Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસનો તફાવત ઘણાંને હજુ નહીં સમજાતો હોય?
ઘણાં લોકો સ્વાતંત્ર્ય દિવસ, આઝાદ દિન અથવા ઈન્ડિપેન્ડેન્સ ડે અને ગણતંત્ર દિન, પ્રજાસત્તાક દિવસ (દિન) અને રિપબ્લિક ડે નો ઉલ્લેખ કરવામાં ગરબડ કરી દેતા હોય છે, અને સ્વાતંત્ર્ય દિવસ અને ૧પ ઓગસ્ટને પ્રજાસત્તાક દિન અને પ્રજાસત્તાક દિવસ અને ર૬ જાન્યુઆરીને સ્વાતંત્ર્ય દિન તરીકે વર્ણવી દેતા હોય છે. આ પ્રકારની ચૂક અજાણ કે અલ્પશિક્ષિત જ નહીં, પરંતુ ઘણાં ભરેલાગણેલા લોકો પણ કરી દેતા હોય છે. આ બન્ને પર્વનું આપણા દેશ માટે રાષ્ટ્રીય મહત્ત્વ તો છે જ, પરંતુ આ બન્ને રાષ્ટ્રીય પર્વો આપણાં સૌના આત્મગૌરવ અને સાર્વભોમત્વ માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
હકીકતે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી ૧પ મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે આઝાદ થઈ ગયો હતો, પરંતુ લોકોના હાથમાં હજુ સત્તા આવી નહોતી. અંગ્રેજો અને સ્વતંત્ર ભારતના તે સમયના રાષ્ટ્રીય નેતાઓએ તે સમયે જે વચગાળાની સરકાર રચી હતી, તે દેશની જનતાએ ચૂંટેલી નહીં, પરંતુ નિમેલી હતી. દેશની જનતાએ તે સમયના રાષ્ટ્રીય નેતાઓને આઝાદ ભારત માટે બંધારણ ઘડવા અને સંસદની ચૂંટણીની તૈયારી કરવા માટે જે સમય આપ્યો હતો, તે દરમિયાન બ્રિટિશ શાસનના જ નિયમો-કાયદાઓ હેઠળનું પ્રશાસન તથા આઝાદ ભારતની નેતાગીરીનું મિશ્રણ હતું, જે ભારતની જનતા વતી વચગાળાનું શાસન સંભાળી રહ્યું હતું.
પ્રજાને સત્તા મળી તે પ્રજાસત્તાક દિવસ
૧પ મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે દેશ આઝાદ થયો, અને લોકતાંત્રિક શાસન વ્યવસ્થા ઊભી કરવાનો સમય આવ્યો. તે પછી બંધારણ ઘડાયું અને ર૬ મી નવેમ્બર ૧૯૪૯ ના દિવસે બંધારણ સભા દ્વારા લિખિત બંધારણની વિધિવત સ્વીકૃતિ થઈ. બંધારણસભાના ર૮૪ સભ્યોએ બંધારણ ઘડ્યું અને અંતિમ ઓપ ડ્રાફ્ટ કમિટીએ આપ્યો. ડો. બાબાસાહેબ આંબેડકર બંધારણસભાની ડ્રાફ્ટ કમિટીના વડા હતાં. આ બંધારણ ઘડવામાં બે વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. બંધારણસભાની પ્રથમ બેઠક ૯ મી ડિસેમ્બર ૧૯૪૬ ના યોજાઈ હતી. બંધારણની સ્વીકૃતિ પછી તેને દેશમાં લાગુ કરાયું, તે દિવસ એટલે ર૬ મી જાન્યુઆરી ૧૯પ૦... આ દિવસે દેશની પ્રજાને સાચા અર્થમાં સત્તા આપવાની પ્રક્રિયા શરૂ થઈ.
આઝાદ ભારતની પહેલી સંસદીય ચૂંટણી
આઝાદ ભારતની લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ રપ ઓક્ટોબર ૧૯પ૧ થી ર૧ ફેબ્રુઆરી ૧૯પર દરમિયાન સંપન્ન થઈ હતી. એ ચૂંટણીમાં પ૩૩ અપક્ષ ઉમેદવારો સહિત લગભગ ૧૮૭૪ જેટલા ઉમેદવારો મેદાનમાં હતાં અને ૧૪ રાષ્ટ્રીય પક્ષો સહિત પ૩ રાજકીય પક્ષો હતાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સામ્યવાદી પક્ષ, સમાજવાદી પક્ષ, કિસાન મજદુર પ્રજા પાર્ટી, અખિલ ભારતીય હિન્દુ મહાસભા સહિતના પોતાના ઘણાં પક્ષોએ દેશના જુદા જુદા રાજ્યોમાં પોતાના ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા હતાં. તે સમયે ૪૮૯ બેઠકો પર ચૂંટણી થઈ હતી, જેમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૩૬૪ બેઠકો પર વિજય થયો હતો અને કુલ મતદાનના ૪પ ટકા મતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળ્યા હતાં. તે સમયે વિપક્ષોને બહુ બેઠકો મળી નહોતી અને માત્ર ૧૬ બેઠકોવાળી ભારતીય સામ્યવાદી પાર્ટી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી હતી. વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહેલા જવાહરલાલ નહેરૂને જ આઝાદ ભારતના પ્રથમ લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન બનાવાયા હતાં, જેમાં મુખ્ય ભૂમિકા ગાંધીજીની હતી, વગેરે હકીકતો ઘણી જ પ્રચલિત છે. દેશ આઝાદ થયો, તે પછી દેશ પ્રજાસત્તાક થયો, અને પહેલી લોકતાંત્રિક સરકાર બની. ત્યાં સુધી આપણા દેશના પ્રથમ ગવર્નર જનરલ તરીકે લોર્ડ માઉન્ટબેટન અને તે પછી રાજગોપાલાચારી રહ્યા હતાં. પ્રજાસત્તાક દિન ર૬ મી જાન્યુઆરી ૧૯પ૦ માં બંધારણ લાગુ થયા પછી ચૂંટણીપંચની રચના થઈ હતી અને પહેલા ચૂંટણી કમિશનર સુકુમાર સેન બન્યા હતાં.
પડકારરૂપ હતી પહેલી સામાન્ય ચૂંટણી
આઝાદ ભારતમાં પહેલી સામાન્ય ચૂંટણીઓ સરળ નહોતી. તદ્ન નવી પ્રક્રિયા, અનેક જ્ઞાતિ-જાતિ, ભાષા-પ્રદેશ અને સંસ્કૃતિઓ ધરાવતો વિશાળ દેશ, કેટલાક દુર્ગમ વિસ્તારો, ટાંચા સાધનો, સુરક્ષા-સલામતિની વ્યવસ્થાઓ અને તે સમયે ૩૬ કરોડની વસ્તી હતી. તે સમયે નોંધાયેલી કુલ ૩૬,૧૦,૮૮,૦૯૦ ની વર્ષ ૧૯પ૧ ની વસ્તી ગણતરી મુજબની જનસંખ્યામાંથી કુલ ૧૭,૩ર,૧ર,૩૪૩ મતદાતાઓ (જમ્મુ-કાશ્મીર સિવાય) નોંધાયા હતાં, જેમાં ર૧ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને મતાધિકાર પ્રાપ્ત થયો હતો. તે સમયે ૬૮ તબક્કા (ચરણો) માં ચૂંટણી યોજાઈ હતી અને બેલેટ પેપર (મતપત્રકો) દ્વારા ગુપ્ત મતદાન થયું હતું. આ માટે ૧.૯૬ લાખથી વધુ બુથ ઊભા કરાયા હતાં.
આ ચૂંટણીઓ બંધારણની જોગવાઈઓ મુજબની આઝાદ ભારતની સૌ પ્રથમ સામાન્ય ચૂંટણીઓ હતી, અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત તમામ પ્રક્રિયા સંપન્ન થઈ હતી.
લોકસભાની ૪૮૯ બેઠકો રપ રાજ્યોના ૪૦૧ મતક્ષેત્રોમાં હતી. આ ૪૮૯ બેઠકોમાંથી ૮૬ મતક્ષેત્રોમાં બબ્બે સાંસદો ચૂંટાયા હતાં, જો કે એ વ્યવસ્થાઓ ૧૯૬૦ સુધી જ રહી હતી. ૪૮૯ માંથી કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી, જે પૈકી કેટલીક બેઠકો પર બબ્બે ઉમેદવારો ચૂંટાયા હતાં.
રાષ્ટ્રપતિની ચૂંટણી
આપણાં દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ લોકતાંત્રિક મતદાન પદ્ધતિથી ભારતની જનતા દ્વારા થાય છે અને દેશની જનતાએ લોકસભા માટે ચૂંટેલા અને વિધાનસભાઓ-પરિષદોના સભ્યોએ ચૂંટેલા રાજ્યસભાના સભ્યો તથા દેશના તમામ રાજ્યોના ધારાસભ્યો રાષ્ટ્રપતિપદના ઉમેદવારો પૈકી એકની પસંદગી ગુપ્ત મતદાન પદ્ધતિથી કરે છે અને જો એકથી વધુ માન્ય ઉમેદવારો મેદાનમાં હોય તો મતગણતરી પછી જેને વધુ મતો મળ્યા હોય, તે રાષ્ટ્રપતિ બને છે, અન્યથા એક જ ઉમેદવાર પર જો સર્વસંમતિ સધાઈ હોય કે પ્રતિસ્પર્ધીનું ઉમેદવારીપત્ર નિયમાનુસાર રદ્ થાય તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિ બિનહરિફ જાહેર થાય છે. આ તમામ પ્રક્રિયા જનપ્રતિનિધિત્વ ધારો તથા બંધારણે સૂચવેલા તથા સંસદે ઘડેલા કાયદાઓ હેઠળ થાય છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીની મતગણતરી નિયત કરેલા મતોની સંખ્યા નહીં, પણ મતોના મૂલ્ય મુજબ થાય છે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ પરોક્ષ રીતે દેશની જનતા કરે છે, અને રાજ્યસભા તથા લોકસભામાં ચૂંટાયેલા સભ્યો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ફોર્મ ભરનાર ઉમેદવારો પૈકી એક માટે ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન કરે છે. રાજ્યસભા માટે ૧ર સભ્યો મનોનિત હોય છે તેઓને મતદારનો અધિકાર હોતો નથી. ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતગણતરી નિર્ધારિત કરેલી મૂલ્ય આધારિત ચોક્કસ પદ્ધતિથી થાય છે. ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીની મતગણતરીની પદ્ધતિ રાષ્ટ્રપતિપદની ચૂંટણી કરતા થોડીક અલગ હોય છે, કારણ કે તેમાં રાજ્યોના ધારાસભ્યો મતદાર હોતા નથી.
આઝાદ ભારત ભારતનું
પહેલુ મંત્રી મંડળ
આઝાદ ભારતના પહેલા મંત્રીમંડળની રચના ૩૧ મી જાન્યુઆરી-૧૯પ૦ ના દિવસે એટલે કે ર૬ મી જાન્યુઆરીના દિવસે ભારત પ્રજાસત્તાક જાહેર થયું, તે પછીના અઠવાડિયામાં જ થઈ ગઈ હતી. આ વચગાળાની વ્યવસ્થા હતી,અને દેશની જનતાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓના હાથમાં વાસ્તવિક સત્તા સોંપ્યા પહેલા બંધારણ ઘડવા તથા દેશની સંચાલન, સુરક્ષા અને ચૂંટણીઓની વ્યવસ્થા ગોઠવવાની હતી. વર્ષ ૧૯પ૧-પર ની સામાન્ય ચૂંટણીઓ (જનરલ ઈલેક્શન) માં લોકસભામાં પ્રચંડ બહુમતી મળ્યા પછી ભારતનું જે પ્રધાનમંડળ રચાયું, તે જનતાએ ચૂંટેલા સભ્યોએ નિમ્યું હતું. આમ વર્ષ ૧૯૪૭ માં ભારત આઝાદ થયું, પરંતુ લગભગ ચાર-પાંચ વર્ષ પછી દેશની જનતાને વાસ્તવમાં પોતાની ચૂંટેલી રાષ્ટ્રીય સરકાર મળી હતી, તેમ કહી શકાય.
આઝાદીકાળના મહારથીઓ
ગાંધીજી અને સરદાર પટેલ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ જોઈ શક્યા નહીં...
ભારતને આઝાદી મળી અને ભારત પ્રજાસત્તાક જાહેર થયું તેની વચ્ચે વર્ષ ૧૯૪૭ની ૩૦ જાન્યુઆરીના દિવસે મહાત્મા ગાંધીજીની હત્યા થઈ ગઈ હતી. તે પછી વર્ષ ૧૯પ૦ ની ૧પ ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયરોગનો હુમલો થતા તેઓનું નિધન થયું હતું. આમ આઝાદીકાળના મહારથીઓ પૈકી આ બે પ્રચલીત મહાપુરુષો આઝાદ ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પણ જોઈ શક્યા નહીં. તેઓ તથા અન્ય કેટલાક રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ સામાન્ય ચૂંટણીઓ પહેલા જ અનંત વિદાય લઈ લીધી હતી, તે સૌ કોઈને કોટિ કોટિ વંદન સાથે શ્રદ્ધાંજલિ.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial