Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની મહત્ત્વપૂર્ણ જાહેરાતઃ ગૃહમાં સર્વ સંમતિ સંભવ
ગાંધીનગર તા. ર૦: આજે ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે, અને સૂચિત નવા લગ્ન રજીસ્ટ્રેશન નિયમો માટે વાંધા-સૂચનો મંગાવીને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-ર૦૦૬ માં ધરખમ સુધારા કરવાની સરકારે તૈયારી બતાવી છે, તેથી ભાગીને પ્રેમલગ્ન કરનારાઓ માટે લગ્નની નોંધણી કરાવવી હવે સરળ નહીં હોય, આ પ્રસ્તાવને સર્વ સંમતિ મળી શકે છે.
ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા પાછળનો મુખ્ય ઉદેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે. સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે. આગામી ૩૦ દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે. આ પહેલને વિધાનસભામાં સર્વસંમતીથી સ્વીકૃતિ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભાગેડું લગ્ન અટકાવવા માટે ૨૦૧૯માં કડીમાં ૫૦૦૦ મહિલાઓએ રેલી કાઢી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતંુ. મહેસાણામાં ચોર્યાસી સમાજના સંકુલમાં ૪૦૦થી વધુ સમાજના લેટરપેડ પર મુખ્યમંત્રીને સુધારા માટે આવેદન અપાયું હતું. તે પછી મહેસાણા, દિયોદર, જસદણ, હિંમતનગર, સિહોરી, વિજાપુર, માણસા અને સુરેન્દ્રનગરમાં પણ રેલીઓ યોજીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
રેલીઓ પછી પાસની ટીમ અને સર્વ સમાજના આગેવાનોએ ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ કરીને જનસમર્થન મેળવવાની શરૂઆત કરી હતી. આ ઝુંબેશના એક ભાગરૂપે દીકરીઓને સમજાવીને માતા-પિતા કહે ત્યાં જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા (શપથ) લેવડાવવામાં આવતી હતી. ત્યારે હવે સામાજિક પ્રેશર વધતા લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા વિધાનસભામાં રજૂ કરી દેવાયા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અમને પ્રેમથી કોઈ વાંધો નથી પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહી છોડીએ.
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી દીકરીઓના પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય-ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તાર (ગામ કે તાલુકા)માં જ નોંધવા જોઈએ.
અગાઉ અનેક સામાજિક સંગઠનોએ સચિવાલયમાં રજૂઆતો કરી હતી. આ મુદ્દે માત્ર સત્તાધારી પક્ષ જ નહી પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સરકારના આ નિર્ણયને આવકારતા ભાવુક થઈને જણાવ્યું હતું કે, આ ગુજરાતની વર્ષાે જૂની પીડા છે. આ બિલ માટે હું બે વર્ષથી કામ કરતો હતો, આજે સરકારને અભિનંદન આપવા હું ઘરેથી ચાલીને આવીશ અને પાઘડી પહેરાવીશ.
હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છેે. ઘણી બધી સામાજિક સંસ્થાઓની રજૂઆતો ધ્યાને રાખીને સરકાર સએવા નિયમો બનાવવા માંગે છે કે જેથી કરીને સામાજિક માળખું જળવાઈ રહે અને કોઈપણ પક્ષે અન્યાય ન થાય. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ડિજીટાઈઝેશન અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ સુધારો માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી પરંતુ ગુજરાતના સામાજિક તાણાવાણાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે ૩૦ દિવસમાંઆવનારા સૂચનો બાદ સરકારે માતા-પિતાની સંમતિના કયા સ્તરે કાયદાકીય સ્વરૂપ આપે છે.
સૂચિત સુધારા મુજબ હવે લગ્ન નોંધણીની અરજી કરશો તો માતા-પિતાને જાણ કરાશે. અરજી કર્યાના ૪૦માં દિવસે મેરેજ સર્ટિફીકેટ મળશે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬ મુજબ અરજી વખતે વરવધૂના દસ્તાવેજો લેવામાં આવતા હતાં. દસ્તાવેજો અપૂરતા હતાં. વરવધૂની હાજરી વિના લગ્ન નોંધાઈ જતા હતાં. ચકાસણી મર્યાદિત હતી અને તલાટી પાસે સત્તા હતી. હવે નવી પદ્ધતિમાં દસ્તાવેજોની ચકાસણી વધારી છે. વરવધૂની હાજરી અનિવાર્ય બનાવી છે, જેથી બોગસ લગ્ન નોંધણી અટકાવી શકાય. રજીસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટીના ઉપરી અધિકારીને તાલુકા કક્ષાએ આપ્યા છે. ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારે તાલુકા કક્ષાએ જવાની જરૂર નહીં પડે. નિયમો કડક કર્યા પણ લોકો હેરાન ન થવા જોઈએ.
જે લોકો માતા-પિતાની મંજૂરીથી લગ્ન કરતા હોય એવા લોકોને ધક્કા ખાવા ન પડે અને પ્રેમ લગ્નમાં પણ જે પોતાની ખોટી ઓળખ બતાવતા નથી એવા લોકોને પણ ધક્કા ખાવા ન પડે એવી સિસ્ટમ બનાવી છે. નવી પદ્ધતિમાં નોટરી કરનારે તમામ લોકોની હાજરીમાં નોટરી કરવી પડશે. જો હાજરી વિના સિક્કો મારશે તો કડક પગલાં લેવાશે. તલાટી પરમિશન આપતા હતાં તેના બદલે તલાટી અરજી સ્વીકારશે અને તમામ બાબતો ચેક કરશે. ત્યારબાદ તમામ ફાઈલ ઉપરી અધિકારીને મોકલશે. આ ઉપરી અધિકારી દ્વારા લગ્ન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. માતા-પિતાના આધારકાર્ડ અને ફોન નંબર પણ લેવામાં આવે છે. લગ્ન નોંધણીની અરજી આપશે એ જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા-પિતાને સંપૂર્ણ ડિટેઈલ મોકલી દેવાશે.
રાજ્ય સરકાર આગામી દિવસોમાં પ્રેમ લગ્નોની નોંધણી માટે અલગ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવાની પણ તૈયારમાં છે. જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ટ્રેક કરી શકાય તેવી બને. જેમાં જેવી રજિસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એ જ મિનિટે વોટ્સએપ દ્વારા માતા-પિતાને તેમની દીકરીએ લગ્ન નોંધણી માટે જે વિગત આપી છે તે ડિટેઈલ અપાશે.
આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમ લગ્નોની વિરોધી નથી, પરંતુ યુવતીઓની સુરક્ષા, પારદર્શિતા અને કાનૂની પ્રક્રિયા મજબૂત બનાવવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા જરૂરી બન્યા છે. સુધારાના પ્રસ્તાવ મુજબ હવે પ્રેમલગ્નની નોંધણી વખતે જરૂરી દસ્તાવેજોની કડક ચકાસણી કરવચામાં આવશે. છોકરીના માતા-પિતાને લગ્ન અંગે ૧૦ દિવસની અંદર સત્તાવાર માહિતી આપવી ફરજિયાત રહેશે. સાથે જ માતા-પિતાના આધારકાર્ડ અને સાચા સરનામાની વિગતો પણ નોંધણી પ્રક્રિયામાં સામેલ કરાશે.
નવા નિયમો હેઠળ કન્યા અને વરરાજા સાથે રહેલા સાક્ષીઓની સંપૂર્ણ માહિતી, તેમના ફોટોગ્રાફ અને આધારકાર્ડની નકલ આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. કોર્ટમાં સરકાર આધારિત નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે.
હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે લગ્ન પછી દહેજ અથવા મિલકતના મુદ્દે યુવતીને હેરાન કરવામાં આવશે તો તેવા કેસોમાં ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે. સરકારનો હેતુ યુવતીઓની સુરક્ષા અને કાયદાકીય રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. આ સુધારા રજૂ થતા ગૃહમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની સંભાવનાઓ છે.
ગુજરાત વિધાનસભામાં નિયમ ૪૪ હેઠળ નાયબ મુખ્યમંત્રીએ જાહેર અગત્યની બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલ વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજસ રૂલ્સ હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયામા સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા-સૂચનો માંગવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા પછી અંતિમ સ્વરૂપના નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે, જેથી લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ પારદર્શક અને સુગમ બને.
ચાર સ્ટેપમાં જાણો...
સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ
સ્ટેપ-૧: લગ્ન નોંધણીની અરજી બન્ને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બન્ને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવીંગ લાયસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે.
સ્ટેપ-ર (એ): સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હેકુમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-આઈ (આઈ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.
(૧) વર-વધૂ અને સાક્ષીઓના આધાર કાર્ડ (ર) વર-વધૂએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (૩) લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા (૪) વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઈઝના ફોટા (પ) વર-વધૂનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ (૬) સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઈઝના ફોટા (૭) અરજી સાથે વર-વધૂએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.
સ્ટેપઃર (બી): વર-વધૂએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
(૧) માતા-પિતાનું આધાર કાર્ડ (ર) પિતાનું પૂરૃં નામ (૩) પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે. (૪) પિતાનો મોબાઈલ નંબર (પ) માતાનું પૂરૃં નામ (૬) માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે (૭) માતાના મોબાઈલ નંબર.
સ્ટેપ-૩ (એ): આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમાં વ્યહવારૂ શક્ય બને તે રીતે વર-વધૂના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઈલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારૂ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)
સ્ટેપ-૩(બી): આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજિસ્ટ્રારશ્રીને ખાતરી થયેથી પેટા નિયમો (૧ થી ૭) માં દર્શાવ્યા મુજબની પૂર્તતા થયા પછી ૩૦ દિવસ પૂર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે.
સ્ટેપ-૪: રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઈન પોર્ટલ ઉપર મૂકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-ર મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial