Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેકાના ભાવે મગફળી ૧રપ મણ ખરીદવાનો નિર્ણયઃ
જામનગર તા. ૬: ગુજરાત સરકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. સરકારે ખેડૂત દીઠ માત્ર ૭૦ મણ ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી, તેમ છતાં હાલારના બન્ને જિલ્લામાંથી ખેડૂતોએ ખૂબ જ મોટી સંખ્યામાં સરકારે સૂચવેલ પ્રક્રિયા પ્રમાણે રજિસ્ટ્રેશન કરાયું હતું. તેમાં માવઠાની આફત આવતા સમગ્ર રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોના પાકને થયેલ વ્યાપક નુક્સાનીના વળતર માટે રાહત પેકેજ જાહેર કરો, પાક વીમા યોજનાનો અમલ કરોની જોરદાર માગણીઓ ઊઠવા પામી, સાથે સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદીના સમય પત્રકમાં પણ ફેરફાર થયો, હવે આ ખરીદી રવિવાર, તા. ૯/૧૧ થી શરૂ થશે તેવી જાહેરાત થઈ છે.
પણ આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તેમજ બીનરાજકીય ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂતદીઠ ૭૦ મણ નહીં પણ રપ૦-૩૦૦ મણ મગફળીની ખરીદી કરવાની પ્રબળ માગણી ઊઠવા પામી હતી, પણ રાજ્ય સરકારે તે સમયે વિરોધ પક્ષોની કે ખેડૂત આગેવાનોની માગણી પ્રત્યે ધ્યાન આપવાની દરકાર સુદ્ધા કરી નહીં. હવે જ્યારે સમગ્ર રાજ્યમાં મોટાપાયે પાકોને નુક્સાન થયું અને મોટા રાહત પેકેજની જાહેરાત કરી તાકીદે સહાય કરોની માગણી વિપક્ષો જ નહીં, પણ ભાજપના નેતાઓ (પક્ષના જ આદેશ મુજબ કદાચ) દ્વારા કરવામાં આવી અને તે અંગે હજી પણ સરકાર રાહત પેકેજ જાહેર કરવામાં વિલંબ કરી રહી છે, રાજ્યમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાના દાવા કરવામાં આવે છે, તો પછી રાહત પેકેજ જાહેર કરવામાં અને તેનો અમલ કરવામાં રાજ્ય સરકાર ક્યા મુહૂર્તની રાહ જુએ છે? કે પછી સીએમના બદલે પીએમ દ્વારા જાહેરાત થાય તેવી ગોઠવણ થઈ રહી છે.
આ રાહત પેકેજની જાહેરાતમાં ખેડૂતોને કેવી અને કેટલી રાહત/સહાય મળે છે અને તે ખેડૂતને ક્યારે મળશે તે માટે હજી રાહ જોવી પડશે તેમ લાગે છે!
પણ... અત્યારે તો સરકાર રાહત પેકેજના વિલંબ અંગે રાજ્યના ખેડૂતોમાં આક્રોશ વધુ ઉગ્ર કે વ્યાપક બને નહીં તે માટે ખેડૂત દીઠ ૭૦ મણના બદલે ૧રપ મણ મગફળીની ટેકાનાભાવે ખરીદવાની જાહેરાત કરવી પડી છે. અર્થાત્ વિપક્ષોની વ્યાજબી માગણી સામે અંતે રાજ્ય સરકારને ઝૂકવું તો પડ્યું જ છે. ભલે રપ૦-૩૦૦ મણના બદલે ૧રપ મણ... પણ વધુ ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત વિપક્ષોની ઉગ્ર માગણીના કારણે જ કરવામાં આવી છે તે હકીકત છે... અને સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે માવઠા આવ્યા તે અગાઉ આ માગણીઓ હતી અને ત્યારે સત્તાધારી ભાજપના સમ ખાવા પૂરતા એકપણ નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વધુ મગફળી ખરીદવા માગણી કે રજૂઆત કરી જ ન હતી, અને નવાઈની વાત એ છે કે ભાજપની મોડેસ ઓપરેન્ડી પ્રમાણે ભાજપના નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ માટે ૭૦ મણના બદલે ૧રપ મણની ખરીદીના નિર્ણયને આવકાર આપી રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને અભિનંદન આપી રહ્યા છે.
અરે... ભાઈ... થોભો... હજી તો રાહત પેકેજ જાહેર થવા દ્યો... ભાજપના ગ્રામ પંચાયતના સભ્યથી લઈ તાલુકા/ જિલ્લા/ મહાનગરના નેતાઓ, ધારાસભ્યો/ સંસદસભ્યો સહિતના નેતાઓનો આવકાર-અભિનંદનનો ધોધ છૂટશે, અને સાથે સાથે મારી/અમારી રજૂઆતને સફળતા મળીની ડંફાશો પણ ચાલુ થશે.
વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial