Advertisement
Author: નોબત સમાચાર

સંસદના ચોમાસું સત્રમાં માત્ર ૩૮% જ કામ થયું: જનતાના રૂપિયા ૨૦૪ કરોડ સ્વાહા...

વિપક્ષોએ હોબાળો કર્યો અને સરકાર સંસદ ચલાવી ન શકીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૨: સંસદનો હોબાળો પ્રજાનાં ૨૦૪ કરોડ ભરખી ગયો છે. પ્રજાના સેવકોએ પૂરા થયેલા ચોમાસું સત્રમાં ગૃહ માથે લીધું હતું. તેથી લોકસભામાં ૧૩૦ કલાકને બદલે માત્ર ૩૭ કલાક જ કામ થયુ. રાજયસભામાં ૧૨૦ કલાકને બદલે ૪૭ કલાક જ કામકાજ થયું હતું. લોકસભા માટે ૧૨૪.૫૦ કરોડ અને રાજયસભા માટે ૮૦ કરોડનો ખર્ચ થતા એકંદરે લોકોના રૂ. ૨૦૪ કરોડ સ્વાહા થઈ ગયા છે.

સંસદના ચોમાસું સત્રમાં લોકસભામાં જે સાંસદોએ ૧૨૦ કલાકો દેશના હિત માટે ચર્ચા કરવાની હતી ત્યાં માત્ર ૩૭ કલાકો જ કામ થયું છે અને ૮૩ કલાકો વ્યર્થ ગયા છે. એનો અર્થ એ થયો કે માત્ર ૩૧% જ કામ થયું છે. અને બાકી ૬૯% સમય મારી સત્તા - તારી સત્તા એમ કરીને માત્ર હોબાળો કરવામાં કાઢી નાખ્યો છે અને આવું જ કંઈક રાજ્યસભામાં પણ થયું છે. જ્યાં ૧૨૦ કલાક કામના નામે માત્ર ૪૭ કલાક કામ કરીને સનદોએ તેમના હિતમાં દેખાવ પ્રદર્શન કરીને સામાન્ય નાગરિક કલ્યાણના ૭૩ કલાકો બરબાદ કર્યા છે એટલે કે માત્ર ૩૮% જેટલું જ કામ કર્યું છે.

લોકસભામાં ૮૩ કલાક સુધી કોઈ કામ થયું નહીં. એટલે કે જનતાના ૧૨૪ કરોડ ૫૦ લાખ રૂપિયા વેડફાયા. રાજ્યસભામાં ૭૩ કલાક વેડફાયા એટલે ૮૦ કરોડ રૂપિયા. એટલે કે બંને ગૃહોમાં મળીને કુલ ૨૦૪ કરોડ ૫૦ લાખ રૂપિયા વેડફાયા.

તા.૨૪ જુલાઈએ લોકસભા ૧૨ મિનિટ ચાલી. ૧ ઓગસ્ટે લોકસભા ૧૨ મિનિટ ચાલી. ૨૩ જુલાઈએ લોકસભા ૧૮ મિનિટ ચાલી. ૪ ઓગસ્ટે લોકસભા ૨૪ મિનિટમાં મુલતવી રાખવી પડી. ૨૧ દિવસમાં ૫ દિવસ લોકસભા ફક્ત ૧ કલાક કે તેથી વધુ સમય માટે ચાલી. જ્યાં સાંસદો એક કલાક બેસીને કામ કરી શકતા નથી. જનતા તેમને ૫-૫ વર્ષની જવાબદારી આપીને મોકલે છે.

આઝાદી પછીના વર્ષોમાં સંસદ વધુ વારંવાર ચાલતી હતી. ધીમે ધીમે રાજકારણ વધ્યું. હોબાળો વધ્યો. ચર્ચા ઓછી થઈ. ભારતની પહેલી લોકસભા ૧૪ સત્રોમાં ૩૭૮૪ કલાક ચાલી. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો ૧૯૭૪ સુધી દરેક લોકસભા કાર્યકાળમાં સતત બેઠકોની સંખ્યા ૧૦૦ થી વધુ હતી. ૧૯૭૪ પછી ૨૦૧૧ સુધી ફક્ત ૫ વાર એવું બન્યું કે ગૃહમાં બેઠકોની સંખ્યા ૧૦૦ ને વટાવી ગઈ. પહેલી લોકસભામાં ૩૩૩ બિલ પાસ થયા. ૧૭મી લોકસભામાં એટલે કે છેલ્લી લોકસભામાં ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન કુલ ૨૨૨ બિલ પાસ થયા. આ વખતે સંસદમાં હોબાળા વચ્ચે જનતા માટે મહત્ત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા છે પરંતુ વિપક્ષ સાથે આ બિલ અંગે ચર્ચા કરવામાં આવી નાથી.

સંસદમાં બેઠેલા ૯૩% સાંસદો કરોડપતિ છે. તેમને હાલમાં દર મહિને ૧,૨૪,૦૦૦ રૂપિયા પગાર મળે છે. મતવિસ્તાર ભથ્થું ૮૪,૦૦૦ રૂપિયા છે. સાંસદોનું દૈનિક ભથ્થું ૨૫૦૦ રૂપિયા છે. પગાર ભથ્થા સહિત દરેક સાંસદને જાહેર નાણાંમાંથી દર મહિને ૨,૫૪,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. ખરેખર તો સંસદનો જેટલો સમય આ રીતે વેડફાય તેની કમ સે કમ ટોકન વસુલાત સાંસદોના પગાર ભથ્થામાંથી કરવી જોઈએ. તેવા લોક-પ્રત્યાઘાતો સંભળાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh