Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ભારતને લઈને ટ્રમ્પના તેવર નરમ પડ્યા હોવાની ચર્ચા છે, જ્યારે ગઈકાલે દેશ-દુનિયાનું ધ્યાન ખેંચાય, તેવા બે ઘટનાક્રમો બન્યા હતા. એક ઘટનાક્રમમાં પડોશી દેશ નેપાળના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને જનતાના વિદ્રોહ પછી રાજીનામું આપવું પડયું અને બીજા ઘટનાક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લોકતાંત્રિક ઢબે અને બેલેટપેપર દ્વારા મતદાન કરીને સંપન્ન થઈ. આ બંને ઘટનાક્રમો દર્શાવે છે કે નેપાળમાં લગભગ દરવર્ષે સત્તાપલટો થતો રહ્યો અને જે અસ્થિરતા અને અંજપો ઊભો થયો, તે યુવાક્રાન્તિ અથવા વિદ્રોહમાં પરિણમ્યો, જ્યારે ભારતની તંદુરસ્ત લોકતાંત્રિક વ્યવસ્થા હેઠળ જ્યારે જ્યાર સત્તાપરિવર્તનો થયા, ત્યારે ત્યારે તંદુરસ્ત લોકતાંત્રિક વ્યવસ્થાઓ હેઠળ જ થયા. નેપાળમાં લોકશાહી હોવા છતાં ત્યાં રાજકીય અસ્થિરતા રહી અને ત્રણ-ચાર દિગ્ગજ-રાષ્ટ્રીય નેતાઓ વારાફરતી સત્તા ભોગવતા રહ્યા અને અપ્રાકૃતિક અથવા સગવડિયા ગઠબંધનો કરતા રહ્યા, રાજાશાહીને દેશવટો આપીને નેપાળમાં લોકતંત્ર સ્થપાયું ખરૃં, પણ જળવાયું હોય, તેમ જણાતુ નથી, જ્યારે બીજી તરફ ભારતમાં અનેક પડકારો વચ્ચે પણ ભારતમાં તંદુરસ્ત લોકતંત્ર જળવાઈ રહ્યું છે, તેમાંથી નેપાળ, શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન જેવા દેશના વડાપ્રધાનો કે રાષ્ટ્રપતિઓને દેશ છોડીને ભાગવું પડ્યું હતું.
આમ તો દુનિયામાં જનવિદ્રોહ કે આંતરિક ખટપટના કારણે દેશના સર્વોચ્ચ શાસકોએ પોતાનો જ દેશ અચાનક છોડવો પડ્યો હોય કે સરમુખત્યારોએ પોતાના જ દેશમાં છુપાઈને રહેવું પડ્યું હોય, ફાંસીએ લટકવું પડ્યું હોય કે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય, તેવા સંખ્યાબંધ દૃષ્ટાંતો છે, પરંતુ ભારત આઝાદ અને પ્રજાસત્તાક થયું તે પછી દુનિયાના વિવિધ દેશોના દિગ્ગજ નેતાઓ, સર્વોચ્ચ શાસકો કે તાનાશાહોએ સત્તા છોડવી પડી હોય, અને ભાગવું પડ્યું હોય તેના દૃષ્ટાંતો જોતા આપણે પણ ગફલતમાં રહેવા જેવું નથી અને તાનાશાહીના લક્ષણો સામે સાવધ રહેવા જેવું છે, ખરૃં ને ?
જ્યારે જ્યારે ક્રૂરતાપૂર્વક વર્તન રાખતા શાસકો કે સરમુખત્યારો-તાનાશાહો પરાકાષ્ટા ઓળંગે છે, ત્યારે ત્યારે જનતા જાગે છે અને કોઈને કોઈ માધ્યમથી વિરોધ વ્યક્ત કરે છે, તેની સામે દમન થાય કે ડરામણું વાતાવરણ ઊભું કરીને કે સામ, દામ, દંડ, ભેદની નીતિનો અનૈતિક ઉપયોગ કરીને વિરોધીઓને પજવી પજવીને ખતમ કરવાના પ્રયાસો થાય, ત્યારે પ્રચંડ જનવિદ્રોહ કેવી બુરી દશા કરે છે, તેનો પડોશી દેશો શ્રીલંકા, બાંગલાદેશ અને હવે નેપાળના દૃષ્ટાંતો પરથી બોધપાઠ લેવો પડે તેમ છે. આપણો દેશ પ્રજાસત્તાક થયો, તે પછી દલાઈ લામાએ તિબેટ છોડીને ભારતમાં આશ્રય લેવો પડ્યો, તેની પાછળ ચીન જવાબદાર હતું, તેવી સંભાવનાઓ આપણાં અન્ય પડોશી દેશોના આ પ્રકારના ઘટનાક્રમોના મૂળમાં પણ હોઈ શકે, તેવી સંભાવનાઓ નકારી શકાય નહીં.
તાકાતવર તાનાશાહોની પણ કેવી બુરી દશા થાય છે, તે ઈરાકના તાનાશાહ સદામ હુશેન અને લીબિયાના શાસક ગદૃાફીના દૃષ્ટાંતો પરથી ફલિત થાય છે. ઈજિપ્તના રાજવી મોહમ્મદઅલીએ પણ જનક્રાંતિના કારણે વર્ષ-૧૯૫૨માં સ્વિત્ઝરલેન્ડમાં ભાગી જવું પડ્યું હતું.
જનક્રાંતિ, સૈન્યવિદ્રોહ કે ગૃહયુદ્ધોના કારણે દેશના સર્વોચ્ચ શાસકોએ દેશ છોડીને ભાગવુ પડ્યું હોય તેની યાદી ઘણી લાંબી છે, પરંતુ ઝાંઝીબારના ગુલતાને વર્ષ ૧૯૬૪માં જનક્રાંતિ પછી આર્જેન્ટિનાના મહિલા રાષ્ટ્રપતિ સામે સૈન્ય વિદ્રોહ પછી તેઓને નજરકેદ કરાયા, અને ત્યાંથી થોડા વર્ષો પછી તેઓ ભાગી ગયા, તે દૃષ્ટાંતો મુખ્યત્વે ચર્ચાય છે. અફઘાનિસ્તાનમાંથી તો જુદા જુદા સમયે બે રાષ્ટ્ર પ્રમુખોએ જુદા જુદા કારણે દેશ છોડીને ભાગવું પડ્યું હોવાનો ઈતિહાસ છે.
ઈથોપિયાના મેંગિત્સુ હેલિયમે બબ્બેે દાયકા સુધી શાસન કર્યું, અને દેશમાં નરસંહાર થતો રહ્યો, પરંતુ અંતે ૧૯૯૧માં દેશ છોડીને ભાગવુ પડ્યું, તેવો જ ઈતિહાસ ઈક્વાડોરના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્ગે જમીલ માહોદનો છે. તાજેતરના વર્ષોમાં વર્ષ ૨૦૨૨માં જનક્રાંતિ પછી શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડીને સેનાના હેલિકોપ્ટરમાં ભાગી જવું પડ્યું, તો સિરિયાના ઘાતકી તાનાશાહને ગયા વર્ષે જ દેશ છોડીને રશિયા ભાગવું પડ્યું. શેખ હસીનાનો તાજો જ દાખલો છે, જેને વિદ્રોહ પછી ભારતમાં આશ્રય લેવો પડ્યો છે., આ બધા દૃષ્ટાંતો એવા છે કે જે પ્રવર્તમાન શાસકો, તાનાશાહો અને સરમુખત્યારો જ નહીં, પરંતુ નેપાળના વડાપ્રધાનની જેમ લોકતંત્રના ઓઠા હેઠળ મનઘડંત રીતે શાસન કરતા હોય, તેવા શાસકો માટે પણ બોધપાઠરૂપ અને ચેતવા જેવા છે.
પાકિસ્તાન જેવા કેટલાક દેશોમાં તો રિમોટ કંટ્રોલથી સેના, જાસૂસી એજન્સીઓ કે પછી આતંકવાદીઓનું શાસન ચાલતું હોય છે, આ પ્રકારના દેશોમાં પણ શાસકોનો અંજામ ઘણો જ ખરાબ રીતે આવ્યો હોવાનો વર્તમાન ઈતિહાસ આપણી સામે જ છે. પાકિસ્તાનના જે સેનાધ્યક્ષોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા હસ્તગત કરીને મનસ્વી રીતે શાસન કર્યુું અને જે ચૂંટાયેલી સરકારોના વડાપ્રધાનોએ આઈ.એસ.આઈ. અને સૈન્યના ઈશારે નાચીને, અને આતંકવાદને પોષણ આપીને પોતાના સત્તાકાળ દરમ્યાન સરમુખત્યારશાહી વલણ અપનાવ્યું, તે બધાની અંતે બુરી હાલત થઈ ગઈ હતી, તે દુનિયાના દેશોના પ્રવર્તમાન લોકતાંત્રિક દેશોના વડાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
નેપાળમાં હાલતુરત તો ત્યાંની સેનાએ નિયંત્રણ સંભાળી લીધું છે અને વચગાળાની સરકારની વાતો ચાલી રહી છે. બાંગલાદેશમાં પણ ત્યાંની સેનાએ હસ્તક્ષેપ કરીને વચગાળાની સરકાર રચી છે. પાકિસ્તાનના સેનાધ્યક્ષને ટ્રમ્પ ડાયરેક્ટ બોલાવીને પાક.ના વડાપ્રધાનને સાઈડલાઈન કરે છે. મ્યાનમારમાં પણ દેશ સેનાના હવાલે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની પૃષ્ઠભૂમિ પણ સૈન્ય સાથે સંકળાયેલી છે, તેથી ક્યાંક એવું તો નથી ને કે અમેરિકા નાના-નાના દેશોમાં ઉથલ-પાથલ કરીને ત્યાંના સેનાધ્યક્ષોના માધ્યમથી પોતાનો ઉલ્ટુ સીધા કરવાના કાવતરાં કરી રહ્યું હોય ? નેપાળના જેન-ઝેડ આંદોલનના પ્રણેતા કોણ છે ? તેના જવાબો શોધવા પડે તેમ છે, પરંતુ બિલાડીના ગળે ડંકો બાંધે કોણ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial