Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીફકટર કીડીઓની ર૪૦ જેટલી જાત છેઃ ઊંચાઈ અને ઊંડાઈને આંબનારો જીવ
કીડી કુગની ખેતી કરે છે. કુગ ઉત્પન્ન કરવા માટે લીલા પાંદડાની જરૂર છે. 'લીફ કટર' કીડીઓમાં ર૪૦ જેટલી જાત છે. બધી કીડી વૃક્ષોના લીલા પાંદડા તોડીને દરમાં લાવે છે. દરમાં મોટા મોટા મેદાનો બનાવ્યા હોય છે. ત્યાં પાંદડાનો થર કરે છે. મેદાનો ગરમ હોય છે. લીલા પાંદડાના ટૂકડાનો થર કરવાથી પાંદડાની ભીનાશની વરાળ નીકળતી રહે છે. કીડીઓ તેમાં ફૂગના બીજ નાખે છે. ભીનાશ અને ગરમીથી ફૂગના બીજ અંકુરીત થઈને ઉગવા લાગે છે. આ ફૂગ કીડીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે.
ફૂગ અનેક જાતની હોય છે. મોટા ભાગની ઝેરી હોય છે, પણ વર્ષો પહેલા કીડીએ ફૂગ પસંદ કરી હતી તે ઝેરી ન હતી. તેમાં ભરપૂર પોટીન મળતું હતું. ફૂગમાં રોગ ન આવે તે માટે કીડીઓ પોતે જંતુનાશક હોર્મોન્સ છાંટતી રહે છે. કીડીઓ દ્વારા જ ફૂગ ઉગે છે.
કેટલીક કીડીઓ દરની આસપાસ એફિડ નામના જંતુ પાળે છે. આપણે જેમ ગાય, ભેંસ, બકરી વિગેરે પાળીએ છીએ તેમ કીડીઓ એફિડનું પશુપાલન કરે છે. કીડીઓ એફિડનું રક્ષણ કરે છે. બદલામાં એફિડ જંતુઓના શરીરમાં બનીને પૂંછના ભાગે ઝરતું ખાંડના રસ જેવું મીઠું ચીકણું પ્રવાહી કીડી પીવે છે. તે કીડીનો પોષક ખોરાક છે. કીડી એફિડને રક્ષણ આપી ઉછેરી વલ્લામાં મધ જેવું મીઠું પ્રવાહી મેળવે છે. જેમ આપણે ગાય-ભેંસમાંથી દૂધ મેળવીએ છીએ. આમ જુદા જુદા સંદેશા કીડી ફેરોમોન હોર્મોન રસાયણ વડે બીજી કીડીઓને આપતી રહે છે. અહીં તમને મનમાં સવાલ થતો હશે કે એક જ જાતના ફેરોમોન રસાયણ વડે અલગ અલગ સંદેશા શી રીતે સમજી શકાય, ખરેખર કીડીઓ અનેક જાતના ફેરોમોન હોર્મોન રસાયણ છોડી શકે છે. દરેક ફેરોમોનનો જુદો અર્થ થાય છે અને તે કીડી સમજી જાય છે. કીડીઓને પોતાની સ્વતંત્ર બુદ્ધિ હોતી નથી. રાણીએ જે પ્રકારના કામમાટે જન્મ આપ્યો છે તે કામ કરવાની બુદ્ધિ તેનામાં છે. તે મુજબ આખું ટોળું કામ કરે છે. એ કીડીને કોઈ જંતુનું શબ મળી જાય તો દરેક દર તરફ ખેંચવા લાગે છે. તો બીજી કીડીઓ આપોઆપ તે જંતુના શબને પોતાના દર તરફ ખેંચવામાં જોડાઈ જાય છે.
કીડી એટલે ટોળાબુદ્ધિ...
સામસામે બે કીડીઓ મળે તો એકબીજાના મોં સુંઘતી દેખાય છે. ખરેખર એ એકબીજાના મોંમાં ફેરોમોન સુંઘે છે. દરેક કીડી પોતે ક્યા દરની છે એ ઓળખી શકાય એવું ખાસ ફેરોમોન ધરાવે છે. તે સુંઘતા જ કીડીઓને ખબર પડી જાય છે કે સામેની પોતાના દરની છે કે બીજા દરની. કોઈ જગ્યાએ કીડીને જોખમ ખબર પડે તો પણ રસ્તા પર ફેરોમોન ચીટકાવતી જાય છે. સુંઘતા જ બીજી કીડીને ખબર પડી જાય છે કે આગળ જોખમ છે એટલે એ આગળ ન વધતા રસ્તો બદલી નાખે છે.
કીડીઃ ઊંચાઈ અને
ઊંડાઈને આંબનારો જીવ
કીડી એ હળવી ગતિનું પ્રતીક છે. કીડી એ પોતાની ગતિમાં જ રત હોય છે. કીડી હંમેશાં ઉતાવળે જતી જોવામાં આવે છે. કીડી પોતાના કાર્યમાં મસ્ત હોય છે. એના કામમાં ડખલ થાય તો જ તે અસ્વસ્થ થાય છે. છેડાઈ ત્યારે તે ચટકે છે. કીડી કોઈપણ જાતનો કોલાહલ કર્યા વગર તેની પ્રવૃત્તિ કરે જાય છે. તે હળવાશથી હલન-ચલન કરે છે કે તેની પ્રવૃત્તિની કોઈને ખબર પડતી નથી. અવાજ ન કરવાનું કીડીઓ પાસેથી શીખવા જેવું છે.
કીડીની ચાલ તાલીમ પામેલા સૈનિક જેવી છે. તે એક સીધી લાઈનમાં હરોળબદ્ધ ચાલે છે. એના માર્ગમાં સ્પીડ બ્રેકર હોય કે પછી ખીલો એ બધું ય હળવી ગતિએ ઓળંગી જાય છે. પર્વતની ઊંચાઈ કે કૂવાની ઊંડાઈ જોઈને કીડી ક્યારેય હબકી જતી નથી, ગભરાઈ જતી નથી. કીડીનો માર્ગ સ્વયંશિસ્તનો માર્ગ છે. એને કોઈ પરાક્રમો કરવા નથી કે નથી કોઈ તોપખાનામાં નામો નોંધાવવા. કીડી તો નિત્ય નક્કર પ્રવૃત્તિમય રહેતી હોય છે. કીડી એટલી બધી હળવી છે કે એનો પોતાનો ય ભાર નહિં પૃથ્વી પર કેવળ ધૂળમાં વસવું. કીડીમાં એટલા બધા સદ્ગુણો છે એ કોઈનો દ્વેષ કરતી નથી, મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી જાય છે, છતાં અભિમાન કરતી નથી. તે નિષ્ઠાપૂર્વક બધે જ ફરે છે. તેને ટાઢ-તડકાનો પણ ડર નથી. પ્રસન્નતા સિવાય બીજો કોઈ ભાવ તેનામાં નથી. કોઈના પગતળે કચડાઈ જાય તો તેનું દુઃખ નથી અને ડરની બાબતથી ઘરમાં બેસી રહેતી નથી. તે ગમે તે વસ્તુનો આધાર સમજીને ભાર વગર ફરે છે.
સંત કબીરને કીડીના પગમાં ઝાંઝર સંભળાય છે. તેનો રણકાર જે સમજી શકે તેને જ ખબર પડે છે. કીડી કોઈને પણ બોઝારૂપ બનવા માંગતી નથી.
કર્મના સિદ્ધાંતને વરેલી કીડીને ગમે ત્યાંથી કણ (ખોરાક) મળી રહે છે જ. શ્રી રામકૃષ્ણ પરમહંસે તેના શિષ્યને કીડીની જેમ નિર્ણય કરવા સૂચવ્યું છે. કીડી ધૂળમાં રહેતી હોવા છતાં સાકરનો શોખ છે. કીડીને મીઠાશ સિવાય કશું ખપતું નથી. કીડી ભલે નાની હોય સામૂહિક્તાનો શિસ્તનો સંદેશ પૂરો પાડે છે.
કીડીઓનું સામ્રાજ્ય ગંધ પર
ચાલે છેઃ ૧૪ કરોડ વર્ષથી હયાત
કીડીને જોઈને આપણા મનમાં ઘણીવાર વિચાર આવે છે કે આ નાનું જંતુ માત્ર ખોરાકની શોધમાં ભાગદોડ કરી રહ્યું છે, પણ વાસ્તવિક્તા ઘણી રોમાંચક છે. અમેરિકાની રોકફેલટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કીડીઓની દુનિયા ગંધ અને ખુશ્બુની આસપાસ ફરે છે. આ ગંધને સમજવાની તેની ક્ષમતા એટલી શક્તિશાળી છે કે, મનુષ્ય અને અન્ય પ્રાણી તેનાથી ખૂબ જ પાછળ છે.
આખો કીડી સમાજ ફોરોમેન એટલે કે ગંધના આધારે કાર્ય કરે છે. ભલે તે રસ્તો બતાવવાનો હોય કે ખોરાકનું વિતરણ કરવાનો હોય કે પછી ભયની ચેતવણીનો હોય. દરેક સંદેશો (મેસેજ) ગંધના કોડથી થાય છે. કોઈને પણ ઓળખવાનું હોય કે કોણ આપણું અને કોણ પારકું તે કીડી ગંધને આધાર બનાવે છે.
કીડીઓ આટલી બધી ગંધ વચ્ચે કેમ મુંઝવણમાં નથી પડતી? વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે, તેમાં રીસેપ્ટ જીન હોય છે.
સંશોધન દ્વારા જાણવા મળ્યું કે, લાખો વર્ષોમાં આ નાના જીવમાં કેટલી જટિલ પદ્ધતિ વિક્સાવી છે.
પૃથ્વી પર ૧૪ કરોડ વર્ષથી કીડી હાજર છે. આ દરમિયાન તેણે મજબૂત સામાજિક સામ્રાજ્ય ખડક્યું જે દરેક જીવ માટે મિસાલ છે. અનુમાન છે કે, દુનિયામાં દરેક માનવી દીઠ અઢી લાખથી વધુ કીડી છે. જેને સોશિયલ નેટવર્કીંગ માસ્ટર કહેવામાં આવે છે.
કીડી એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે...
કીડીરાણી પોતાના દરની માલિકણ છે. બાકી બધી કીડી તેની સંતાન અને ગુલામ કીડી છે. રાણીને ખબર પડી જાય છે કે, દરમાં ક્યારે કેવી કીડીની જરૂરિયાત છે. તેથી જરૂર પ્રમાણે તે જે જાતની કીડીની જરૂરિયાતના ઈંડા મૂકે છે. રાણીએ નક્કી કરેલ કીડી તેવી જ બને છે. મજુર, સૈનિક, ખોરાક લાવનાર, શોધનાર, ભંડારી કીડી વિગેરે.
ચોમાસુ કે વર્ષા ઋતુમાં દરમાં બેઠા બેઠા ભેજ અને ગરમીના આધારે આબોહવા જાણી વરસાદ પડવા પૂર્વે રાજકુમાર અને કુમારી બનવા માટે હજારો ઈંડા મૂકે છે. ઈંડામાંથી જન્મનાર બચ્ચા પાંખવાળા હોય છે. કીડીને હવામાન ખાતા કરતા પણ વધુ ચોક્કસ અંદાજ આવી જાય છે. ભરપૂર વરસાદમાં પાંખવાળા બચ્ચા જન્મતાની સાથે ઊડવા લાગે છે.
ઊડતાની સાથે કીડી એકબીજા સાથે સંવનન કરે કે તુરત જ તેની પાંખો ખરી જાય છે અને તે મૃત્યુ પામે છે, જ્યારે રાજકુમારી કીડી નરમ જગ્યા શોધી, કોતરી ઊંડે તેના ઈંડા મૂકી દે છે. હવે તે રાજકુમારી નથી, પણ રાણી બની જાય છે. ઈંડામાંથી મજૂર અને સેવક કીડી જન્મે છે અને તે રાણીની સેવામાં લાગી જાય છે. ખોરાક શોધનારની જરૂર પડતા તેવા ઈંડા મૂકે છે. ગુલામ કીડી કામમાં રોકાયેલી રહે છે. દર મોટું થતા જાતજાતના ભાગ પડે છે. જેમાં રાણી કીડીનો ભાગ મોટો હોય છે. તેની પાંચ-દસ સેવિકા કીડી સતત સેવામાં હાજર હોય છે.
:: સંકલન ::
જિતેન્દ્ર ભટ્ટ- મો. ૯૪ર૬૩ પ૭૭૧પ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial