Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં ચંડોળા તળાવ પાસેની વિશાળ ગેરકાયદે વસાહતો અને ઝુંપડપટ્ટીઓ પર ગઈકાલે બુલડોઝર ફર્યુ, તે પછી એવા સવાલો ઉઠ્યા હતાં કે આટલા દાયકાઓથી અહીં સરકારી જમીનો પર જંગી બાંધકામો તથા મોટી ઝુંપડપટ્ટી ઊભી થઈ ગઈ, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા તંત્ર કે ધારાસભ્યો, સ્થાનિક કોર્પોરેટરોએ કેમ આંખ આડા કાન કર્યા હતાં...? અહીં બાંગ્લાદેશી ઘૂસણખોરો મોટી સંખ્યામાં રહેતા હોવા છતાં પોલીસતંત્ર કે વહીવટી તંત્રના સ્થાનિક અમલદારોનું ધ્યાન જ નહીં ગયું હોય...?, અહીં દારૂના અડ્ડા કે ગેરકાનૂની પ્રવૃત્તિ ફાલીફૂલી હોય તો રાજ્યની રાજધાની અમદાવાદથી નજીક જ હોવા છતાં ગૃહવિભાગ કે તેના તાબાની કચેરીઓએ કોઈ નક્કર કામગીરી આ પહેલા કેમ નહીં કરી હોય...?
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો અમદાવાદના મ્યુનિ. કોર્પોરેશન તથા શહેરની રાજનીતિ સાથે પણ પહેલેથી જ સંકળાયેલા હોવા છતાં તેઓએ મુખ્યમંત્રી પદની બીજી ટર્મ સુધી ગેરકાનૂની અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે કડક કદમ લેવા માટે વાર કેમ લગાડી...? શું સ્થાનિક રાજકીય પક્ષો અને નેતાઓ આ મુદ્દે "એકમત" હતા, વોટબેંકની રાજનીતિ હતી કે પછી હપ્તાખોરી, ગેરરીતિ અને સંકલિત ભ્રષ્ટાચારનું પરિણામ હતું...?
ખેર, દેર આયે દૂરસ્ત આયે, પરંતુ ભારત-પાક. તંગદિલી વચ્ચે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ગેરકાયદે રહેતા લોકોને હાંકી કાઢવાની પ્રક્રિયાની સાથે આ મેગા ડિમોલીશન થયા પછી એ જ સ્થળે ફરીથી કોઈ બીજા લલ્લુઓ આવીને ગેરકાયદે વસાહતો ઊભી ન કરે તેનું ધ્યાન રાખવું પડશે, એટલું જ નહીં, અમદાવાદના અન્ય વિસ્તારો તથા રાજ્યના તમામ નાના-મોટા શહેરો તથા ધોરીમાર્ગોની આજુબાજુ થયેલા ગેરકાયદે બાંધકામો, વસાહતો અને વિશાળ ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ સામે પણ આ જ પ્રકારના મેગા ડિમોલિશન ઓપરેશનો કોઈપણ ભેદભાવ કે રાજકીય નફા-નુકસાનના ગણિત માંડ્યા વિના ચલાવવા જોઈએ, તેવો લોકમત ઘડાઈ રહ્યો છે, તે પણ રાજ્ય સરકારે સમજવું પડે તેમ છે.
ખાસ કરીને રાજ્યના ઘણાં એવા વિસ્તારો છે, જ્યાં રેલવેની જમીનો પર લાંબા સમયથી તદ્દન ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ અને વસાહતો સ્થાપિત થઈ ગઈ છે, પરંતુ રેલવે તંત્રને તેની પડી નથી, તેથી ચંડોળા જેવી જ ગેરકાનૂની વસાહતો તથા ઝુંપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ છે, અને ત્યાં ઘણાં સ્થળોએ દારૂના અડ્ડા, જુગારધામો, કૂટ્ટણખાના અને અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધમધમી રહી હોય તે સંભવ છે, (અને ઓપન સિક્રેટ છે), તેથી હવે રાજ્ય સરકારે કોઈપણ ભેદભાવ કે ગણિતો, સમીકરણોને બાજુ પર રાખીને તદ્દન સમાન અને તટસ્થ ધોરણે રેલવે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જમીનો પર ખડકાઈ ગયેલા ગેરકાનૂની બાંધકામો, લેન્ડગ્રેબીંગ કારસ્તાનો તથા ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ધમધમતા હોય તેવા તમામ સ્લમ વિસ્તારોમાં તમામ કાનૂની પ્રક્રિયા સંપન્ન કરીને તથા નોટીસો વગેરે આપ્યા પછી શક્ય તેટલી ઝડપે ઓપરેશન ડિમોલીશનની કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવી જોઈએ, તેમ નથી લાગતું...?
જામનગર સહિત હાલારમાં પણ ઘણાં એવા સ્લમ વિસ્તારો છે, જે કોઈપણ પ્રકારની મંજૂરીઓ વગર સરકારી કે રેલવેની જમીનો પર વસાહતો ખડકાઈ ગઈ છે, અને કેટલાક સ્થળોએ તો તેના વિકલ્પે સરકારી આવાસો બાંધી આપ્યા હોવા છતાં તે સ્લમ વિસ્તારો ખાલી થતા નથી. જો તેની સામે આંખઆડા કાન કરવાનું યથાવત રહેશે તો ચંડોળા વિસ્તારનું મેગા ડિમોલીશન પણ કોઈ ચોક્કસ રાજકીય ગણતરી હેઠળ થયું હોવાના આક્ષેપો થવા લાગશે.
રેલવેની ખાલી પડેલી જમીનો હોય, અને તેને ફ્લાયઓવર બ્રીજનો સ્લોપ બનાવવા માટે જરૂર હોય તો અત્યારે ત્રિપલ એન્જિનની સરકાર ધારે તો રાતોરાત મંજૂરી આપી શકે તેમ છે, તેથી નગરજનોનો આશાવાદ નિરર્થક તો નથી જ ને...?
જામનગરની વાત હોય કે, ખંભાળીયાની, કે રાજ્યના કોઈપણ સ્થળે, જ્યાં-જ્યાં રેલવેની જમીનો કે સરકારી જમીનો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ધમધમતી હોય, ગેરકાયદે વસાહતો હોય તો ત્યાં પણ "ચંડોળા" ફેઈમ મેગા ડિમોલીશન થવું જ જોઈએ ને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial