Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનએસયુઆઈ- યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલને તાળાબંધીઃ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાનઃ પોલીસ સાથે ઘર્ષણઃ ટીંગાટોળી સાથે અટકાયતઃ
અમદાવાદ તા. ૨૧: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા અને ગઈકાલે થયેલી તોડફોડ પછી ૫૦૦ સામે ફરિયાદ નોંધાઈ છે. તો આજે વિશ્વ હિન્દુ પરિષદે મણીનગર અને આજુબાજુના વિસ્તારોમાં બંધનું એલાન આપ્યુ છે, જયારે યુથ કોંગ્રેસ તથા એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીના એલાન સાથે ભાજપ સરકાર વિરોધી નારેબાજી કરી હતી. પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે આંદોલનકારીઓની ટીંંગા ટોળી કરી અટકાયત કરી હતી.
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી ૨૦ ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો. આજે પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો સાથે ધંધા-વેપાર બંધ રાખી આંદોલનની જાહેરાત કરી હતી. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી ૫૦૦ મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધના એલાનને સવારથી જ પ્રતિસાદ મળી રહૃાો છે. કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. તો મણીનગર, ખોખરા, ઇસનપુર વિસ્તારની ૨૦૦ જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગતરોજ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે ૫૦૦થી વધુના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલ આ ફરિયાદ નોંધાવી છે. સ્કૂલમાં ટોળાએ આવીને ઓફિસ, ક્લાસ રૂમ, સ્કૂલ બસના કાચ તોડી, એલ.સી.ડી, કોમ્પ્યુટર તોડીને ૧૫ લાખનું નુકસાન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ ટોળાએ સ્કૂલમાં રહેલ સ્ટાફ સાથે મારામારી કરી હતી. પોલીસની હાજરીમાં ટોળાએ તોડફોડ કરી હતી. ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, નુકસાન પહોચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરાઈ છે, ત્યારે હત્યાર કરનાર વિદ્યાર્થીને મદદ કરનાર અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાને આધારે અટકાયત કરાઈ છે. હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે. આ મામલે પરિવારે આક્ષેપ કર્યો છે, કે, બાળક ઈજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલે એમ્બ્યુલન્સ બોલાવાઈ ન હતી. આ ઉપરાંત પાણીનું ટેન્કર બોલાવી સ્ટૂડન્ટના લોહીના ડાઘા દૂર કરી પુરાવાનો નાશ કર્યો છે.
મણીનગર હીરાભાઈ ટાવર પાસે તમામ દુકાનોને બંધ કરાવવામાં આવી છે. બાઈકો સાથે રેલી કાઢી અને તમામ દુકાનોને બંધ કરાવવામાં આવી રહી હોવાનુ જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓ એનએસયુઆઈ સાથે વિરોધમાં જોડાયા છે. ૩૦૦થી વધુ કાર્યકરો દોડતા સ્કૂલે પહોંચ્યા છે. પોલીસે દંડાથી બળપ્રયોગ કરી તમામને અટકાવ્યા છે. પોલીસની ૩ બસમાં કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી છે. પોલીસ અને ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા છે. પોલીસે કાર્યકરોને પકડી-પકડીને બસમાં બેસાડયા હતાં. આસપાસના લોકોનું ટોળું મોટી સંખ્યામાં સ્કૂલ પર ભેગું થયું છે. પોલીસે ગઈકાલ જેવી ઘટના ન બને તે માટે તમામ લોકોને લાઠી બતાવી દૂર કર્યા છે.
પોલીસ તપાસમાં સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. જાણવા મળ્યું છે કે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ન હતી. એટલું જ નહીં, પરંતુ ઘટનાસ્થળેથી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો હતો. વિદ્યાર્થીના લોહીના ડાઘા દૂર કરવા માટે પાણીનું ટેન્કર બોલાવી સફાઈ કરવામાં આવી હતી, જે એક ગંભીર ગુનો ગણી શકાય છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે,, અમદાવાદમાં ધોરણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય ૭-૮ વિદ્યાર્થીઓ સાથે મળીને ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ ૭-૮ અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું હતું.
અમદાવાદ શહેર ડીઈઓએ શિક્ષણ વિભાગને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ઘટનાની જાણ સ્કૂલ દ્વારા ડીઈઓને સાંજ સુધી કરવામા આવી ન હતી. ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલને નોટિસ આપી ખુલાસો માંગવામા આવ્યો હતો પરંતુ આજ સુધીમાં સ્કૂલે ઘટનાને કોઈ ખુલાસો કે જવાબ પણ રજૂ કર્યો નથી. સ્કૂલમાં મુલાકાત દરમિયાન હાજર પોલીસ અધિકારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓથી માંડી સ્થાનિક રહીશો સાથે ચર્ચા કર્યા બાદ ઘ્યાને આવ્યુ છે કે વિદ્યાર્થીને પ્રાથણિક સારવાર આપવામાં ખૂબ જ વિલંબ કરાયો હતો. સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં પણ શાળાએ ગંભીર ઉદાસીનતા દાખવી હતી.
અન્ય વાલીઓના જણાવ્યા મુજબ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે અનેકવાર વિગ્રહના બનાવો બન્યા છે. પરંતુ સ્કૂલ આચાર્ય-સંચાલકે આ અંગે કરવાપાત્ર કાર્યવાહી પણ કરી નથી કે ડીઈઓ કચેરીને જાણ પણ કરી નથી. જ્યારે આજે સ્થાનિક રહીશો-વાલીઓના જનાક્રોશ-તોડફોડને લીધે સ્કૂલ સંચાલક, શિક્ષકો, સ્ટાફ સહિત તમામ લોકો સ્કૂલ છોડી ભાગી ગયા હતા અને જેને પગલે કોઈના રૂબરૂ નિવેદન લઈ શકાયા ન હતા. જો કે બીજી બાજુ વારવાંર ટેલિફોનિક સંપર્ક કરવા છતાં પણ આચાર્યનો સંપર્ક થઈ શક્યો ન હતો.
આમ શહેર ડીઈઓના રિપોર્ટ મુજબ સ્કૂલની અને સંચાલકની ગંભીર બેદરકારી આ સમગ્ર ઘટનામાં સામે આવી છે.જેથી મળતી માહિતી મુજબ હવે ડીઈઓ દ્વારા સ્કૂલની આઈએસસીઈ માટે અપાયેલ એનઓસી રદ કરવા માટે પણ ભલામણ કરવામા આવશે અને આ સ્કૂલમાં ધો.૧૧-૧૨ ગુજરાત બોર્ડમાં ચાલે છે જેથી ધો.૧૧-૧૨ની માન્યતા રદ કરવા-વર્ગો બંધ કરવા માટે પણ ગુજરાત બોર્ડને ભલામણ કરાશે.
અમદાવાદ શહેર ડીઈઓના પ્રાથમિક તપાસ અહેવાલ અને ગંભીર બેદરકારીના તારણ બાદ હવે સરકાર આ સ્કૂલની એનઓસી રદ કરે તેવી માંગણી ઉઠી રહી છે. જ્યારે બીજી બાજુ આ ઘટના પછી અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરીને સ્કૂલમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી પગલા લેવા તેમજ સ્કૂલમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ કરાયો છે. સમિતિમાં આચાર્ય, શિક્ષક તેમજ વિદ્યાર્થીને સભ્ય રાખવાના રહેશે. સમિતિએ સ્કૂલ કેમ્પસમાં, રિશેષ સમયે તેમજ મેદાનમાં અને સ્કૂલમાં આવવા-જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial