Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી અને યુદ્ધના ભણકારા વચ્ચે ગઈકાલે જ્યારે મેરેથોન બેઠકોનો દોર ચાલી રહ્યો હતો અને સુપર કેબિનેટમાં મોદી સરકારે પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવાની યોજનાને આખરી મંજુરી આપી હોવાના અહેવાલો આવી જ રહ્યાં હતાં, ત્યારે જ મોદી સરકાર તરફથી એક એવો ધડાકો કરાયો કે થોડા સમય સુધી તો આ અહેવાલો પર વિશ્વાસ આવતો નહોતો, પરંતુ સાંજે થતા થતા તો આ મુદ્દો સ્થાનિક રાજનીતિનો કેન્દ્રવર્તી ચર્ચાનો વિષય બની ગયો હતો અને મોદી સરકાર અંતે રાહુલ ગાંધી સામે ઝુકી ગઈ હોવાનો દાવો કોંગ્રેસ તરફથી થવા લાગ્યો હતો.
ગઈકાલે મોદી સરકારે જ્યારે એવી જાહેરાત કરી કે દેશમાં જાતિ આધારિત જનગણના થશે ત્યારે પ્રારંભમાં તો રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ હતી, પરંતુ તે પછી કોંગ્રેસના પવન ખેડાએ મોદી સરકારની આ જાહેરાતને 'હેડલાઈન્સ મેનેજમેન્ટ' ગણાવીને આશંકાઓ વ્યક્ત કરી, તો વિપક્ષના કેટલાક નેતાઓ સહિતના તદ્વિષયક અગ્રગણ્ય નાગરિકોએ તો પહલગામમાં નિર્દોષ લોકોની કત્લેઆમ થઈ, તેમાં મોદી સરકારની ઘોર નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવાની તરકીબ ગણાવી હતી.
આ પહેલા ભાજપના નેતાઓ રાહુલ ગાંધી તથા વિપક્ષો દ્વારા થતી જાતિ જનગણનાની માંગણીને સમાજમાં ભાગલા પડાવવાનો પ્રયાસ ગણાવીને તેનો રાજકીય લાભ લેવા અને વોટબેંક ઊભી કરવાની રણનીતિ ગણાવતા હતા, તેથી એવા કટાક્ષો પણ થવા જ લાગ્યા હતાં કે, હવે શું મોદી સરકાર જાતિ જનગણના કરાવીને પોતાની વોટબેંક ઊભી કરવા માટે સમાજમાં ભાગલા પડાવવા જઈ રહી છે...?
રાહુલ ગાંધીએ એક પીઢ રાજનેતાની જેમ પ્રત્યાઘાતો આપતા કહ્યું કે, અમે જાતિ જનગણના કરાવીને પ૦ ટકા આરક્ષણની મર્યાદા હટાવીને ઝંપીશુ, તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, બિહાર અને તેલંગણામાં થયેલી જાતિ જનગણના અનુભવે એ સમજાયું છે કે, જાતિ આધારીત વસ્તી ગણતરી કરતા પહેલા કોઈ ચોક્કસ ડિઝાઈન (પદ્ધતિ) નક્કી કરવી પડશે. મોદી સરકારના આ નિર્ણયને સમર્થન આપતા તેમણે કહ્યું કે, મોદી સરકાર હવે નીતિ આધારિત વસ્તી ગણતરીની તારીખ જણાવે.
બીજી તરફ સરકારની આ જાહેરાત પછી તેને ઈન્ડિયા ગઠબંધનની જીત ગણાવીને વિપક્ષોમાં આ જાહેરાતનો જશ લેવાની હોડ લાગી ગઈ, પરંતુ ઘણાં વર્ષોથી રાહુલ ગાંધી આ માંગણી ઉઠાવી રહ્યાં હોવાથી કોંગ્રેસની વાત મોદી સરકારે માનવી પડી છે, અને આ જાહેરાત પાછળ કોંગ્રેસના હાથમાંથી આગામી ચૂંટણીઓમાં પ્રચારનો મુખ્ય મુદ્દો છીનવી લેવાનો પ્રયાસ પણ ગણાવી રહ્યો છે.
એવું પણ કહેવાય છે કે, મોદી સરકાર પર એનડીએના જ સાથીદાર પક્ષોનું પણ જાતિ આધારિત જનગણના કરાવવાનું દબાણ હતુ, અને એનડીએના સાથીદાર લગભગ તમામ પક્ષો (ભાજપ સિવાય) જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની તરફેણમાં હતાં, તેથી મોદી સરકારે આંતરિક દબાણ હેઠળ પરોઠના પગલાં ભરવા પડ્યા છે...!!
આ જાહેરાત પછી લાલુ યાદવ, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ ત્વરીત પ્રતિભાવો આપીને મોદી સરકારની આ પીછેહઠને "સમાજવાદીઓ તથા લાલુ યાદવ" ની જીત ગણાવી હતી... તો બીજી તરફ બિહારના એનડીએના જેડીયુ સહિતના સાથીદાર પક્ષો તથા ચિરાગ પાસવાન દ્વારા અપાયેલા પ્રતિભાવો એ તરફ સંકેત કરે છે કે, મોદી સરકારે આ નિર્ણય બિહારની ચૂંટણીઓમાં ઘોર પરાજય થતો અટકાવવા માટે લીધો હોવો જોઈએ.
જે હોય તે ખરૃં.... પરંતુ અત્યારે તો ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે મોદી સરકારની આ જાહેરાત પછી પહલગામમાં સુરક્ષા વ્યવસ્થાની પોલંપોલની તપાસની માંગણી, મોંઘવારી, બેરોજગારી તથા વકફ વિવાદને પાછળ ધકેલી દીધા જ છે, તે હકીકત છે.
આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિને નોબત પરિવાર અને માધવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો તથા નોબતના ઈ-પેપર, ડિજિટલ માધ્યમો, બ્રેકીંગ ન્યુઝ સર્વિસ, વીડિયો સમાચાર તથા સોશ્યલ મીડિયાના માધ્યમો સાથે સંકળાયેલા ફોલોઅર્સ, શુભેચ્છકો, વિજ્ઞાપનકારો, પત્રકારો, પ્રતિનિધિઓ, વિતરકો સહિત ગુજરાત તથા દેશ-વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવે છે... જય-જય ગરવી ગુજરાત.....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial