Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરકીસનભાઈ જોષીના કટાક્ષ મુજબ ભૂગર્ભમાં ખજાનાની શોધખોળ જેવા દૃશ્યો... કરોડોનો ધૂમાડો કે...બી...ડી...?
જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં અનેક માર્ગો, શેરી-ગલીઓ અને ચોકમાં બારે માસ કોઈને કોઈ 'વિકાસ કામ' માટે નાના-મોટા, ઊંડા ખાડાઓ ખોદી કાઢવામાં આવે છે, તો સમગ્ર શહેરમાં સાપોના લીસોટા જેવા જોખમી ચિરોડાઓ વણપૂરાયેલાનું સામ્રાજ્ય જોવા મળે છે.
જામનગરના એડવોકેટ અને ચિંતક, લેખક, કવિ હરકીસનભાઈ જોષીએ વ્યંગમાં કહ્યું હતું કે, આપણા આ રજવાડી નગરના પેટાળામાં મોટો ખજાનો ક્યાંક દટાયેલો હોવાની જાણ કોઈએ મનપાને કરી છે, ત્યારથી બારે માસ શહેરમાં આ 'ખજાના'ની શોધખોળ મટે ખોદકામ થઈ રહ્યું છે!
વર્ષોથી આ સ્થિતિ સાથેનો રસ્તા બનાવો, રસ્તા ખોદો અને ફરીથી નવા રસ્તા બનાવોનો સીલસીલો ચાલી રહ્યો છે. રસ્તાના કામો પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ફાળવાય છે અને ખર્ચાય છે... છતાં... સમગ્ર શહેરમાં સમખાવા પૂરતા બે-ચાર મુખ્ય માર્ગો સિવાય ક્યાંય સારા, ખાડા-ચિરોડા વગરના માર્ગ જોવા મળતા નથી તે હકીકત છે.
એક જ દૃષ્ટાંત અહીં પ્રસ્તુત છે, જામનગરના અતિ પોશ ગણાતા વિસ્તાર એવા સ્વસ્તિક સોસાયટીમાં ગુરુદત્તાત્રેય મંદિરથી સાંસદના બંગલા સુધીના માર્ગ પર થોડા સમય પહેલાજ પેચવર્ક, ખાડા પૂરવા અને ડામર કામ કરવાના કામ થયા હતાં. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકોને માંડ રાહત થઈ હતી, ત્યાં તો ફરીથી કોઈ સંસ્થા કે તંત્રને શૂરાતન ચડ્યું કે આ વિસ્તારના દત્તાત્રેય મંદિરથી સાંસદના બંગલા સુધીના માર્ગમાં વચ્ચોવચ્ચ ખાડા ખોદી દેવાયા છે. આખો માર્ગ ઉબડખાબડ થઈ ગયો છે.
આવી જ હાલત શહેરના અન્ય માર્ગો પર પણ જોવા મળેછે, અને કાયમ માટે જોવા મળતી રહે છે.
ચોમાસા પછી નગરજનોને આશા હતાી કે, મનપા તંત્ર દ્વારા કમ-સે-કમ ખાડા/ચિરોડા પૂરી પ્રજાને થોડી રાહત આપવામાં આવશે... અને તે દિશામાં થોડાક રસ્તા રીપેર પણ થયા... છતાં હજી પણ હજી અનેક મુખ્ય માર્ગો, આંતરિક માર્ગો, શેરી-ગલીઓના માર્ગોની હાલત ખરાબ છે.
બેડીગેઈટ જેવા અતિ વ્યસ્ત ટ્રાફિકવાળા ચોકમાં ખુદ સ્થાયી સમિતિના ચેરમેનના શો-રૂમની નીચે જ રસ્તા વચ્ચે મોટા ખાડાનો ચિરાડો છે, પૂરવાની કોઈ દરકાર જ કરતું નથી! એવી જ સ્થિતિ જુના રેલવે સ્ટેશન પાસે પેટ્રોલ પંપની સામેના માર્ગ ઉપર મોટો ખાડો ઘણાં દિવસથી વણપૂરાયેલો છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ખાનગી ટેલિફોન કંપની હોય કે વીજતંત્ર હોય કે ગેસ એજન્સી હોય કે અન્ય કોઈપણ તંત્રએ ખોદકામ કરવું હોય તો મનપાની મંજુરી લેવી પડે, ખોદેલા ખાડા કામ પૂરૃં થાય કે તરત જ જે તે કંપની/સંસ્થાના ખર્ચે જ પૂરવાનો નિયમ છે અને ખાડા મુજબ તેને પૂરવા-રસ્તો સમથળ-ડામર કરવાનો ખર્ચ મનપા તંત્ર જે તે કંપની/સંસ્થા પાસેથી એડવાન્સમાં જ મંજુરી સાથે વસૂલ કરે તેવી પ્રણાલી છે, અને ત્યારપછી મનપા તંત્ર ખાડા પૂરવાની કામગીરી કરે. ખુદ મનપા તંત્રના પણ પાણીની લાઈન, ભૂગર્ભ ગટર વિગેરે કામોના ખોદકામ અણઘડ રીતે ચાલુ જ હોય છે.
આ તમામ બાબતોમાં મનપા તંત્ર અને ખોદકામ કરનારાઓ સાથે સંકલનનો સંપૂર્ણ અભાવ હોવાનું ભલે સમજાય, પણ અંતે જાણી જોઈને જ આવા કામો આંખો મીચીને ચાલુ રાખવાની એક પ્રણાલી જાણે સ્થાપિત થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે. જ્યાં ખુદ મનપા તંત્રમાં જ ભૂગર્ભ ગટર વિભાગ, વોટર વર્કસ વિભાગ સાથે સંકલન ન હોય ત્યાં તંત્ર પાસેથી શું આશા રાખવી??
આ વિષચક્ર વર્ષોથી ચાલી રહ્યું છે. રસ્તાના કામ/સીસી રોડના કામ મંજુર કરો, રસ્તા રીપેર કરો, ખાડા પૂરો... બસ ત્યારપછી તરત જ ખાડા ખોદો અભિયાન શરૂ! ખાડા ખોદાય, વિલંબથી કામો થાય, દિવસો સુધી ખાડા વણપૂરાયેલા કે અણઘડ રીતે પૂરાયેલા પડ્યા રહે... (પ્રજા ભલે હેરાન થાય!!) અને ફરીથી આ જ તંત્ર દ્વારા ખાડા ખોદાયેલા માર્ગોને નવા બનાવવા, ખાડા પૂરવાના કામો કાઢે, મંજુર કરે અને રસ્તાના કામ થાય! અર્થાત્ આપણી મહાનગરપાલિકામાં છેલ્લા રપ-૩૦ વર્ષના ભાજપના શાસનમાં ખાડા પૂરો, રસ્તા બનાવો, ખાડા ખોદો અને નવેસરથી ફરીથી રસ્તા બનાવોની લાભદાયી યોજના અમલમાં છે!
પ્રજાના કરોડો રૂપિયાનો ખર્ચ રસ્તાના કામો માટે થાય ત્યારે તે રસ્તા ઉપર કમ-સે-કમ એક વર્ષ સુધી કોઈપણ પ્રકારનું નાનું કે મોટું ખોદકામ ન થાય તેવી કડક વ્યવસ્થા અને સંકલન કરવાની અને મનપાને મળેલી સત્તાનો સુચારૂરીતે નિયમોને આધિન ઉપયોગ કરવાની જરૂર છે.
બાકી આ તો પ્રજાના નાણાનો સૌથી મોટો વ્યય થઈ રહ્યો છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial