Advertisement
Author: નોબત સમાચાર

પંચેશ્વર ટાવર પાસે થયેલી હત્યાના બે આરોપીને સાતુદળ પાસેથી દબોચી લેવાયાઃ રિમાન્ડની તજવીજ

એક આરોપીની બહેને કરેલા પ્રેમલગ્નના કારણે બનેવીની કરી નખાઈ હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાંચમા માળે ગઈકાલે સવારે એક વણિક યુવાનની બે શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાના બનાવમાં આરોપીઓના સગડ દબાવતી સિટી એ ડિવિઝન તથા એલસીબીની ટૂકડીએ કાલાવડથી જામકંડોરણા ગામ વચ્ચેના સાતુદળ ગામ પાસેથી બંને આરોપીને દબોચી લીધા છે. એક આરોપીની બહેન સાથે મૃતકે કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી હત્યા કરાયાનંુ બહાર આવ્યું છે. પોલીસે બંને શખ્સને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી હંસબાઈની મસ્જીદ પાસે આવેલા આદિનાથ એપાર્ટમેન્ટમાં પાંચમા માળે ૫૦૨ નંબરના ફલેટમાં રહેતા નિલય અશોકભાઈ કુંડલીયા નામના યુવાનની તેમના ફ્લેટમાં ઘૂસી ગયેલા બે શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ ગઈકાલે સવારે બન્યો હતો. જેના પગલે વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

આ યુવાનની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યા પછી સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા પોલીસ ટીમે મૃતકના માતા ઉષાબેન અશોકભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો હતો. આરોપીઓની તપાસ માટે સિટી એ ડિવિઝનની ટીમ સાથે એલસીબીનો કાફલો જોડાયો હતો. પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી એલસીબીની એક ટીમ તપાસ કરી રહી હતી. જેમાં આ એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાંથી બે શખ્સના સગડ મળ્યા હતા.

આ શખ્સો એપાર્ટમેન્ટની બહાર પડેલા એક બાઈકમાં સ્થળ પરથી પલાયન થયાનું જણાઈ આવતા પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક તપાસનીશ ટૂકડીએ કરતા આ બાઈક કાલાવડ ધોરીમાર્ગ પર ચઢ્યાનું ખૂલ્યું હતું. તેના સગડ દબાવતી પોલીસ ટીમ કાલાવડ સુધી પહોંચ્યા પછી જૂનાગઢ ધોરીમાર્ગ પર જામકંડોરણા તરફ આરોપી નાસી છૂટ્યાની વિગતો પ્રાપ્ત થતાં એલસીબી ટીમના પીએસઆઈ એન.વી. ભાટીયાએ જામકંડોરણા પોલીસનો સંપર્ક કર્યાે હતો અને તે ટીમની મદદથી કાલાવડ અને જામકંડોરણા વચ્ચેના સાતુદળ ગામ વચ્ચેથી બે શખ્સ ઝડપાઈ ગયા હતા.

આ શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરાતા જામનગરના ગોકુલનગરથી આગળ આવેલા સાંઢીયા પુલ પાસે માધવ બાગ-૧માં શેરી નં.૬માં રહેતા મનિષ જેરામભાઈ મોરી અને તેના મિત્ર જૂનાગઢના સક્કરબાગ પાસે રહેતા સોહિલ સલીમ સોઢાની કબૂલાત મળી હતી. આ શખ્સોએ ઉપરોક્ત હત્યાની કબૂલાત આપી છે. બંનેની ધરપકડ કરી સિટી એ ડિવિઝન પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ માધવ બાગ-૧માં રહેતા મનિષ જેરામભાઈ મોરીની બહેન પૂજા સાથે છએક મહિના પહેલાં નિલય કુંડલીયાએ પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારપછી નિલય તેમજ પૂજા પંચેશ્વર ટાવર નજીકના આદિનાથ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા હતા. બહેને કરેલા પ્રેમલગ્નથી મનિષ નારાજ થયો હતો. તેણે પોતાની બહેનને પરત આવી જવા માટે દબાણ કર્યું હતું પરંતુ પૂજાબેન તેમ કરતા ન હતા તેથી મનિષ ઉશ્કેરાયેલો હતો.

તે દરમિયાન ગઈકાલે સવારે મનિષ તથા તેનો મિત્ર સોહિલ સોઢા બહેનના સાસરે પહોંચ્યા હતા જ્યાં જઈને તેઓએ પૂજાને પોતાની સાથે આવવાનું કહેતા અને પૂજાબેને આવવાની ના પાડતા થયેલી બોલાચાલી પછી બંને શખ્સે પોતાની પાસે રહેલી છરીઓ બહાર કાઢી નિલય પર હુમલો કરી નવેક જેટલા ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ બની નિલયભાઈ ઢળી પડ્યા હતા. આ વેળાએ પૂજાબેને બચાવવા માટે બૂમો પાડી હતી. ઝપાઝપીમાં આ યુવતીને પણ છરી વાગી ગઈ હતી અને મનિષને પણ ડાબા હાથમાં ઈજા થઈ હતી. ઉપરોક્ત શખ્સોને રિમાન્ડ પર લેવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh