાણે એનું જ પ્રતિબિંબ હોય એમ તાલુકા મથક હોવા છતાં, કદાચ, એકમાત્ર એવું તાલુકામથક થશે કે જ્યાં ગૌરવ પથ ન હોય, એકમાત્ર એવું તાલુકામથક થશે કે જ્યાં કોઈ કોલેજની સુવિધા નથી. તેવી જ રીતે, હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પણ મળતી નથી.

એવી જ વિકટ પરિસ્થિતિ રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની છે, જ્યાં કોઈ જ સુવિધા નથી. પાણીની વિકટ સમસ્યા  હજુ પણ એવી જ છે, આશરે એક સપ્તાહે પાણી મળે છે.

ભૂકંપ સમયે જોડીયામાં આવેલી સૌરાષ્ટ્રની પ્રખ્યાત સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શાળાની આશરે ૫૫૦ વિદ્યાર્થિનીઓ અને બાલમંદિરના ૧૮૫ બાળકો ગણતંત્ર દિવસ હોય ધ્વજવંદન માટે ચોગાનમાં હતા અને આ ધરતીકંપ આવતા બચી ગયા હતા. પરંતુ, જોડિયાના આશરે ૧૫૦ વ્યક્તિઓ આ ભૂકંપમાં મૃત્યુ પામ્યા હતા.

ભૂકંપ આવ્યા પછી તે જ દિવસથી જામનગરની પ્રખ્યાત આણદાબાવા સંસ્થાએ કમર કસી હતી અને લોકોને રહેવા માટે ટેન્ટથી લઇને જમવા સુધીની સેવાઓ આશરે બે માસ સુધી આપી હતી. પૂ. મોરારિબાપુએ જોડિયાના ગીતામંદિર દ્વારા જોડિયાના લોકોને જમવા માટે રસોડું ચાલુ કર્યુ હતું. તેમણે જોડિયામાં વિધવા કવાર્ટર બનાવ્યા છે. અગણિત અન્ય સખાવતીઓએ આ કપરા સમયે જોડિયા વિસ્તારના લોકો માટે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh