Advertisement
Author: નોબત સમાચાર

આજથી આઈપીએલનો પ્રારંભ ક્રિકેટમાં ઈમ્પેકટ પ્લેયરના નિયમનો વિરોધ... પોલિટિકલ પ્રભાવ પડશે ?

                                                                                                                                                                                                      

આજથી આઈપીએલ અથવા ઈન્ડિયન પ્રિમિયર લીગ મેચોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. બેંગલુરૂમાં ભૂતકાળમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનાર મૃતકોના સન્માનમાં આ વખતે આઈપીએલનો ઓપનીંગ સેરેમની રદ થયા પછી પહેલી લીગ મેચ શરૂ થવાની સાથે જ આ ટૂર્નામેન્ટનો વિધિવત પ્રારંભ થઈ જશે.

આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ ભારતીય ઓપનર બેટધર અને ગુજરાત ટાઈટન્સ ટીમના કપ્તાન શુભમન ગીલનું ઈમ્પેકટ પ્લેયરના નિયમનો વિરોધ દર્શાવતું નિવેદન ચર્ચામાં આવ્યું છે, જેને સોશ્યલ મીડિયામાં વ્યાપક સમર્થન પણ મળી રહેલુ જણાય છે.

હકીકતે વર્ષ-૨૦૨૩માં ઈમ્પેકટ પ્લેયરનો નિયમ પ્રસ્તૂત થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્લેઈંગ ઈલેવન ઉપરાંત બારમો ખેલાડી હોય છે. આ ટીમ મેચ શરૂ થતાં પહેલા જ ડિકલેર કરવાની હોય છે, અને ટીમ જાહેર થયા પછી મેચ શરૂ થઈ જાય એટલે આ બાર ખેલાડી જ ફાયનલ ગણાય છે, જેમાં ચાલુ મેચ દરમ્યાન ફેરફાર કરી શકાતો નથી, જ્યારે આઈપીએલમાં પ્લેઈંગ ઈલેવન ઉપરાંત બીજા પાંચ એવા ખેલાડીઓના નામ જાહેર કરાય અને આ સબસ્ટિટ્યુટ ખેલાડીઓનો કેટલાક  ચોક્કસ પ્રકારના સંજોગોમાં ઉપયોગ થઈ શકે, તેવી જોગવાઈઓ આ નિયમ હેઠળ કરવામાં આવી છે. આ પાંચ ખેલાડીઓ પૈકી કોઈપણ ખેલાડીને ચાલુ મેચે પ્લેઈંગ ઈલેવનના કોઈ ખેલાડી સામે બદલી શકાય છે, અને તે માટે ચોક્કસ શરતોનું પાલન કરવાનું હોય છે.

જો કે, આ પ્લેઈંગ ઈલેવન ઉપરાંતના પાંચ ખેલાડીઓનો નિયમ માત્ર ભારતીય ઘરેલુ ક્રિકેટ આઈપીએલ માટે જ લાગુ કરાયો હોવાથી તેને આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ કે મેચોમાં લાગુ કરી શકાશે નહીં, તેવી ચોખવટ પણ વિવિધ માધ્યમો દ્વારા થઈ છે, તેમ છતાં આ નવો નિયમ ઘણો જ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બનવા જઈ રહ્યો છે. મોટા ભાગના વિવેચકો અને આલોચકો આ નિયમના કારણે ક્રિકેટની રમતનો રોમાંચ ઘટી જશે તથા ઓલરાઉન્ડર ખેલાડીઓનું મહત્ત્વ ઘટી જશે, જે એકંદરે આખી ટીમને વિપરીત અસર કરશે, તેવા અભિપ્રાયો ક્રિકેટ નિષ્ણાતો કે ક્રિકેટ પ્રેમીઓ જ નહીં, ખુદ દિગ્ગજ ક્રિકેટરો પણ આપવા લાગ્યા છે.

આ નિયમ મુજબ ટોસ ઉછળ્યા પછી પણ કોઈપણ એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનના કોઈપણ એક ખેલાડીના સ્થાને (જાહેર કરાયેલા પાંચ સબસ્ટિટ્યુટમાંથી) બદલી શકાશે, જે બેટીંગ અને બોલીંગ પણ કરી શકશે, તેનો મતલબ એવો પણ થઈ શકે કે પ્લેઈંગ ઈલેવનના સ્થાને પ્લેઈંગ ટ્વેલ્વ (બાર ખેલાડીઓની ટીમો) મેદાનમાં રહેશે.

વર્ષ ૨૦૨૪માં બસીસીસીઆઈ દ્વારા લાગુ કરાયેલા આ નિયમની મુદ્દત વર્ષ ૨૦૨૭ સુધી વધારવાના નિર્ણય સામે આઈપીએલની ટીમોની ૧૦ ટીમોના કપ્તાનો વચ્ચે પણ ગરમાગરમ ચર્ચા થઈ હોવાના અહેવાલો પછી અને  હવે શુભમન ગીલે આ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યા પછી આ મુદ્દો ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. બીજી તરફ બીસીસીઆઈ દ્વારા આ નિયમને વર્ષ ૨૦૨૭ સુધી લંબાવી જ દીધો હોવાથી તે અંગે ચાલુ ટૂર્નામેન્ટમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ આ મુદ્દે આવતા વર્ષે વ્યાપક ચર્ચા પછી કાંઈક ફેરફાર થાય કે આ નિયમ જ હટાવી દેવાય એવા પ્રયાસો અત્યારથી શરૂ થઈ ગયા હોય તેમ જણાય છે. જો કે, વર્ષ ૨૦૨૭ સુધી ફેરફારના મૂડમાં બીસીસીઆઈ જ નથી.

આ નિયમનો ભૂતકાળમાં રોહિત શર્મા, ગ્લેન ફિલિપ્સ અને અક્ષર પટેલ વગેરેએ વિરોધ કર્યા પછી ઘણાં ક્રિકેટરોએ આ નિયમનો વિરોધ કર્યો હતો, તો ક્રિકેટ રસિયાઓમાં ચર્ચા ચાલતી રહી હતી.

હવે શુભમન ગીલે કહ્યું છે કે ઈમ્પેકટ પ્લેયરનો નિયમ ખેલાડીઓના કૌશલ્યને ખતમ કરી દ્યે છે. અને ટીમના પડકારોને પહોંચી વળવાની ક્ષમતા પણ ઘટી શકે છે.

એવું કહેવાય છે કે ગત ૨૫મી માર્ચે યોજાયેલી આઈપીએલ-૨૦૨૬ની તમામ ટીમોના કપ્તાનોની બેઠકમાં પણ મોટા ભાગના કપ્તાનો આ નિયમની વિરૂદ્ધમાં જણાયા હતા, અને બીસીસીઆઈને આ નિયમની સમીક્ષા કરવાની માંગણી પણ ઉઠાવાઈ હતી. જો કે, આ મુદ્દે બીસીસીઆઈનું આ લખાય છે ત્યાં સુધી કોઈ સ્પષ્ટ નિવેદન નથી.

શુભમન ગીલ ગુજરાત ટાઈટન્સ ટીમનો કપ્તાન છે અને ૧૯મી પ્રિમિયર લીગ મેચો શરૂ થાય, તે પહેલા જ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે, અને મોટાભાગના કપ્તાનો પણ જો આ નિયમનો વિરોધ કરી રહ્યા હોય તો, આ મુદ્દે બીસીસીઆઈને સમીક્ષા કે પુનર્વિચારણા કરવામાં કોઈ વાંધો હોવો જ ન જોઈએ અને આવતા વર્ષથી જ આ નિયમ રદ થઈ જાય, અને તેના કારણે ક્રિકેટરોને જો સંતોષ થતો હોય અને ટૂર્નામેન્ટની મોટા ભાગની ટીમો પણ સંમત હોય તો આ નિયમને વળગી રહેવાનું કોઈ યોગ્ય કારણ પણ જણાતુ નથી.

અત્યારે એક તરફ ઈઝરાયલ-અમેરિકાના ઈરાન સાથેના યુદ્ધના કારણે ઊભી થયેલી સ્થિતિ વચ્ચે ભારતમાં આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે, તો બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં જુદી જુદી ચૂંટણીઓનો માહોલ પણ જામ્યો છે, તેવામાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર પણ પોલિટિકલ પ્રભાવ પડશે, અને આઈપીએલના પ્લેટફોર્મ્સ કે તેને સંબંધિત ડિબેટીંગ કે વિવાદોનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે કરવાના કિમીયા પણ અજમાવાઈ શકે છે, તેથી ચૂંટણીપંચે પણ જાગૃત રહેવા જેવું ખરૃં...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh