Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જર્મનીના તાનાશાહ હિટલરનો જમણો હાથ ગણાતા જોસેફ ગોબેલ્સ તેની અનોખી પ્રચાર પદ્ધતિ માટે જાણીતા હતાં અને પ્રોપાગન્ડાના માહિર હતા. તેથી જ આજે જ્યારે કોઈપણ પ્રકારનો પ્રચાર જોસેફ ગોબેલ્સની સ્ટાઈલથી કરવામાં આવે છે, ત્યારે તેને "ગોબેલ્સ" પ્રોપાગન્ડાથી (વ્યંગમાં) ઓળખવામાં આવે છે.
કોઈપણ સાચી-ખોટી બાબત જો વારંવાર ચર્ચામાં આવે, કહેવાતી રહે કે પ્રચારિત, પ્રસારિત કે પ્રકાશિત થતી રહે, તો તે લોકોના દિમાગમાં ઠસી જાય છે અને જો તે વાત ખોટી હોય, તો પણ તે સાચી લાગવા માંડે છે, અને આ સિદ્ધાંતનો જ ઉપયોગ પ્રવર્તમાન સમયમાં પણ વ્યાપકપણે અને આયોજનબદ્ધ રીતે થઈ રહ્યો હોય તેમ નથી લાગતું...?
દૃષ્ટાંત તરીકે શાસક પક્ષના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે નેતા કોઈ લોકલક્ષી રજૂઆત કરે, ત્યારે પ્રસિદ્ધિ થાય, તે પછી તેની મિટિંગ કે કેબિનેટમાં ચર્ચા થાય ત્યારે તેા વિવરણો પ્રેસ-મીડિયા અને હવે તો સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પણ વહેતા થાય, અને તેવી જ રીતે એ જ બાબતે મંજૂરી મળે, પછી વિકાસનું કામ હોય તો તેનું સ્થળ નિરીક્ષણ કરવા જાય, તેની પબ્લિસિટી થાય, તે પછી તેનું ખાતમુહૂર્ત કે ભૂમિપૂજન થાય, તે પછી કામ ચાલતું હોય તે દરમિયાન નેતાઓ, અધિકારીઓ તેનું નિરીક્ષણ કરવા જાય અને છેલ્લે લોકાર્પણ થાય, ત્યાં સુધીમાં આ એકના એક મુદ્દાની પબ્લિસિટી પંદર-વીસ વખત વ્યાપકપણે થઈ ગઈ હોય.... આને કહેવાય ગોબેલ્સ પ્રચાર.
વિકાસના કામો જ નહીં, વહીવટીતંત્રોની મિટિંગો, ફરિયાદ નિવારણ કાર્યક્રમો, વિવિધ પ્રકારના કેમ્પો, તંત્રોની રોજિંદી કામગીરી તથા ફરજમાં આવતી કામગીરીની પણ મોટી સિદ્ધિઓ મેળવી લીધી હોય, તેવી રીતે થતી પ્રસિદ્ધિ અને રાજ્ય, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોય, તો તેનો "આભાર" માનતા નિવેદનોની ભરમારની પબ્લિસિટી જથ્થાબંધ ધોરણે થવા લાગે અને આ માટે પ્રિન્ટ મીડિયા, ન્યુઝ ચેનલો તથા સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થાય, ત્યારે એવું લાગે કે આ તો જોસેફ ગોબેલ્સને પણ ટપી જાય, તેવી પબ્લિસિટી સ્કીલ ડેવલપ થઈ છે...!!
ગુજરાતની પારદર્શક સરકારના ગૃહવિભાગે તાજેતરમાં "તેરા તૂજ કો અર્પણ" કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં કોઈ નાની-મોટી ચીજવસ્તુ તંત્ર કે અદાલતના ચોપડે નોંધાઈ ન હોય, તેવા અપવાદો સિવાય મોટાભાગે જેમાં ચીજવસ્તુ ગૂમ થવાની કે ચોરાઈ જવાની ફરિયાદ નોંધાય, તપાસ થાય, અદાલતી આદેશ થાય, કે કાનૂની રીતે સંપૂર્ણ લાંબી પ્રક્રિયા પછી પહેલાની જેમ જ પાછી સોંપવાની થાય, ત્યારે તે મેળવવા માટે પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજાય તેની પણ રાહ જોવી પડતી હોય તો તે પણ એક પ્રકારનો સરકારી પ્રોપાગન્ડા જ કહેવાય ને...?
હા, એવો અભિપ્રાય દાખવવામાં આવે કે જેની ખોવાયેલી, ચોરાયેલી કે ગંભીર પ્રકારના ક્રાઈમના ગૂન્હા સાથે સંકળાયેલી કે મહત્ત્વની ન જણાતી હોય, તેવી ચીજવસ્તુઓ જો સક્ષમ અધિકારી કે ન્યાયતંત્રમાં પ્રારંભિક સુનાવણી દરમિયાન જ અદાલતના આદેશથી જો ટૂંક સમયમાં જ સંબંધિત વ્યક્તિને સોંપી દેવામાં આવે, અને તેના માટે આ પ્રકારના પચીસ-પચાસ કેસની સુનાવણીઓ ભેગી થવાની રાહ જોવામાં ન આવે, તો આ પ્રકારના કાર્યક્રમો સાર્થક ઠરે, પરંતુ તે માટે "રિફોર્મ્સ" ની પણ જરૂર પડે, ખેર, આ કાનૂની પ્રક્રિયાઓ છે અને તેમાં નિયમ-કાયદાઓનું પાલન તો કરવું જ પડે, પરંતુ જો તેમામં જોસેફ ગોબેલ્સ સ્ટાઈલથી નિરર્થક પ્રોપાગન્ડાની નીતિરીતિ કેન્દ્ર કે રાજ્ય સરકારો અપનાવતી હોય તો તે યોગ્ય નથી, તેવી જનમાનસમાં પડી રહેલી છાપ અંગે પણ વિચારવું પડે તેમ છે. આપણે ગરવા ગુજરાતની ગરિમા તો જાળવવી જ જોઈએ...?
કોઈપણ મોટી દૂર્ઘટના બને, તેમાં મૃત્યુ થાય અને તેમાં જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે રાજ્ય-કેન્દ્ર કક્ષાની તત્કાળ રાહત નિધિઓમાંથી રોકડ સહાય આપી શકાય તેમ હોય, તો તેની જાહેરાતો તો તરત જ થઈ જાય છે. ઘણી વખત પિડીતોને આવાસ, બાળકોના શિક્ષણ કે ગંભીર ઈજાગ્રસ્તોને જીવનભર સારવારની વ્યવસ્થા જેવા વાયદાઓ પણ કરી દેવાતા હોય છે, પરંતુ તે પછી તેનો અમલ યોગ્ય રીતે થતો હોતો નથી, જેના સંખ્યાબંધ દૃષ્ટાંતો દેશભરમાં ઠેરઠેર મળી આવે છે. આ પ્રકારની જ્યારે જાહેરાતો થાય અને વાયદાઓ થાય, ત્યારે તો તેનો "ગોબેલ્સ" પ્રચાર થતો જ હોય છે, પરંતુ તે પછી તેનો અમલ કેટલો થાય છે, તેનું સંશોધન કરવામાં કદાચ લોકતંત્રનો ચોથો સ્તંભ પણ કાચો પડી રહ્યો હોય તેમ નથી લાગતું...?
તાજેતરનું દૃષ્ટાંત જોઈએ તો વડોદરામાં મુખ્યમંત્રીના એક કાર્યક્રમ દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધન વચ્ચે જ બે મહિલાઓ ઊભી થઈને કાંઈક રજૂઆતો કરવા લાગી, તેને મુખ્યમુત્રીએ "એજન્ડા" ગણાવ્યો અને તંત્ર દ્વારા બહાર મોકલી દીધી અને પછીથી સાંભળી, તે ઘટનાક્રમ સૌ કોઈ જાણે જ છે. આ ઘટનામાં પણ હરણી બોટકાંડમાં જીવ ગુમાવનાર બાળકોના પરિવારની વ્યથા જ પડઘાઈ હતી, અને તે દુર્ઘટના વખતે "ગોબેલ્સ" પ્રચાર કરીને જ વાયદા કરાયા, તેનો અમલ થયો નહીં હોવાની ફરિયાદ પડઘાતી હોય તેમ જણાતું હતું. હવે તેઓને "સંવેદનશીલ" સરકાર શું કરે છે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial