Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું પડાણા મોટા ઉદ્યોગ ગૃહો તથા રિફાઈનરીની નજીક આવેલું છે અને અહીંથી વાડીનારની દરિયાઈ પટ્ટી પણ નજીકમાં જ છે. આ ગામેથી જો નશાકારક ચોકલેટોનો જંગી જથ્થો પકડાયો હોય તો તે નશાકારક પદાર્થોના વિવિધ સ્વરૂપે થતા વેપલા અને હેરાફેરીના વ્યાપક નેટવર્કનો સંકેત છે અને ગુજરાતની કડક નશાબંધીને ઠેંગો બતાવવાના વિવિધ કારસાઓનું પ્રતીક છે, જે એક આઈસબર્ગની ટોચ જેવું છે એન આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે સમાજે તથા સ્થાનિકોએ પણ જાગૃત થવું અત્યંત જરૂરી છે.
હમણાંથી મીડિયામાં તથા અખબારોના પાને દેશી-વિદેશી દારૂના ચપલાં, બોટલો કે પેટીઓ પકડાઈ હોવાના અહેવાલો રોજ-બ-રોજ જોવા મળતા હોય છે., અને ઘણાં સ્થળે નશો કરેલી હાલતમાં ફરતા હોય, તેવા લોકો પણ ઝડપાતા હોય છે, અથવા બિન્ધાસ્ત બકવાસ કરતા જોવા મળતા હોય છે. શરાબની આ હેરાફેરી તથા દેશી દારૂનું પ્રોડક્શન જ આપણાં ગુજરાતમાં છુપા શરાબીઓની મોટી સંખ્યાનો પુરાવો છે, કારણ કે માર્કેટમાં મળતું હોય, ત્યાં જ ઘણાં જોખમો ખેડીને ગેરકાનૂની શરાબનો જથ્થો ઠલવાતો હોય ને ?
આ પહેલા પણ આયુર્વેદિક ઔષધિઓ કે સિરપના નામે નશાયુક્ત પદાર્થોના કારનામા થતા રહ્યા છે અને ઠંડા પીણા (કોલ્ડ્રીંક્સ)ના સ્વરૂપમાં નશાકારક પ્રવાહીઓની હેરાફેરી, સંગ્રહ તથા વેચાણ કરતા ગુનાખોરો તથા શંકાસ્પદ નશાકારક પદાર્થો કે પીણાઓનો જથ્થો ઝડપાતો રહ્યો છે. આટલો મોટો જથ્થો ઝડપાતો હોય ત્યારે આઈસબર્ગની જેમ તેની પાછળ કાર્યરત મસમોટા નેટવર્કની સંભાવનાઓ વધી જતી હોય છે. આ પ્રકારના નેટવર્કને ભેદવા તેના શક્તિશાળી મૂળિયા સુધી પહોંચીને તેને કાનૂની કાર્યવાહીની આગમાં બાળવા અત્યંત જરૂરી હોય છે, અને તે માટે સાઠગાંઠ, ભ્રષ્ટાચાર અને મિલીભગત જેવા ચક્રવ્યૂહોને તોડવાની પોલિટિકલ તથા વહીવટી ઈચ્છાશક્તિ હોવી અનિવાર્ય છે.
ક્યાંક નદીના કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો રૂપિયાની કિંમતનો સેંકડો લીટર એવો કાચો આથો પકડાય છે, જેમાંથી દેશી દારૂ બને છે, તો ક્યાંક વાહનોના સ્પેરવ્હીલના ટાયરોમાં ભરીને કે ગૂપ્ત ખાનાઓમાં છુપાવીને હેરાફેરી કરાતો શરાબનો જંગી જથ્થો ઝડપાતો હોય છે. આટલો મોટો જથ્થો પકડાતો હોય, ત્યારે આ શરાબ મોકલનાર, લેનાર કોણ છે અને કેવી રીતે પરિવહન થયું છે, તેની પુછપરછ અને તપાસ પણ થતી જ હશે અને દેશી દારૂના હાટડા કોણ ચલાવે છે, ક્યાં ચલાવે છે અને તેના કસ્ટમર (પીનારા) કેટલા છે અને કયાંથી "મોજ"માં આવી જાય છે, તેની ઊંડી તપાસ પણ થતી જ હશે ને ?
હકીકતે રાજ્યની બહારથી એટલેકે દારૂબંધી નથી, તેવા આજુબાજુના રાજ્યોમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઘુસાડવા માટે પણ જુદી જુદી તરકીબો અજમાવાતી હશે અને ક્યાંક ક્યાંક ભ્રષ્ટ નીતિરીતિ પણ કામ કરી જતી હશે, અન્યથા દારૂબંધી ન હોય, તેવા રાજ્યો કરતા પણ વધુ સાહસિક તથા જોખમી હેરાફેરી થતી જ ન હોત, ખરૃં ને ?
જો કે, રાજ્યને જોડતી સરહદો પરથી પસાર થતા વાહનોનું રેન્ડમ ચેકીંગ થતું રહે છે, સતત પેટ્રોલીંગ ચાલુ હોય છે અને બાતમીદારોનું મજબૂત નેટવર્ક પણ કાર્યરત હોય છે, અને તેથી જ ઠેર-ઠેર જંગી જથ્થામાં નશાકારક દ્રવ્યો મળી આવતા હોય છે. ઝડપાઈ જતા હોય છે, તેમ છતાં ગુજરાતમાં આ બદી સદંતર નાબૂદ કેમ થતી નથી, એ પણ ઓપન સિક્રેટ જ છે ને ?
હાલારના દરિયા કિનારાના નિર્જન વિસ્તારો તથા અંતરિયાળ વિસ્તારોમાં આવેલા કાંઠાળ ગામડાઓ અથવા દુર્ગમ સ્થળોમાંથી ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવતો હતો, તે સમયે પણ ગુજરાત નશાનું હબ બની રહ્યું હોવાનું તથા ડ્રગ્સની ઘૂસણખોરીનું પ્રવેશદ્વાર બની રહ્યું હોવાની ટીકા-ટિપ્પણીઓ થઈ હતી. ડ્રગ્સની બંદી તો દારૂની બંદીથી પણ ઘણી જ ભયંકર ગણાય અને નવી પેઢીને નશાના રવાડે ચડાવીને આપણાં દેશને ખોખલો કરવાની પ્રપંચી પડોશી દેશની કારસ્તાની પણ હોઈ શકે. નકલી ચલણી નોટોની હેરાફેરી, સ્મગલીંગ, ડ્રગ્સનું નેટવર્ક અને શરાબ ઉપરાંત જુગારના ગેરકાનૂની માર્ગે ચડનાર પોતાની તથા દેશની પણ બરબાદી નોતરે છે, તે હકીકત જ છે ને ?
હમણાંથી હાલાર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી શંકાસ્પદ બિનવારસી કન્ટેનરો તણાઈને આવતા હોવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ કારણે આપણાં દેશની તટીય સુરક્ષા એજન્સીઓની સાથે સાથે ગૂપ્તચર એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. આ કન્ટેનરો સ્વાતંત્ર્ય પર્વ ના સમયગાળામાં જ મળી આવ્યા હોવાથી તંત્રોએ આ અંગે ઊંડી તપાસ પણ આદરી હતી. કોઈ કહે છે કે કોઈ ડૂબેલા વહાણ કે બાજ પરથી આ કન્ટેનરો તણાઈ આવ્યા હશે, તો કોઈ એવું પણ માને છે કે કોઈ ગેરકાનૂની ચીજવસ્તુઓની હેરાફેરી પછી ખાલી થયેલા કન્ટેનરો દૂરના દરિયામાં ફેંકી દેવાયા હોય અને તણાઈને દરિયાકાંઠે આવી ગયા હોય, તેવું બની શકે. કોઈ કહે છે કે આ કન્ટેનરો પાકિસ્તાની દરિયા તરફથી આવ્યા હશે. જે હોય તે ખરૃં, પરંતુ આ મુદ્દો પણ દારૂ કે ડ્રગ્સની સંભવિત હેરાફેરીને પણ સાંકળે જ છે ને ?
ગુજરાતમાં માત્ર દરિયાકાંઠેથી કે પડોશી રાજયોની સરહદેથી જમીનમાર્ગે જ નશાકારક દ્રવ્યોની હેરાફેરી થાય છે, તેવું પણ નથી. હવાઈ માર્ગે પણ ડ્રગ્સની "હિંમતભરી" હેરાફેરી કરવાના પ્રયાસો પણ થતા જ રહે છે. હજુ ગઈકાલે જ અમદાવાદના એરપોર્ટ પરથી લગભગ પાંચેક કરોડની કિંમતનું ડ્રગ્સ (હાઈબ્રીડ ગાંજો) જપ્ત કરાયો હોવાના અહેવાલો આવ્યા હતા. એવું કહેવાય છે કે આ ડ્રગ્સ બેંગકોકથી લવાયું હતું અને આ માટે બેગને એરટાઈટ કરવાનો નુસ્ખો અજમાવાયો હતો. આ હેરાફેરીની ડીલ છેક દુબઈમાં થઈ હોવાનું પણ કહેવાય છે. આમ, ગુજરાતમાં જમીન, દરિયા અને હવાઈ માર્ગે પ્રવેશતા "નશા" ને અટકાવવામાં નહીં આવે તો સમૃદ્ધ ગણાતુ ગુજરાત બરબાદ થઈ જતા વાર નહીં લાગે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial