Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકાના ગામડાઓને સૌની યોજનામાંથી પાણી આપવા આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રજુઆત

ઈસુદાન ગઢવી, પાલભાઈ આંબલીયા, પ્રકાશ દોંગા, હેમંતભાઈ ખવાના સરકાર પર આકરા પ્રહારોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: સૌરાષ્ટ્રની ધરતી પર નર્મદા ના નીર થકી સિંચાઈના પાણી માટે પ્રથમ કહી શકાય તેવું આંદોલન જામજોધપુરથી છેડાયું છે. ખેડૂત નેતા અને જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ ખવાની આગેવાની હેઠળ આંદોલન શરૂ થયું છે.

આજથી તેર વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં સૌની યોજનાનું સર્વે કરવામાં આવ્યું હતું પરંતુ તેર વર્ષ જેટલો સમય વિત્યા બાદ પણ જામજોધપુર તાલુકાનાં મુખ્ય પાઈપલાઈનથી નજીકના માત્ર સાત થી આઠ ગામોને જ સિંચાઈનું પાણી મળે છે ત્યારે બાકી રહેતા ગામડાઓને ન્યાય મળે તે હેતુથી સૌની યોજના હેઠળ પાઇપલાઇન નજીકની ૫ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા જામજોધપુર તાલુકાના ગામડાઓમા નદી, ચેકડેમો ભરવામાં આવે અને તેમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠાવાઈ છે અને આ માત્ર જામજોધપુર જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ પંથકમાં નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે જેથી શુષ્ક પ્રદેશ તરીકેની વર્ષોથી છાપ ધરાવતો સૌરાષ્ટ્ર વિસ્તાર ખરેખર પાણીદાર બની શકે. નર્મદા લાવો, ખેડૂત બચાવો તેવા સૂત્રોચ્ચાર સાથે ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ પ્રચંડ માંગ ઉઠાવી હતી. સ્થાનિક કક્ષાએ આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે.

સેંકડો ખેડૂતોની હાજરીમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સિંચાઈ માટેના પાણી અંગે આંદોલનની શરૂઆત જામજોધપુરથી થઈ છે. જામજોધપુર સોની મહાજન સમાજની વાડીમાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  ઇસુદાનભાઈ ગઢવી, પાલભાઈ આંબલીયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહૃાા હતા. ધારાસભ્ય હેમંત ખવાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે જામજોધપુર તાલુકામાં રોજગારી માટેનો સૌથી મહત્ત્વનો જો કોઈ વ્યવસાય હોય તો તે ખેતી છે, અહીં કોઈ મોટા ઉદ્યોગ કે જીઆઇડીસી આવેલ ન હોવાથી મોટાભાગના પરિવારો ખેતી મારફતે જ પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ સરકારની નીતિઓ અને અણઆવડતના પાપે આજે પણ જામજોધપુર તાલુકાના ખેડૂતો સમૃદ્ધ બન્યા નથી. ત્યારે ખેડૂતોની આવક ખરેખર બમણી થાય અને ખેડૂતોના આંગણે સમૃદ્ધિનો સૂરજ ઉગે તે માટે સૌની યોજના આશીર્વાદરૂપ બની શકે છે.

જામજોધપુર તાલુકામાંથી સૌની યોજનાની પાઈપલાઈન પસાર થાય છે. આ યોજનાને ૧૩ વર્ષ જેટલો સમય વિત્યા બાદ પણ આ પાઈપલાઈન દ્વારા જામજોધપુર તાલુકાના માત્ર ગણ્યાગાંઠ્યા ગામોને જ સિંચાઈના પાણીનો લાભ મળે છે. પાઈપલાઈનથી પાંચ કિલોમીટરની ત્રિજયામાં આવતા તમામ નદી, તળાવો, ચેકડેમો અને જળાશયો ભરવામાં આવે તો જામજોધપુર તાલુકાના ૪૦ થી વધારે ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી શકે છે.

જામજોધપુર તાલુકાનો ભૂમિગત ભાગ ખૂબ સબળ હોવાથી હકીકતમાં આ જમીન પાક રૂપી સૌનું ઉગાડી શકે છે પરંતુ સિંચાઈના અભાવે ખેડૂતોને સમૃદ્ધિ મળી નથી. આ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈનું પાણીએ જીવનના આધાર સમાન છે અને આ મુદ્દો તેમના માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે. વખતોવખતની રજૂઆત, વિધાનસભાના ફ્લોર પર તથા લેખિત રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વધુમાં, વર્ષ ૨૦૨૫-૨૬ ના ગુજરાત રાજ્યના બજેટમાં સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની તાકાત ધરાવતા સૌની યોજના માટે સરકાર દ્વારા માત્રને માત્ર ૮૩૦ કરોડ રૂપિયાની નજીવી રકમ ફાળવવામાં આવી છે, જે આ યોજનાના વ્યાપ અને સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરિયાતોની તુલનામાં ખુબ જ અપૂરતી છે. આ બાબતે ઇસુદાનભાઈ ગઢવી, પાલભાઈ આંબલીયા તથા પ્રકાશભાઈ દોંગાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

અંતમાં હેમંતભાઈએ જણાવ્યુ હતું કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં નિર્ણય કરી સરકાર જો મુખ્ય પાઇપલાઇનથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી તમામ નદીઓ, ચેકડેમો અને જળાશયોને ભરવાની દિશામાં નિર્ણય લે તો જામજોધપુર તાલુકાના ૪૦ થી વધુ ગામોની સાથે સાથે સૌરાષ્ટ્રના લાખો ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી શકે તેમ છે. આનાથી ખેડૂતોની આજીવિકા સુધરશે, કૃષિ ઉત્પાદનમાં વધારો થશે અને વિસ્તારનો આર્થિક વિકાસ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh