Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાઈ રહેલી પોલીસ ભરતીમાં એક ઉમેદવારે ચીપ પોતાના મિત્રને આપી પાસ કરી લીધી દોડની પરીક્ષા!

ચીપ રીડ ન થતાં ભોપાળુ ખૂલ્યું: બંને સામે નોંધાયો પરીક્ષામાં ગેરરીતિનો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરમાં હાલમાં યોજાઈ રહેલી રાજ્યના પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાઓમાં સેંકડો ઉમેદવારો પોલીસમાં ભરતી થવા માટે એડીચોટીનંુ જોર લગાવી રહ્યા છે ત્યારે ગયા શુક્રવારે લેવાયેલી કેટલાક ઉમેદવારોની દોડની પરીક્ષામાં એક ઉમેદવારના પગમાં લગાડવામાં આવેલી ઈલેકટ્રોનિક ચીપ કોમ્પ્યુટરમાં ડીટેક્ટ ન થતાં રીડ ન થઈ રહેલી આ ચીપ અંગે ભરતીમાં હાજર જવાબદાર અધિકારીએ તપાસ કરતા એક ઉમેદવારે પોતાની ચીપ પોતાના મિત્ર એવા બીજા ઉમેદવારને આપી દીધા પછી ચીપ મેળવનાર ઉમેદવારે દોડની પરીક્ષા પાસ કરી લીધાનું ખૂલતા ખળભળાટ મચ્યો છે. હાલમાં એસઆરપીમાં નોકરી કરતા અને પોલીસમાં ભરતી થવા માટે ઈચ્છુક ચીપનું પ્લાસ્ટિક તોડનાર ઉમેદવાર તથા તેના મિત્ર સામે પોલીસ ભરતી બોર્ડ સાથે છેતરપિંડી, પરીક્ષામાં ગેરરીતિ આચરવા અંગે ગુન્હો નોંધાયો છે.

જામનગરના સરૂ સેક્શન રોડ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં હાલમાં રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસમાં ભરતી માટેનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં રોજેરોજ ૭૦૦થી વધુ ઉમેદવારોની જુદી જુદી કસોટી લેવામાં આવી રહી છે. તે દરમિયાન ગયા શુક્રવારે યોજાયેલી કસોટીમાં પોલીસમાં ભરતી થવા નિયત સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

કાયદાકીય પ્રક્રિયા મુજબ જે તે ઉમેદવારોની સ્લીપ ચકાસી તેઓને તા.ર૩ની સવારે હેડકવાર્ટર સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દોડવાની પરીક્ષા માટે ઉપરોક્ત ઉમેદવારોને પ્રવેશ મળ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બેટાવડ ગામના વતની અને હાલમાં એસઆરપીના ગ્રુપ નં.૮-ગોંડલમાં હથિયારધારી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અર્જુનસિંહ સુખુભા જાડેજા પોતાના બેઠક ક્રમાંક ૧૦૩૭૩૪૪૩ સાથે પરીક્ષા આપવા આવ્યા હતા.

એસઆરપીના ઉપરોક્ત કર્મચારીએ અન્ય ૨૦૦ જેટલા ઉમેદવારો સાથે દોડ લગાવવાની પરીક્ષા આપ્યા પછી તેના પગમાં લગાડવામાં આવેલી બંને ચીપ કાઢીને રીડ કરવા માટે કોમ્પ્યુટર સાથે લગાડવામાં આવી હતી. જેમાં તે ચીપ રીડ ન થતી હોવાનું જણાઈ આવતા પરીક્ષા માટે હાજર એસઆરપીના સેનાપતિ કોમલબેન વ્યાસ સહિતના અધિકારીઓએ તે ચીપ અંગે તપાસ શરૂ કરાવી હતી. જેમાં કંઈક ગડબડ હોવાનું જણાઈ આવતા સઘન ચેકીંગ કરાયું હતું અને અર્જુનસિંહ સુખુભાની પૂછપરછ કરાઈ હતી. જેમાં તેઓએ પોતાનાથી દોડી શકાય તેમ ન હોવાના કારણે ગોંડલ તાલુકાના બેટાવડ ગામના જ અને પોલીસની ભરતી પરીક્ષામાં ઉમેદવારી કરનાર શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજાને પોતાની ચીપ આપી દીધી હોવાનું જણાવતા અધિકારીઓ ચોંકી ગયા હતા.

વધુમાં ખૂલ્યા મુજબ હાલમાં એસઆરપીમાં નોકરી કરતા અર્જુનસિંહે પોતાને પગમાં લગાડવા માટે આપવામાં આવેલી ચીપની ઉપરનું પ્લાસ્ટિક કોઈપણ રીતે તોડી નાખ્યા પછી ચીપ કાઢી લઈ સાથે દોડ લગાવનાર શિવભદ્રસિંહને આપી દીધી હતી અને શિવભદ્રસિંહે તે ચીપ લગાડી દોડની પરીક્ષા પૂર્ણ કરી હતી અને તે પછી મોકો મળ્યે અર્જુનસિંહને તેઓની ચીપ પરત આપી દીધી હતી. પ્લાસ્ટિક તોડી નાખવાના કારણે ઉપરોક્ત ચીપ કોમ્પ્યુટરમાં ડીટેક્ટ થઈ શકતી ન હતી અને તેના કારણે વહેમાયેલા અધિકારીઓએ કરેલી તપાસમાં ઉપરોક્ત હકીકત બહાર આવી હતી.

પોતાના જ ગામના અને હાલમાં એસઆરપી ગ્રુપ-૮માં નોકરી કરતા અર્જુનસિંહને આ રીતે દોડની પરીક્ષામાં પાસ કરાવી આપવા માટે બેઠક ક્રમાંક ૧૦૩૭૨૮૭૫ નંબર ધરાવતા શિવભદ્રસિંહની પણ સંડોવણી ખૂલતા આ બંને ઉમેદવારો સામે પોલીસ હેડકવાર્ટરમાં લિવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ જે.પી. સોઢાએ ખુદ ફરિયાદી બની બંને સામે પોલીસ ભરતી બોર્ડ સાથે છેતરપિંડી કરી પરીક્ષામાં ગેરરીતિ આચરવા અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ પી.પી. ઝાએ બીએનએસની કલમ ૩૧૮ (૪), ૬૧ (ર), ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન એક્ટની કલમ ૧૨ (૧) હેઠળ નોંધાયેલા આ ગુન્હાની તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh