Advertisement
Author: નોબત સમાચાર

દેશની સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતોના ચૂકાદાઓ રાહ ચીંધે છે...

કુદરત કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ... કાનૂન કે હાથ લંબે હૈ...

                                                                                                                                                                                                      

જેવી રીતે કહેવાય છે કે, કુદરત કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ, તેવી જ રીતે એવું પણ કહેવાય છે કે, કાયદાના હાથ લાંબા છે, આપણા દેશની ન્યાયતંત્ર પરત્વે ગોઠોવાયેલી વ્યવસ્થાઓ પર લોકોને સરકારો અને તંત્રો કરતા વધુ ભરોસો હોવાનું લાગે, પરંતુ સિક્કાની બીજી બાજુની જેમ આપણાં દેશમાં ન્યાય મેળવવામાં થતા વિલંબના સંદર્ભે 'તારીખ પે તારીખ... તારીખ પે તારીખ' જેવા ફિલ્મી ડાયલોગ્સ તથા ન્યાયમાં વિલંબ થાય, તે ન્યાય આપવાનો ઈન્કાર કરવા સમાન છે, તેવા મતલબની અંગ્રેજી કહેવત પણ ઘણી જ પ્રચલીત છે, જો કે, હવે ઝડપી, સરળ અને સસ્તો ન્યાય મળતો થાય, તે માટે સાર્વત્રિક રીતે વિવિધ ઉપાયો પણ થઈ રહ્યા છે, અને આ પ્રકારની જનજાગૃતિ પણ વધી રહી છે. આપણે એવા કેટલાક અદાલતી યુક્તિઓની ચર્ચા કરીએ, જેમાં અદાલતોએ સિમાચિન્હરૂપ, દૂરોગામી અને સર્વજન હિતાય, સર્વજન સુખાય ચૂકાદાઓ આપણાં દેશના બંધારણ, નવા-જુના કાયદાઓ તથા કુદરતી ન્યાયના સિદ્ધાંતની સાથે સાથે વાસ્તવલક્ષી પાસાઓને લક્ષ્યમાં લઈને આપ્યા છે.

માત્ર એફ.આઈ.આર.ના આધારે કોઈની નિમણૂક થઈ શકે ખરી?

ફેબ્રુઆરી ર૦ર૬ માં ગુજરાત હાઈકોર્ટે આ પ્રકારનો એક દૂરોગામી ચૂકાદો આપ્યો હતો. વર્ષ ર૦ર૬ માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા એક વ્યક્તિની નિમણૂક થઈ, પરંતુ વર્ષ ર૦૧૮ માં ધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એફ.આઈ.આર.ના આધારે તેની નિયુક્તિ રદ્ કરાઈ. મારામારી અને ધાક-ધમકી, ગેરકાનૂની રીતે ગૃહપ્રવેશ વગેરેની કલમો ધરાવતી એફ.આઈ.આર. સમન્વય પીઠ દ્વારા વર્ષ ર૦ર૩ માં રદ્ થઈ ગઈ હતી, તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા આ નિમણૂક રદ્ કરાઈ હતી, જે આદેશને અજદારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

વર્ષ ર૦ર૩ ના ઓક્ટોબરમાં આ અરજી થઈ હતી અને તેની તબક્કાવાર સુનાવણી થઈ હતી. આ દરમિયાન રાજ્ય તરફથી દલીલ રજૂ થઈ કે પોલીસદળમાં નિમણૂક માટે ઉચ્ચકક્ષાની પ્રામાણિક્તા અને શિસ્ત અપેક્ષિત છે. માત્ર પસંદગી થઈ જાય. એટલું જ જરૂરી નથી, પરંતુ ચારિત્ર્ય પ્રમાણપત્ર તથા નોંધાઈને રદ્ થયેલી એફ.આઈ.આર.ને લક્ષ્યમાં લઈને ડિસ્ક્રેશનરી પાવર્સ એટલે કે વિવેકાધિકારનો પ્રયોગ કરીને પોલીસ તંત્રે આ નિર્ણય લીધો હતો.

અદાલતે કહ્યું કે, નિમણૂક કરનારને પોતાના ડિસ્ક્રેશનરી પાવર્સનો પ્રયોગ કરવાનો પૂરેપૂરો અધિકાર છે, પરંતુ તેનો પ્રયોગ પણ વાસ્તવિક્તા અને યોગ્ય કારણોના આધારે જ થવો જોઈએ. ગંભીર પ્રકારના જઘન્ય અપરાધો કે શંકાના આધારે આવી નિમણૂક રદ્ થઈ શકે, પરંતુ નાની-મોટી ફરિયાદો કે સાધારણ ઝઘડા જેવા મામલાઓમાં સંતીલિત અને સમુચિત વિચાર અથવા દૃષ્ટિકોણ અપનાવવો આવશ્યક છે.

બીજી મહત્ત્વની વાત એ હતી કે જે વાંધો લેવાયો હતો તે કલમોનું અસ્તિતવ જ રહ્યું નહોતું, કારણે એફ.આઈ.આર. તો આ આદેશ થયો, તે પહેલા જ રદ્ થઈ ગઈ હતી, અને આરોપો પણ સાધારણ પ્રકૃતિના હતાં, તેથી આ નિયુક્તિ રદ્ કરવાનો નિર્ણય ત્રુટિભર્યો હતો.

અદાલતે કહ્યું કે, 'જો માત્ર કોઈ એફ.આઈ.આર. નોંધાઈ હોય, કે અપરાધિક મામલો પેન્ડીંગ હોય, અને તેને પાછળથી રદ્ કરી દેવાય, તો તેના આધારે યોગ્ય પ્રક્રિયાથી નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારની નિમણૂક ન થાય, તો કોઈપણ દુર્ભાવનાથી પીડાતી કે દ્વેષી વ્યક્તિ કોઈપણ વ્યક્તિ સામે એફ.આઈ.આર. નોંધાવીને તેમના (ઉમેદવારના) અધિકારો છીનવી શકે છે. માત્ર અપરાધિક મામલો પેન્ડીંગ હોવાના કારણે કોઈ ઉમેદવારને નિમણૂકથી વંચિત રાખી શકાય નહીં. નિમણુક આપતી સત્તા (ભરતી બોર્ડ) એ દરેક મામલાની સ્વતંત્ર અને વસ્તુનિષ્ટ મુલ્યાંકન કરીને જ અંતિમ નિર્ણય લેવો જોઈએ.'

આ કેસમાં અદાલતે મુખય મુદ્દો એ રાખ્યો કે એફ.આઈ.આર. રદ્ થઈ ગયા પછી પણ કોઈ વ્યક્તિને (ઉમેદવારને) તેમના સાર્વજનિક રોજગારથી વંચિત રાખી શકાય ખરો?

આ પછી હાઈકોર્ટે ઓક્ટોબર ર૦ર૩ ના નિમણૂક રદ્ કરવાના ભરતી બોર્ડના આદેશને રદ્ કરી દીધો અને આ મામલામાં પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો અને નવો નિર્ણય લેવાય તેમાં મેડિકલ ફિટનેશ કે અન્ય આવશ્યક શરતો હોય, તે ઉમેદવારને પણ બંધનકર્તા રહેશે તેવું ઠરાવ્યું.

ગુજરાત હાઈકોર્ટનો આ ચૂકાદો નાની-નાની કાનૂની કાર્યવાહીના કારણે સરકારી નોકરીથી વંચિત રહી જતા કે દ્વેષભાવનાથી થતી કાનૂની કાર્યવાહીથી પીડિત રોજગારવાંચ્છુઓને તો કાનૂન સંરક્ષણ આપે જ છે સો સાથે ભરતીબોર્ડો અને સત્તામંડળોને પણ તમામ પાસાઓને વિચારણામાં લઈને કોઈના હક્કો છીનવાઈ ન જાય, તેવા નિર્ણયો લેવાની શીખ આપે છે.

આ કેસમાં પસંદગી પામેલા એ જવાનની 'મન હોય તો માળવે જવાય'ની દૃઢતા પણ પ્રતિપાદિત થઈ છે, અને નાની-મોટી તકરારો હોય કે ઉશ્કેરાટમાં આવીને થઈ ગયેલી ભૂલ હોય, તે ક્યારેક ગોલ્ડન ચાન્સ (ઉજળી તકો) ને પણ અવરોધી શકે છે, તેવી શીખ પણ જેન ઝેડ (યુવાઓ) ને આપે છે.

હેટ સ્પીચના મામલે

સર્વોચ્ચ અદાલતની ટકોર

તાજેતરમાં જ હેટ સ્પીચના મામલે ગાઈડલાઈન્સ જાહેરકરવાની માગણી અંગે સુપ્રિમ કોર્ટે નેતાઓને મૌખિક ટિપ્પણી કરતા જે કાંઈ કહ્યું હતું, તે તમામ રાજનેતાઓએ પાાર્ટીલાઈનથી ઉપર ઊઠીને વિચારવા જેવું છે. અદાલતે કહ્યું હતું કે, દરેક રાજનેતાઓએ દેશમાં ભાઈચારો વધે તેવા પ્રયાસો કરવા જોઈએ. આ અરજી પીઆઈએલ હતી, પરંતુ વ્યક્તિગત રીતે નવ અરજદારો દ્વારા એક વ્યક્તિને ટાંકીને કરવામાં આવી હતી, તેથી નવેસરથી બીજી અરજી કરવાની છૂટ આપતા સુપ્રિમ કોર્ટે બે અઠવાડિયા પછી નવેસરથી સુનાવણી કરવાની તૈયારી પણ બતાવી હતી. આ ટકોર પછી દેશમાં હેટ સ્પીચના મુદ્દે તમામ રાજનેતાઓને એક એવી પરોક્ષ ગાઈડલાઈન મળી હતી, તે જો વાસ્તવમાં તમામ રાજનેતાઓ સ્વીકારી લ્યે, તો ઘણાં નિરર્થક વિવાદો ઊભા જ થતા અટકી જશે.

સર્વોચ્ચ અદાલતનો સુપ્રિમ પાવર

કોઈપણ દેશના ન્યાયતંત્રમાં દેશની સર્વોચ્ચ અદાલત પાસે સર્વોચ્ચ સત્તા એટલે કે સુપ્રિમ પાવર હોય છે, જો કે સર્વોચ્ચ અદાલત પણ જે-તે દેશના લિખિત કે પછી અલિખિત બંધારણ (બ્રિટનની જેમ) પર આધારિત હોય છે, એટલે કે દેશના બંધારણ અને તેમાં થયેલા સુધારાઓને અનુરૂપ સુપ્રિમ કોર્ટે નિર્ણયો લેવા પડતા હોય છે. જો સંસદ પણ બંધારણના મૂળભૂત હાર્દની વિરૂદ્ધમાં કોઈ સુધારા કરે તો તેને રદ્ કરવાની સત્તા પણ આપણા દેશની સર્વોચ્ચ અદાલતને છે.

તાજેતરના દૃષ્ટાંતો

તાજેતરના દૃષ્ટાંતો જોતા આપણાં દેશમાં સુપ્રિમ કોર્ટ બંધારણીય જોગવાઈઓને અનુરૂપ કામ નહીં કરતી સરકારો તથા અન્ય બંધારણીય સંસ્થાઓને પણ દિશાનિર્દેશનો આપી શકે છે અને લીધા નિર્ણયો રદ્ પણ કરી શકે છે. ટૂંકમાં ન્યાયતંત્ર દેશની તકરારો અને વિચારો માટે જ નહીં, પણ દેશના બંધારણ અને લોકતંત્ર તથા લોકતાંત્રિક પ્રક્રિયાની પણ રક્ષક છે. તાજેતરમાં એસઆઈઆરના મુદ્દે પ. બંગાળમાં રાજ્ય સરકાર અને ચૂંટણી પંચના વિવાદનો હસ્તક્ષેપ, જમીન સંપાદનના મુદ્દે ટિપ્પણી, સમાજના અધિકારના કેસમાં ફેંસલો, હેટસ્પીચના મુદ્દે કડક વલણ વિગેરે દૃષ્ટાંતો આપણી સુપ્રિમ કોર્ટની તટસ્થતા, પારદર્શક્તા, ચોક્કસાઈ અને ન્યાયસંગત સર્વોપરિતા મુજબ કરે છે.

એક ભારતીય મૂળના વકીલે કરી કમાલ!

દુનિયાને ધંધે લગાડનાર રાષ્ટ્રપતિ ટ્રમ્પને ત્યાંની સુપ્રિમ કોર્ટે દેખાડ્યું દર્પણઃ હવે શું થશે?

છેલ્લા કેટલાક મહિનાઓથી મનસ્વીપણે ટેરિફ ઝીંકીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખી દુનિયાને ધંધે લગાડી દીધી હતી અને ભારત સહિત અનેક દેશોનો વ્યાપાર ખોરંભે પડી જાય કે અટવાઈ જાય, તેવી સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ ટ્રમ્પને આ પ્રકારે ટેરિફ ઝીંકવાનો અધિકાર જ નથી, અને માત્ર ત્યાંની સંસદ (કોંગ્રેસ) ને જ આવો અધિકાર છે, તેવો ચૂકાદો આપીને અમેરિકાની સુપ્રિમકોર્ટે ટ્રમ્પને દર્પણ દેખાડી દીધા પછી જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે અને ટ્રમ્પનું વલણ હાથીના દાંત જેવું છે, તે પણ આખી દુનિયા જાણી જ ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કટોકટીની વિશેષ સત્તાઓનો આ રીતે દુરૂપયોગ કર્યો, તે ગેરબંધારણીય ઠરાવાયા પછી પણ જે અન્ય જોગવાઈ હેઠળ ટ્રમ્પે ૧૦ ટકા ગ્લોબલ ટેક્સ લગાડ્યો છે, તે પણ મર્યાદિત સમય માટે જ છે, કારણ કે રાષ્ટ્રપતિએ ચોક્કસ મુદ્ત પછી આ માટે પણ ત્યાંની સંસદની મંજુરી તો લેવી જ પડે તેમ છે.

ભારતીય મૂળના વકીલ નીલ કાત્યાનની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને ત્યાંની સુપ્રિમ કોર્ટે આ નિર્ણય (ચૂકાદો) આપ્યો હોવાથી એક તરફ તો ભારતીય સમુદાય માટે ગૌરવની વાત છે, પરંતુ બીજી તરફ તૂંડમિજાજી ટ્રમ્પની ભારત અને ભારતીયો પ્રત્યેનો પૂર્વગ્રહ (પ્રેજ્યુડીસ) વધી તો નહીં જાય ને? તેવી આશંકાઓ પણ ઊઠી રહી છે. જોઈએ, શું થાય છે તે...

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh