Advertisement
Author: નોબત સમાચાર

ઇચ્છામૃત્યુઃ ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર કે કાનૂની સંયમ?

                                                                                                                                                                                                      

માનવજીવનનું રક્ષણ દરેક સમાજ અને રાજ્યની પ્રથમ ફરજ માનવામાં આવે છે. છતાં, એવી પરિસ્થિતિઓ પણ ઊભી થાય છે જ્યાં જીવન માત્ર શારીરિક અસ્તિત્વ સુધી સીમિત રહી જાય છે. અસાધ્ય રોગ, અસહૃા પીડા અને સંપૂર્ણ નિર્ભરતા વચ્ચે જીવવું કે જીવતા રહેવું, એ જ પ્રશ્ન બની જાય છે. આવી પરિસ્થિતિમાં ઇચ્છામૃત્યુનો વિષય માત્ર કાયદાકીય નથી રહેતો, પરંતુ માનવ ગૌરવ અને સંવેદનાનો કેન્દ્રબિંદુ બની જાય છે.

ભારતમાં આ વિષય પર માર્ગદર્શન આપતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવ્યા છે. ખાસ કરીને કોમન કોઝ વિરૂદ્ધ ભારત સંઘ (૨૦૧૮)ના નિર્ણયમાં ન્યાયાલયે સ્પષ્ટ કર્યું છે કે જીવનનો અધિકાર માત્ર જીવતા રહેવાનો અધિકાર નથી, પરંતુ ગૌરવપૂર્ણ રીતે જીવવાનો અને ગૌરવપૂર્ણ રીતે મૃત્યુ પામવાનો અધિકાર પણ તેમાં સમાવિષ્ટ છે. ઇચ્છામૃત્યુને સમજવા માટે તેને બે પ્રકારમાં વહેંચવામાં આવે છેસક્રિય ઇચ્છામૃત્યુ અને નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ.

સક્રિય ઇચ્છામૃત્યુમાં વ્યક્તિના જીવનનો અંત લાવવા માટે સીધી કાર્યવાહી કરવામાં આવે છે જેમ કે જીવલેણ દવા આપવી. કાયદાની દૃષ્ટિએ આ પ્રકારને મંજૂરી આપવામાં આવી નથી. કારણ કે આ માનવ જીવનના સીધા અંત સાથે જોડાયેલ છે અને તેને ગુન્હાહિત કૃત્ય તરીકે જોવામાં આવે છે. રાજ્યની ફરજ જીવનનું સંરક્ષણ કરવી છે, અને તેથી સક્રિય ઇચ્છામૃત્યુ કાયદા વિરૂદ્ધ ગણાય છે.

નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ એ એવી સ્થિતિ છે જેમાં દર્દીને જીવતા રાખવા માટેની સારવાર અથવા જીવનરક્ષક સાધનો દૂર કરવામાં આવે છે, જેથી કુદરતી રીતે જીવનનો અંત આવે. અહીં મહત્ત્વનો તફાવત એ છે કે મૃત્યુ લાવવામાં આવતું નથી, પરંતુ અટકાવવામાં આવતું નથી. આ તફાવતને ધ્યાનમાં રાખીને ન્યાયાલયે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને મર્યાદિત સ્વીકાર આપ્યો છે.

ભારતના બંધારણની કલમ ૨૧ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું સંરક્ષણ કરે છે. ન્યાયાલયોએ સમયાંતરે આ કલમનું વ્યાપક અને જીવંત અર્થઘટન કર્યું છે. જીવનનો અધિકાર માત્ર શ્વાસ લેવાનું અસ્તિત્વ નથી, પરંતુ ગૌરવપૂર્ણ, સુરક્ષિત અને માનવીય જીવન જીવવાનો અધિકાર છેજેમાં આરોગ્ય, માનસિક શાંતિ અને માનવ ગૌરવનો સમાવેશ થાય છે. આથી, જીવનનો અર્થ માત્ર જીવતા રહેવું નહીં, પરંતુ ગૌરવ સાથે જીવવું છે.

પરંતુ મૃત્યુનો અધિકારનો પ્રશ્ન કાનૂની રીતે વધુ જટિલ છે. સામાન્ય રીતે કાયદો વ્યક્તિને પોતાનું જીવન સમાપ્ત કરવાનો સીધો અધિકાર માન્ય કરતો નથી. કારણ કે રાજ્યની ફરજ જીવનનું સંરક્ષણ કરવી છે. તેથી સક્રિય રીતે જીવનનો અંત લાવવોઅથવા મૃત્યુ લાવવું કાયદાની દૃષ્ટિએ સ્વીકાર્ય નથી. આ દૃષ્ટિકોણ જીવનના પવિત્રતા સિદ્ધાંત પર આધારિત છે, જેમાં જીવનને સુરક્ષિત રાખવું સર્વોચ્ચ માનવામાં આવે છે.

પરંતુ ન્યાયાલયે એક મહત્ત્વપૂર્ણ ભેદ ઊભો કર્યો છે. મૃત્યુ લાવવું અને કુદરતી મૃત્યુને થવા દેવું વચ્ચેનો. આ ભેદના આધારે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને મર્યાદિત સ્વીકાર આપવામાં આવ્યો છે. ન્યાયાલયે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ અસાધ્ય પરિસ્થિતિમાં હોય અને જીવન માત્ર યાંત્રિક રીતે જળવાઈ રહૃાું હોય, તો તેને અનાવશ્યક સારવારથી મુક્ત થવાનો અધિકાર ગૌરવપૂર્ણ જીવનના અધિકારનો ભાગ બની શકે છે.

આ રીતે, કલમ ૨૧ હેઠળ જીવનનો અધિકાર એક સકારાત્મક અને ગૌરવસભર જીવનનો અધિકાર છે, જ્યારે મૃત્યુનો અધિકાર સ્વતંત્ર અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો નથી, પરંતુ ગૌરવપૂર્ણ જીવનના અધિકારના વિસ્તરણ રૂપે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુના સંદર્ભમાં મર્યાદિત રીતે માન્યતા પ્રાપ્ત કરી છે. કાયદો અહીં સંપૂર્ણ સ્વતંત્રતા નહીં, પરંતુ નિયંત્રણ અને જવાબદારી સાથે વ્યક્તિના ગૌરવને માન્યતા આપે છે.

તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયે એક મહત્ત્વપૂર્ણ કેસમાં એક યુવાન દર્દી માટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને મંજૂરી આપીને આ સિદ્ધાંતને વધુ મજબૂત બનાવ્યો છે. આ નિર્ણયમાં ન્યાયાલયે માત્ર કાયદાકીય જ નહીં, પરંતુ માનવ સંવેદનાનો પણ વિચાર કર્યો. લાંબા સમયથી વેદનામાં જીવતા દર્દી માટે, જીવનને યાંત્રિક રીતે લંબાવવું એ ગૌરવપૂર્ણ જીવનનો ભાગ નથીઆ અભિગમ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

પરંતુ ન્યાયાલયે આ સાથે જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત સ્પષ્ટ કરી છેઆ અધિકાર સંપૂર્ણ સ્વતંત્ર નથી. તેના માટે કડક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. તબીબી નિષ્ણાતોની સમિતિ, દર્દીની સ્થિતિનું નિષ્પક્ષ મૂલ્યાંકન અને કાયદાકીય દેખરેખઆ બધું અનિવાર્ય છે. આથી, વ્યક્તિના અધિકાર અને તેના સંભવિત દુરૂપયોગ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ વ્યવસ્થામાં પૂર્વ નિર્દેશનો પણ સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિ પોતે અગાઉથી નક્કી કરી શકે છે કે કઈ પરિસ્થિતિમાં તેને જીવનરક્ષક સારવાર ન આપવામાં આવે. આ પ્રણાલી વ્યક્તિના સ્વતંત્ર નિર્ણયને માન્યતા આપે છે, પરંતુ સાથે સાથે તેની ખાતરી પણ કરે છે કે તે નિર્ણય દબાણ કે ગેરલાભના કારણે લેવામાં આવ્યો નથી.

આ સમગ્ર મુદ્દાનો કાનૂની સાર એ છે કે ઇચ્છામૃત્યુને અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે, પરંતુ નિયંત્રણ સાથે. સક્રિય ઇચ્છામૃત્યુને સંપૂર્ણપણે અસ્વીકારવામાં આવી છે, જ્યારે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને મર્યાદિત અને નિયમિત સ્વીકાર આપવામાં આવ્યો છે.

અંતે, આ ચર્ચા આપણને એક ઊંડા સવાલ તરફ દોરી જાય છેશું જીવન માત્ર જીવવાનું નામ છે, કે ગૌરવ સાથે જીવવાનું નામ છે? અને જો ગૌરવપૂર્ણ જીવન શક્ય ન રહે, તો શું ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર હોવો જોઈએ?

કાયદો આ પ્રશ્નનો સંતુલિત જવાબ આપે છે 

જીવનનું સંરક્ષણ પણ જરૂરી છે,     

અને માનવ ગૌરવનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે.

અને કદાચ આ બંને વચ્ચેનું સંતુલન જ સાચી ન્યાયવ્યવસ્થા છે.

ધ્વનિ લાખાણી એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh