Advertisement
Author: નોબત સમાચાર

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા "શક્તિ" વાવાઝોડા સામે તંત્રો સતર્કઃ ગુજરાત-મહારાષ્ટ્ર થશે પ્રભાવિત

દરિયામાં જ ૧૦૦ થી ૧૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઉંચા મોજા ઉછળશેઃ ૭મી ઓક્ટો. સુધી એલર્ટ જાહેર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૪: અરબી સમદ્રમાં ઉદ્ભવેલુ 'શકિત' વાવાઝોડું તીવ્ર બન્યું છે અને દરિયામાં જ ૧૦૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. આગામી ૨૪ કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેથી દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'શક્તિ' વધુ તીવ્ર બન્યું છે. આગામી ૨૪ કલાકમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી ગંભીર સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે, જે ભારતીય કિનારાઓથી દૂર જશે, પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ગંભીર ચક્રવાતી વાવાઝોડું શકિત છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે સવારે ૮:૩૦ કલાકે તે ઉત્તર- પશ્ચિમ અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર કેન્દ્રિત હતું. તે દ્વારકાથી લગભગ ૪૭૦ કિલોમીટર પશ્ચિમમાં અને નલિયાથી ૪૭૦ કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ- પશ્ચિમમાં સ્થિર હતું. ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના દરિયામાં કરન્ટ જોવા મળ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

હાલમાં વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિ ૯૫-૧૦૫ કિલોમીટર પ્રતિ કલાકની છે, જે વધીને ૧૧૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (૪ ઓક્ટોબર) સાંજ સુધીમાં પવનની ગતિ વધીને ૧૧૦-૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક થશે અને ઝાટકા સાથે ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ મહત્તમ તીવ્રતા આગામી ૨૪ કલાક સુધી જળવાઈ રહેવાની સંભાવના છે. તા.૪થી ૭ ઓક્ટોબર દરમિયાન ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૫-૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઝાટકા સાથે ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

જોકે આ વાવાઝોડું દરિયામાં જ ગહન બનીને આગળ વધશે, પરંતુ એની અસર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર અનુભવાશે.

હવામાન નિષ્ણાતના મતે, આ સિસ્ટમ ફરી ગુજરાત તરફ આવશે અને ૬થી ૭ ઓક્ટોબરના રોજ દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરશે, જેના કારણે રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ આવશે.

દરિયાકિનારા પર તા. ૬ અને ૭ ઓક્ટોબરના રોજ ભારે પવન અને વરસાદની શક્યતા છે. જયારે અંદરના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અથવા મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.

માછીમારો માટે ગંભીર ચેતવણી અપાઈ છે. તા.૪ થી ૭ ઓક્ટોબર દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની સંભાવના છે. ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સ્થિતિ ખરાબથી ઘણી ખરાબ રહેવાની સંભાવના છે. માછીમારોને અરબી સમુદ્રના આ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૭ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

ભારતીય હવામાન ખાતાએ એ મુંબઈ, રાયગઢ, રત્નાગિરી, પાલઘર અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. ચક્રવાત શક્તિ ૪ થી ૫ ઓક્ટોબર દરમિયાન આ જિલ્લાઓમાં ૪૫-૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવશે તેવી આશંકા છે.

વેગરીઝ ઓફ વેધરના એક હવામાન બ્લોગરે જણાવ્યું હતું કે ભલે આ સિસ્ટમ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા પહેલા તે નોંધપાત્ર રીતે નબળી પડી જશે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની અપેક્ષા છે, પરંતુ ભારતમાં કોઈ મોટી અસર થવાની ધારણા નથી. ૈંસ્ડ્ઢ ના પ્રકાશન મુજબ, ચક્રવાતની ચેતવણી ૭ ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

હવામાન આગાહીકાર અભિજીત મોડકે જણાવ્યું હતું કે વાવાઝોડાની અસરોથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડો વરસાદ આવી શકે છે. આઈએમડીના સુત્રોએ પુષ્ટિ આપી કે વાવાઝોડાનો માર્ગ ભારતીય ભૂપ્રદેશથી દૂર છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે ભલે તે જમીન પર સીધી અસર નહીં કરે, પરંતુ દરિયો તોફાની રહેશે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આઈએમડીના જણાવ્યા મુજબ, ૩ ઓક્ટોબરના બપોર સુધી ઉત્તરપશ્ચિમ અરબ સમુદ્ર અને નજીકના ઉત્તરપૂર્વ અને મધ્ય અરબ સમુદ્ર પર દરિયાની સ્થિતિ તોફાની રહેશે, જે ૪-૬ ઓક્ટોબરની વચ્ચે ખૂબ તોફાની બનશે. ૫ ઓક્ટોબર સુધી ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર અને નજીકના પાકિસ્તાન દરિયાકાંઠે દરિયાની સ્થિતિ તોફાની રહેશે.

આ દરમિયાન, આંતરિક ઓડિશા પર ડિપ્રેશનના પ્રભાવ હેઠળ, ૩-૪ ઓક્ટોબરના રોજ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના મોટાભાગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શકયતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh