Advertisement
Author: નોબત સમાચાર

ગ્રામ સુવિધાઓ અને શહેરીકરણ... સમસ્યાને અવસરમાં બદલીએ... વાસ્તવમાં

                                                                                                                                                                                                      

ગુજરાતના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા ૫૬૦૦ કરોડની જોગવાઈ કરી છે, અને ખેડૂતોને ખેતીના ઓજારો, સાધન-સામગ્રી ખરીદવા માટે સબસીડીની ફાળવણી માટે પણ રૂ।. ૧૫૫૦ કરોડથી વધુની વ્યવસ્થા પણ બજેટમાં કરી છે. તદુપરાંત મહિલાઓની સ્વરોજગારી માટે પણ ફાળવણી થઈ છે, તે જોતાં રાજ્ય સરકારનો અભિગમ ગામડાઓ તથા ગ્રામવાસીઓને સમૃદ્ધ અને સશક્ત બનાવવાનો લાગે, તો બીજી તરફ રાજ્ય સરકારે આ જ બજેટમાં રાજ્યમાં પાંચ નવા સેટેલાઈટ ટાઉનના વિકાસની જાહેરાત પણ કરી છે, તેથી સવાલ એ ઉઠે છે કે રાજ્ય સરકાર ગ્રામ વિકાસ પર વધુ ભાર મૂકી રહી છે કે પછી શહેરીકરણની તરફેણ કરી રહી છે ?

એક તરફ વિરોધપક્ષો રાજ્ય સરકાર પર ગામડાઓના ભોગે રાજ્ય સરકાર શહેરીકરણને પ્રોત્સાહિત કરવાના આક્ષેપો કરી રહ્યા છે, તો તેની સામે ભાજપ એવો સવાલ ઉઠાવી રહ્યું છે કે વિપક્ષોને શહેરીજનોની સુવિધાઓ વધે, તેમાં શું વાંધો છે ? શહેરી વિસ્તારોમાં રહેતા લોકો શું ગુજરાતના રહેવાસી અને ભારતના નાગરિક નથી ?

પક્ષ-વિપક્ષના આરોપો-પ્રત્યારોપો વચ્ચે જનતાના મિશ્ર પ્રતિભાવોનો નીચોડ એવો નીકળે છે કે શહેરનો વિકાસ થાય, તેમાં કોઈ પણ ગુજરાતી કે ગુજરાત નિવાસીને વાંધો હોઈ જ શકે નહીં, પરંતુ ગામડાઓના ભોગે કે ગ્રામ્ય વિસ્તારોની અવગણના કરીને માત્ર શહેરી વિકાસ તરફ જ વધુ ધ્યાન અપાઈ રહ્યું હોય તો તે યોગ્ય નથી.

ગુજરાતના બજેટમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે કોઈ ભેદભાવ રખાયો નથી અને સમતોલ ફાળવણી થઈ છે, તેવા દાવા સાથે કેટલાક આંકડાઓ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે, અને વીબી-જીરામ-જી યોજના માટે થયેલી રૂ।. ૧૫૦૦ કરોડની ફાળવણી પણ ગ્રામીણ વિસ્તારોને કેન્દ્રમાં રાખીને થઈ હોવાનો તર્ક અપાઈ રહ્યો છે. રાજ્ય સરકાર અઢી હજાર જેટલી નવી બસો ખરીદી રહી હોય, અને તેમાંથી ૧૦૦૦ જેટલી બસો આદિવાસી વિસ્તારો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મૂકવાની જાહેરાત પણ રાજ્ય સરકારની સમતોલ વિકાસની નીતિ દર્શાવતી હોવાની દલીલો થઈ રહી છે.

ગુજરાત સરકારે અત્યાર સુધીના સૌથી મોટા રૂ।. ૪.૦૮ લાખ કરોડથી વધુ રકમના બજેટમાં જે જોગવાઈઓ કરી છે, તે પૈકી કેટલીક જોગવાઈઓ ગ્રામલક્ષી છે, કેટલીક શહેરલક્ષી છે, તો ઘણી બધી જોગવાઈઓ ગામડાઓ, શહેરો તથા દુર્ગમ વિસ્તારો, ટાપુઓ અને પહાડી વિસ્તારો સહિતના તમામ વિસ્તારોને આવરી લીધી હોવાનું તારણ પ્રસ્તૂત થયેલા આંકડાઓ પરથી નીકળે છે, અને રાજ્ય સરકાર અને તેના તંત્રો પણ આ જ પ્રકારનો દાવો કરી રહ્યા છે, પરંતુ જેવી જાહેરાતો થઈ છે, તે જ પ્રકારની ફાળવણી, અમલીકરણ અને અનુસરણ થશે, તેવી આશા રાખીએ.

રાજ્યમાં ગામડાઓ ભાંગી રહ્યા છે, અને શહેરો પર ભારણ વધી રહ્યું છે, તેવી ચર્ચા તો વર્ષોથી થતી જ રહી છે, ગામડાઓમાંથી રોજગારી માટે એક તરફ યુવાવર્ગ શહેરોમાં આવી રહ્યો છે, તો દીકરા-દીકરીને વરાવવા-પરણાવવા કે ભણાવવા ગામડા છોડીને શહેરોમાં મકાનો બનાવીને કે ભાડાથી રહેવા જતા ગ્રામીણોની સંખ્યા પણ કૂદકે-ભૂસકે વધી રહી છે. ઉદ્યોગિકરણ પણ શહેરીકરણનું એક પ્રોત્સાહક પરિબળ છે. ઘણાં બધા સંયુક્ત પરિવારો હવે વિભક્ત પરિવારોમાં બદલાઈ રહ્યા હોવાથી પણ શહેરો તરફની દોટ વધી રહી છે. આમ, શહેરીકરણ વધી રહ્યું હોવાથી રાજ્ય સરકાર શહેરીજનો માટે વધુ જોગવાઈઓ કરે, તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ ગામડાઓને ભાંગતા અટકાવવા ગામડાઓમાં જ શહેરો જેવી સુવિધાઓ તથા રોજગારીની તકો વધારવા પર પણ એટલો જ ભાર મૂકીને વાસ્તવમાં સમતોલ વિકાસ થાય, તે ઈચ્છનિય છે.

પ્રવાસન વિકાસનો પણ શહેરીકરણ તથા ગ્રામવિકાસમાં સિંહફાળો છે, જામનગર જેવા શહેરોમાં ઔદ્યોગિકરણ ઉપરાંત પ્રવાસન વિકાસના કારણે પણ જનસંખ્યા અને વસવાટી વિસ્તારો વધ્યા છે, તો આ જ પ્રકારના કારણોસર ઓખામંડળ સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિકાસ પણ થયો છે. પ્રવાસન વિકાસને વેગ, સડકોના આધુનિકરણ અને વિસ્તૃતિકરણ, રેલવે સુવિધાઓ તથા હવાઈ યાત્રાઓની સુવિધાઓમાં વધારાની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસીઓને અનુરૂપ સુવિધાઓના વિસ્તણના કારણે મળી રહ્યો છે, તો સિક્કાની બીજી બાજુની જેમ શહેરીકરણ તથા ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ વધારવાના અભિગમની સિક્કાની બીજી બાજુ પણ છે. તેથી જ ગામડાઓના ભોગે શહેરીકરણને ઉત્તેજન મળે નહીં, તેવો આગ્રહ સેવવામાં આવતો હોય છે.

જો કે, ઔદ્યોગિકરણ તથા શહેરની વિકાસ તથા ગામડાાઓને શહેરો જેવા બનાવવાની દોટમાં જલ-વાયુ અને ભૂમિ પ્રદુષણ અને ક્ષારયુક્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેતી લાયક જમીનની ફળદ્રુપતા ઘટી રહી હોવાની સમસ્યાઓ પણ વધી રહી છે. આ સમસ્યાઓના ઉકેલ માટે સરકારી યોજનાઓ તથા તંત્રોના પ્રયાસોને વ્યાપક જનસહયોગની જરૂર રહે છે, તેવી જ રીતે ભ્રષ્ટાચારીઓ અને સ્થાપિત હિતો સામે સચેત રહેવાની  પણ જરૂર રહે છે. ઘણાં લોકો શહેરો જેવી સગવડોની લ્હાયમાં ગામડાઓ તેની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ઓળખ, સૌજન્યતા, સુંદરતા તથા શુદ્ધ હવા-પાણી પણ ગુમાવી રહ્યા હોવાનો વસવસો પણ વ્યક્ત કરતા હોય છે, અને તેમાં તથ્ય પણ છે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગરની કચેરીને બોર્ડ દ્વારા રૂ।. બે કરોડનું એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઈલ વાહન ફાળવાયુ છે અને આ વાહન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરતુ રહેશે અને પ્રદુષણ માપતુ રહેશે. રાજ્યના બજેટમાં કરાયેલી પ્રદુષણ નિવારણની જોગવાઈ વિશે ભલે બહુ ચર્ચા થતી નહીં હોય, પરંતુ અમદાવાદ સહિત રાજ્યના શહેરો તથા ઈન્ડસ્ટ્રીયલ ઝોન્સમાં વધી રહેલુ હવાઈ પ્રદુષણ, નદી-તળાવો, દરિયામાં જળ પ્રદુષણ અને ભૂમિ સંરક્ષણના બદલે જમીનના ક્ષારોની વૃદ્ધિની સમસ્યાઓનો ઉકેલ તો લાવવો જ પડે તેમ છે, અને તેના માટે માત્ર મોબાઈલ વાનથી નહીં ચાલે, પ્રબળ અને જનલક્ષી રાજકીય ઈચ્છાશક્તિ (પોલિટિકલ વીલપાવર)ની પણ જરૂર પડવાની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh