Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સડક થી સંસદ સુધી સૌથી વધુ ચર્ચા ટ્રમ્પ ટેરિફની જ થઈ રહી છે. ગઈકાલે માલેગાંવ બ્લાસ્ટનો ચુકાદો આવ્યો અને તમામ આરોપીઓ નિર્દોષ છૂટ્યા, તે પછી ભાજપ દ્વારા ભૂતકાળમાં ભગવા આતંકવાદની વાત કરનારાઓ પર પ્રહારો કરાયા, તો અખિલેશ યાદવે એવી આશંકા વ્યક્ત કરી કે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના ચુકાદાનો ગોબેલ્સ પ્રચાર કરીને ટ્રમ્પ ટેરિફ નો મુદ્દો દબાવવાનો કારસો તો રચાયો નથી ને ? ટેરિફના મુદ્દે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું હતું કે "અબ બુરે દિન શુરૂ હો ગયે હૈ"...આવું કદાચ તેમણે ૧૧ વર્ષ પહેલા ગુંજેલા "અચ્છે દિન આને વાલે હૈ" ના નારાઓના સંદર્ભે જ કહ્યું હશે. જો કે, હાલ સુધી ભારત પર ટ્રમ્પ ટેરિફ ૭ ઓગષ્ટ સુધી ટળી ગયો હોવાના અહેવાલો પણ આવ્યા છે. ગઈકાલે વાણિજ્યમંત્રી પિયુશ ગોયલે સંસદમાં કહ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચે ચાર તબક્કાની વાતચીત થઈ ગઈ છે અને હજુ પણ વાટાઘાટો ચાલી રહી છે, તેને સાંકળીને એવો આશાવાદ પણ દર્શાવાઈ રહ્યો છે કે આ અઠવાડિયામાં આ મુદ્દે કોઈ સકારાત્મક ડીલ પણ થઈ શકે છે.
ટ્રમ્પે પાકિસ્તાન પર મહેરબાની વરસાવી છે, તે જોતા એમ પણ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે જંગી નાણાકીય સહાય અપાઈ, તે પણ ટ્રમ્પના ઈશારે જ થયું હશે. હવે તેમણે પાકિસ્તાનની સાથે "વ્યાપારિક" ડીલ તથા ઓઈલડીલ કરી છે, તેની પાછળ ટ્રમ્પના કોઈ અંગત હિતો સંકળાયેલા હોવાની વાતો પણ "ક્રિપ્ટો કરન્સી" ક્ષેત્રે કાર્યરત કંપનીને સાંકળીને વહેતી થઈ છે. જો કે, પાકિસ્તાન પરનું ટેરિફ ૧૦ ટકા ઘટાડ્યા પછી પણ ૧૯ ટકા રહ્યું છે, તેનો મતલબ એવો થાય કે ભારત પર જે ટેરિફ જાહેર કર્યું છે, તેના કરતા પણ ૪ ટકા વધુ ટેરિફ તો અમેરિકા પહેલેથી જ પાકિસ્તાન પાસેથી (૨૯ ટકા) વસુલ કરી જ રહ્યું હતું !
ટ્રમ્પે પાકિસ્તાનને ઓઈલડીલ ની લોલીપોપ પકડાવી છે, જેમાં પણ અમેરિકાનો જ ફાયદો છે અને તેલભંડારો નીકળે તો પણ તેનો મહત્તમ લાભ અમેરિકાને જ મળે તેવી ડીલ કરી હશે, પરંતુ આવું કરીને ભારત સરકારને ટ્રમ્પે "ઝટકે પે ઝટકા" લગાવ્યા છે. પાકિસ્તાનમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે, ટ્રમ્પના મૌખિક વાયદાઓ ભરોસાપાત્ર નથી અને અમેરિકા સાથે સંબંધો વધારવા જતા ચીનની મિત્રતા ગુમાવવી પડે નહીં, તે પાકિસ્તાનની શાહબાઝ સરકારે ધ્યાન રાખવું પડે તેમ છે. પાકિસ્તાનમાં મુનિર અને ટ્રમ્પ પોતાના અંગત હિતો માટે ઉંડી રમત રમી રહ્યા છે અને અંગત તથા પારિવારિક હિતો માટે થઈને રાષ્ટ્રીય હિતોનું બલિદાન આપી રહ્યા છે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
ટ્રમ્પ ટેરિફની ભારતીય શેરબજારમાં જેટલી આશંકા હતી તેટલી અસરો ગઈકાલે તો થઈ નહોતી, પરંતુ અમેરિકન ડોલર સામે રૂપિયો તૂટવા લાગ્યો હતો. ગઈકાલે સવારે ડોલરના ભાવ રૂ. ૮૭.૬૯ હતા સાંજ થતા થતા રૂ. ૮૭.૬૦ પર બંધ રહ્યા હતા, તે દરમ્યાન એક તબક્કે રૂ. ૮૭.૭૫ સુધીની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા. તજજ્ઞોના જણાવ્યા મુજબ ડોલર સામે રૂપિયો વધુ ૦.૧૮ ટકા તૂટ્યો હતો. રૂપિયાની આ પીછેહઠ ત્રણ વર્ષની સૌથી વધુ હતી અને વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર વધુ મજબૂત થયો હતો. નિષ્ણાતો ટ્રમ્પ ટેરિફ વાસ્તવમાં લાગુ થઈ જાય, તો રૂપિયો વધુ તૂટી શકે છે, અને ડોલર સામે ૯૦ રૂપિયાની નીચી સપાટીએ પહોંચી શકે છે, તેવી સંભાવના પણ દર્શાવી રહ્યા હતા.
જો કે, હવે એક અઠવાડિયાની મુદૃત વધી છે અને તે દરમ્યાન ટ્રેડડીલ થઈ પણ જાય, તેવો આશાવાદ હોવાથી આજે માર્કેટ બંધ થાય, ત્યાં સુધી કેવા કેવા ઉતાર ચઢાવ જોવા મળે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. મોદી સરકાર માટે આ સ્થિતિ સૌથી મોટો પડકાર છે અને સરકારને ઘેરવાનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો વિપક્ષોને હાથ લાગ્યો છે, ત્યારે સંસદમાં હોબાળો થતો જ રહેવાનો છે તેથી સરકાર બેકફૂટ પર હોય તેવી છાપ ઉપસી રહી છે.
ટ્રમ્પ ટેરિફની અસરો અંગે સામાન્ય જનતાને સીધી ખબર ન પડે, પરંતુ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોને સીધી અસરો થઈ શકે છે. જો એકાદ અઠવાડિયામાં ટ્રેડડીલ ફાયનલ ન થાય તો ભારતે અમેરિકાના વિકલ્પે અન્ય દેશોમાં નિકાસ વધારવી પડશે અને તે દિશામાં યુએઈ તથા બ્રિટનની જેમ અન્ય દેશો સાથે પણ નવા વ્યાપાર કરારો કરવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને રશિયા સાથે જ મૃતપ્રાયઃ (ડેડ) ગણાવ્યુ તેની સાથે ભારતની સરકાર જ નહીં, કોંગ્રેસ સહિતના વિપક્ષના કેટલાક નેતાઓએ પણ અસહમતિ દર્શાવી છે. જો કે, રાહુલ ગાંધીએ ટ્રમ્પના નિવેદનને સમર્થન મળે, તેવું નિવેદન કર્યું છે. ભારતનું અર્થતંત્ર હોય કે રશિયાનું અર્થતંત્ર હોય, તેને મૃત (મરેલુ) કહેવું એ ટ્રમ્પનો ઘમંડ અને અજ્ઞાનતા જ છે, કારણ કે ભારત અને રશિયાની સરખામણીમાં ટ્રમ્પનું ટપોરૃં પાકિસ્તાન તો તદૃન કંગાળ અર્થતંત્ર હોવાથી જ દુનિયાભરમાં કટોરો લઈને ફરે છે, તે પ્રકારના બિનરાજકીય ક્ષેત્રોમાંથી પણ પ્રત્યાઘાતો પડયા છે.
બીજ તરફ ૯૦ જેટલા દેશો પર ટેરિફ વધાર્યા પછી અમેરિકામાં મોંઘવારી ફાટી નીકળશે, અને ત્યાંના વિરાટકાય ઉદ્યોગો તથા વેપારક્ષેત્રને પણ નવા જ પડકારોનો સામનો કરવો પડશે, તેથી નજીકના ભવિષ્યમાં ટ્રમ્પને ઘરઆંગણે પણ વિરોધનો સામનો કરવો પડશે, તેવી આગાહી પણ ઈન્ટરનેશનલ કક્ષાના અર્થશાસ્ત્રીઓ કરી રહ્યા છે.
ભારતમાં ટ્રમ્પ ટેરિફનો મુદ્દો હજુ રાજકીયક્ષેત્રે જ ગુંજે છે, પરંતુ જો ટ્રેડડીલ નહીં થાય અને મોદી સરકારના દાવાઓ મુજબ વૈકલ્પિક માર્કેટ શોધવામાં વાર લગાડશે, તો તેની અસરો સામાન્ય જનતાને પણ થશે. બીજી તરફ ઘણાં લોકો એવું પણ કહે છે કે અમેરિકાએ મુકેલા પ્રતિબંધોની પરવાહ કર્યા વગર ભારતે રશિયા પાસેથી "વટ થી" સસ્તુ ઓઈલ (ક્રુડ) ખરીદ્યું અને યુદ્ધ સામગ્રી ખરીદવાનું પણ ચાલુ રાખ્યું , તેનો બદલો ટ્રમ્પ લઈ રહ્યા છે, અને તે સમયનો "વટ" અત્યારે બૂમરેંગ પૂરવાર થઈ રહ્યો છે.
એક દાયકા પહેલા જ્યારે બે-ત્રણ વર્ષ સુધી "અચ્છે દિન આને વાલે હૈ" નો નારો ગુંજતો હતો, અને આજે અખિલેશ યાદવે આપેલો "બૂરે દિન આ રહેે હૈ...બહુત બૂરે દિન આને વાલે હૈ" જેવા નારાઓ ગુંજ્વા લાગ્યા છે. હવે અમેરિકા-ભારત વચ્ચે નવી ટ્રેડડીલ થાય તો પણ ભારત અને ભારતીયો (વિદેશમાં વસતા દેશવાસીઓ સહિત)નું હિત જળવાઈ રહે અને ઘી ના ઠામમાં ઘી પડી રહે તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial