Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાને લશ્કરે-તૈયબાના ચીફ હાફિઝ સઈદની સુરક્ષામાં કર્યો વધારોઃ કમાન્ડો તૈનાત

પહલગામના પ્રચંડ પ્રત્યઘાતથી ફફડતા

                                                                                                                                                                                                         

ઈસ્લામાબાદ તા. ૧: પહલગામ હુમલા પછી ગુપ્ત ઓપરેશનના ડરથી પાકિસ્તાને લશ્કર ચીફ-આતંકી હાફિઝ સઈદની સુરક્ષા વધારી છે. આઈએસઆઈ અને પાકિસ્તાન સરકાર દ્વારા સઈદની આસપાસ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે અને ભૂતપૂર્વ એસએસજી કમાન્ડો તૈનાત કરાયા છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતના સંભવિત ગુપ્ત ઓપરેશનના ડરથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાન સરકારે લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદની સુરક્ષામાં વધારો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સર્વિસ ગ્રુપના ભૂતપૂર્વ કમાન્ડોને તેની સુરક્ષા ટૂકડીમાં સામેલ કરવામાં આવ્યા છે અને લાહોરના મોહલ્લા જોહર સ્થિત તેના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએ પણ વધારાના સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સઈદને જાણીજોઈને ગીચ વસતિવાળા વિસ્તારમાં રાખવામાં આવ્યો છે, જ્યાં મસ્જિદ અને મદરેસાની સાથે સામાન્ય પાકિસ્તાની નાગરિકોના ઘરો પણ આવેલા છે. કાગળ પર ભલે તે હાલમાં જેલમાં હોય, પરંતુ તેના ઘરને કામચલાઉ સબ-જેલમાં ફેરવી દેવામાં આવ્યું છે. એક કિલોમીટરની ત્રિજ્યામાં હાવભાવ શોધવાની ક્ષમતાવાળા સીસી ટીવી કેમેરા દ્વારા તમામ હિલચાલ પર નજર રાખવા માટે એક કન્ટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે ૭૭ વર્ષિય લશ્કર-એ-તૈયબાનો સ્થાપક સઈદ ર૦૦૮ ના મુંબઈ હુમલાઓ અને પહલગામ હત્યાકાંડ માટે અમેરિકા અને ભારત દ્વારા વોન્ટેડ છે. આ ઉપરાંત લોરેન્સ બિશ્નોઈ સિન્ડિકેટે પણ બુધવારે પહલગામમાં નાગરિકોની હત્યાનો બદલો લેવાની ધમકી આપી છે. સઈદનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને બિશ્નોઈએ ધમકી આપી હતી કે તેમનું જુથ પાકિસ્તાન માટે અત્યંત મૂલ્યવાન વ્યક્તિને નિશાન બનાવશે.

સઈદ કથિત રીતે પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે અને સાત આતંકવાદી ધિરાણ કેસમાં દોષિત ઠર્યા પછી ૪૬ વર્ષની સજા ભોગવી રહ્યો છે. ૭ એપ્રિલ ર૦રર ના આદેશમાં સઈદને આતંકવાદના ધિરાણના બે કેસમાં ૩૧ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કાગળ પર ર૦૧૯થી ધરપકડ કરાયેલો દર્શાવાયેલો સઈદ ર૦ર૦ માં સમાન આરોપોમાં ૧પ વર્ષની સજા પહેલેથી જ ભોગવી રહ્યો હતો.

જો કે, કોર્ટે આ સજાઓ એકસાથે ચલાવવાનો આદેશ આપ્યો હતો. સઈદે છેલ્લા ત્રણ વર્ષમાં બે ડઝનથી વધુ વખત જાહેરમાં દેખાવ કર્યો છે, જેમાં છેલ્લો દેખાવ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો. ભૂતપૂર્વ એસએસજી કમાન્ડો સહિત અનેક સ્તરની સુરક્ષા વચ્ચે ઘેરાયેલો સઈદ અવારનવાર પીઓકેમાં આતંકવાદી લોન્ચ પેડ તેમજ મુરીદ કે, બહાવલપુર અને રાવલોકટમાં આવેલા કેમ્પમાં જોવા મળે છે.

ભારતે કલમ ૩૭૦ રદ કર્યા પછી સઈદે ર૦ર૦ માં લશ્કરનું નામ બદલીને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ કર્યું હતું. પાકિસ્તાન દ્વારા સઈદની સુરક્ષામાં વધારો એ ભારતના સંભવિત પગલાં અંગેની તેમની ચિંતા દર્શાવે છે, અને પડોશી દેશનો ફફડાટ જોવા મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh