કુશાગ્ર બુદ્ધિશાળી ગણપતિજી

                                                                                                                                                                                                      

શ્રી ગણપતિજી દેવાધીદેવ મહાદેવજી અને પાર્વતિજીનાં અતિ પ્યારા પુત્ર છે. તેવી જ રીતે ગણપતિજીને પણ તેમનાં માતા-પિતા પર અત્યંત સ્નેહ છે. એવા અનેક દાખલાઓ પુરાણોમાં જોવા મળે છે કે, જેમાંથી તેમની માતૃભક્તિ અને પિતૃભક્તિનાં દર્શન થાય છે. તો વળી કેટલીક જગ્યાએ તેમની કુશાગ્ર બુધ્ધિ અને વિરતાનાં પણ દર્શન થાય છે. જગતને સદ્બુધ્ધિ આપનારા દેવ શ્રી ગણપતિજી કુશાગ્ર બુધ્ધિવાળા દેવ હોય તો તે સ્વાભાવિક જ છે.

એક સમયની વાત છે.  ભગવાન શિવજીએ એક મહાયજ્ઞ કરવાનો વિચાર કર્યો. યજ્ઞનો દિવસ અચાનક જ નક્કી થયેલો અને વળી એક દિવસનો જ ગાળો રહેતો હતો. એ એક દિવસના ગાળામાં બધા જ દેવતાઓને યજ્ઞમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવાનું હતું. એ કામગીરી શ્રી ગણપતિજીને સોંપવામાં આવી. શ્રી ગણપતિજી વિચાર કરવા લાગ્યા, એક તો મારું ભારે વજન વાળું શરીર ઉપરથી મારું ધીરે ધીરે ચાલનારું વાહન ઉંદર. બધાય દેવોને આમંત્રણ આપવામાં હું ક્યારે પહોચી વળીશ. વળી, જો આમંત્રણ આપવામાં જરા પણ ક્યાંય કચાશ રહી જશે તો પિતાજી પણ મારા ઉપર નારાજ થશે માટે દેવતાઓને વહેલી તકે આમંત્રણ પહોચી જાય અને પિતાજી મારા પર રાજી પણ રહે તેવો કોઈ સહેલો ઉપાય હું શોધી કાઢું. "

આમને આમ વિચાર કરતાં તેમને એક ઉપાય સુઝી આવ્યો. તેમણે પોતાના પિતાજી એવા મહાદેવજીને પહેલાં ત્રણ પ્રદિક્ષણ કરી પછી બે હાથ જોડી અને પિતાજી પાસે ઊભા રહ્યા અને પ્રાર્થના કરતાં કહ્યું, " હે દેવતાઓ, મારા પિતાજી શિવજીએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું છે. આ મહાયજ્ઞોમાં આપ સૌને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. માટે આપ સૌ આ યજ્ઞમાં ઉપસ્થિત રહી અને યજ્ઞને દિપાવજો. "

આમ કહી, પગે લાગી લીધું. આ જોઈ માતા પાર્વતિજીએ કહ્યું , "બેટા ગણેશ, તને તો બધા દેવતાઓ પાસે જઈ આ યજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આવા કહ્યું હતું અને તે અહીં તારા પિતાજી પાસે જ બધા દેવોને શા માટે આમંત્રણ આપી દીધું ? આ સાંભળી અને ગણપતિજી વિનય સાથે માતા પાર્વતિને કહેવા લાગ્યા, " માં ... માં ... તમે તો જાણો છે કે, મારા પિતા શિવજીમાં જ બધાય દેવો સમાયેલા છે એટલે જ તો તેમને મહાદેવ કહેવાય છે. માટે જ મેં મારા પિતાજીમાં સમાયેલા બધા જ દેવોને આમંત્રણ આપી દીધું અને તેમના દ્વારા બધાય દેવોને તે આમંત્રણ પણ મળી ગયું. "

આ જવાબ સાંભળી અને બુધ્ધિશાળી એવા ગણપતિજીને માતા પાર્વતિજીએ વ્હાલ કરી અને પોતાના ખોળામાં બેસાડી લીધા. એટલું જ નહીં પરંતુ શિવજીનાં યજ્ઞનું બધા દેવોને આમંત્રણ પણ મળી ગયું અને સૌ દેવતાઓ સમયસર શિવજીનાં એ યજ્ઞમાં પણ ઉપસ્થિત રહેલાં. આમ, શ્રી ગણપતિજીએ પોતાની કુશાગ્ર બુધ્ધિ વળે પિતાજીનું એક અગત્યનું કાર્ય સિધ્ધ કર્યું.

શ્રી ગણેશજી,  આપને નમસ્કાર કરું છું. આપ સર્વ  વિઘ્નોની શાંતિ કરવાવાળા, ઉમા માટે આનંદદાયક તથા પરમ બુધ્ધિમાન છો. આપ ભવસાગરથી મારો ઉધ્ધાર કરો. વિઘ્નરાજ આપ ભગવાન શંકરને આનંદ આપનારા, તમારું ધ્યાન કરવાવાળાને જ્ઞાન અને વિજ્ઞાન આપનારા તથા સંપૂર્ણ દૈત્યોના એક માત્ર સંહારક આપને નમસ્કાર કરું છું. હે ગણપતિ સમે સૌને પ્રસન્નતા અને લક્ષ્મી આપવાવાળા સંપૂર્ણ યજ્ઞોના એક માત્ર રક્ષક તથા બધા જ મનોરથોને પૂર્ણ કરનારા હું પ્રેમ પૂર્વક તમને નમસ્કાર કરૂ છું.

નોંધઃ દરરોજ સવાર, બપોર, સાંજ ભકિત અને શ્રધ્ધા સાથે શ્રી ગણપતિજી પાસે પદ્મપૂરાણમાં આપવામાં આવેલી આ પ્રાર્થના કરવાથી સુખ - શાંતિ પ્રાપ્ત થાય છે.

- દેવેન કનકચંદ્ર વ્યાસ

સુખ - શાંતિ અર્થે શ્રી ગણેશ પ્રાર્થના

ગણાધિપ નમસ્તુભ્યં,

      સર્વ વિધ્ન પ્રશાન્તિદ.

ઉમાનન્દપ્રદ પ્રાજ્ઞ,

     ત્રાહિ મા ભવસાગરાત્.

હરાનન્દકર, ધ્યાન

        જ્ઞાનવિજ્ઞાનદ પ્રભો.

વિઘ્નરાજ નમસ્તુભ્યં,

           સર્વ દૈત્યૈકસુદન.

સર્વ પ્રીતીપ્રદ શ્રીદ,

          સર્વ યજ્ઞૈક રક્ષક.

સર્વાભીષ્ટપ્રદ પ્રીત્યા,

      નમામિ ત્વાં ગણાધિપ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh