Advertisement
Author: નોબત સમાચાર

"ઝઘડે મિટાઓ...સત્તા બચાઓ" ચૂંટણીના ચાણક્યનો ચક્રવ્યૂહ...? ક્યાં ક્યાં વધી ચહલપહલ ?

                                                                                                                                                                                                      

કેટલાક સ્થળે પહેલા નોરતે જ વરસાદ પડ્યો, એટલું જ નહીં, વરસાદી પાણી ભરાઈ જતા પ્રથમ નોરતે ગરબે ન ઘુમી શકાયું , તેથી ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી, તો આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે, જો કે, દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે, જ્યારે હાલાર સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ પડ્યા પછી આજે પણ વાદળછાયુ વાતાવરણ છે, તેથી ખેતર-વાડીઓમાં ચિંતાજનક ચહલપહલ વધી રહી છે.

મેઘાવી માહોલની જેમ જ રાજકીય માહોલ પણ રાજ્ય અને દેશમાં છવાયો છે. હવે બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે અને તારીખો જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડી જાય, તે પહેલાં જ રાજ્ય-ક્ેન્દ્ર સરકારો દ્વારા બિહારમાં વિકાસ અને લોક-કલ્યાણના કામો ના લોકાર્પણો-ભૂમિપૂજન યોજીને ચૂંટણીલક્ષી ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો અને કેટલીક નવી યોજનાઓ તથા પ્રોજેકટોની જાહેરાત પણ કરી. કેટલીક માંગણીઓ તથા રજૂઆતો મુજબના લાભો આપવાની જાહેરાતો કરીને પગારદાર નોકરિયાત વર્ગો તથા ખેત મજુરો-કામદારોને ખુશ કરવાનો પણ પ્રયાસ કર્યો. બીજી તરફ એનડીએ માટે રહસ્યમય બની ગયેલા ચિરાગની ચહલપહલ પછી પ્રશાંત-પપ્પુની પિપુડી પણ જોરશોરથી વાગવા લાગી હોવાથી બિહારમાં હવે રાજકીય ઘમાસાણ વધુ તીવ્ર બનશે એ નક્કી છે.

આ તરફ ગુજરાતમાં પણ રાજકીય ચહલપહલ વધી ગઈ હોય તેમ જણાય છે. વિસાવદરમાં ભાજપને ઝટકો લાગ્યા પછી આમઆદમી પાર્ટીને હાઈકમાન્ડ ગંભીરતાથી લઈ રહ્યું હોય તેમ લાગે છે, જ્યારે કોંગ્રેસે જુનાગઢથી કરેલો રણટંકાર પણ ભાજપે અવગણ્યો નથી. ગુજરાતથી જ રાષ્ટ્રીયકક્ષાના સત્તાપરિવર્તનમાં વર્ષ ૨૦૨૭થી મંડાણ કરવાના વિપક્ષી ગઠબંધનના કોઈ ગુપ્ત રોડમેપની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે, તેથી જ કદાચ ભારતીય જનતા પક્ષનું હાઈકમાન્ડ પણ સતર્ક થઈ ગયું હોય, તેમ ચૂંટણીના ચાણક્ય મનાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને ગુજરાતની રાજકીય વ્યૂહરચના ગોઠવવાનું કામ સોંપાયુ હોય, તેવા સ્પષ્ટ સંકેતો પણ હવે મળવા લાગ્યા છે, કારણ કે અમિતભાઈ શાહે સરકારી કાર્યક્રમોના પ્રવાસો દરમ્યાન રાજકીય ગોઠવણો તથા જમીની "સેન્સ" મેળવવા માટે શ્રેણીબદ્ધ મિટિંગો ઉપરાંત વ્યક્તિગત મુલાકાતો કરવાનું પણ શરૂ કર્યું છે.

તાજું દૃષ્ટાંત તેઓની રાજકોટની મુલાકાતનું છે. રાજકોટની મુલાકાતે આમ તો અમિતભાઈ શાહ સહકાર ક્ષેત્રના કાર્યક્રમ માટે આવ્યા હતા, પરંતુ તેના નિયત કરેલા કાર્યક્રમમાં ફેરફાર કરીને સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીને સાથે રાખીને સરકીટ હાઉસમાં જે રીતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા-પરામર્શ કર્યો, તે જોતા અમિતભાઈ શાહને ભાજપના પ્રાદેશિક માળખામાં ચાલી રહેલા સખળ-ડખળને સમાપ્ત કરીને ભાજપના સંગઠન તથા સરકાર વચ્ચે તાલમેલ બેસાડીને આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે સાથે મળીને કામે લાગી જવા તૈયાર કરવાનું કામ હાઈકમાન્ડે સોંપ્યું હોય, તેમ જણાય છે.

અત્યારે તો ગુજરાતમાં મહાનગરપાલિકાઓ તથા મોટા ભાગની જિલ્લા પંચાયતોમાં ભાજપનો દબદબો છે, પરંતુ ભાજપમાં વધેલા જૂથવાદ, ટાંટિયાખેંચ અને ખૂલ્લેઆમ આંતરિક આક્ષેપોના કારણે આગામી ચૂંટણીમાં ભાજપને ભારે રાજકીય નુકસાન થાય અને વર્ષ ૨૦૧૫ના સમયગાળામાં થયું હતું તેમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વળતા પાણી થાય, તેવી સ્થિતિ ઊભી થઈ જતાં ડેમેજ કંટ્રોલ કરીને સંગઠન તથા રાજય સરકારમાં જરૂર પડ્યે ધરમૂળથી ફેરફાર કરીને પણ પૂર્વવત સ્થિતિ જળવાય, તે માટે ભાજપના ચાણક્ય દ્વારા ચહલપહલ શરૂ થઈ ગઈ હોવાના તારણો પણ રાજકીય પંડિતો કાઢી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપને ઢગલાબંધ મતો આપતા મતદારો પણ કંટાળી ગયા છે અને જનતા નિરાશા અનુભવી રહી છે, તેથી આ વખતે સત્તા હાથમાંથી સરકી જાય, તે પહેલાં ભાજપના હાઈકમાન્ડે થીગડ થાગડ કરવા માટે સોંપેલા "ઝઘડે મિટાઓ...સત્તા બચાઓ" જેવા મિશનમાં અમિતભાઈ કેટલા સફળ નિવડે છે, તે જોવું રહ્યું...

અમિતભાઈએ અચાનક જ કોઈપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ સંખ્યાબંધ સ્થાનિક નેતાઓ-કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમાં પણ હાંસિયામાં ધકેલાઈ ગયેલા ભાજપના સિનિયર અને જૂના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે પણ ગૂફતેગો કરી, તે જોતાં અમિતભાઈને ગુજરાતની મુલાકાતના પ્રારંભેજ જે ફિડબેક મળ્યા હશે, તેમાં ભાજપના અસંતુષ્ટ તથા નારાજ જૂના કાર્યકર્તાઓ-નેતાઓને સાથે લેવા અને નિરાશ થઈ ગયેલી જનતાને રિઝવવા માટેના ઉપયોગી સૂચનો પણ થયા જ હશે. ટૂંકમાં, ત્રણ દાયકાની એન્ટિ-ઈન્કમ્બન્સી તથા ધગધગતો અસંતોષના કારણે આગામી સમયમાં ભાજપને પરોઢના પગલાં ભરવા પડી શકે છે, તેવો અહેસાસ ઉચ્ચ નેતાગીરીને થઈ ગયો હોય તેમ જણાય છે.

આ વખતે કેન્દ્રીય-સહકાર મંત્રી તરીકે અમિતભાઈના સહકાર-કૃષિક્ષેત્રના કાર્યક્રમોની સાથે સાથે તેઓ પ્રદેશ ભાજપના કષ્ટભંજક તરીકે પણ કામ કરી રહ્યા હતા, તે જોતાં કદાચ પ્રદેશ ભાજપ તથા રાજ્ય સરકારમાં ટૂંક સમયમાં નવાજૂની થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અમિતભાઈએ કેટલાક નેતાઓ-કાર્યકર્તાઓ સાથે વ્યક્તિગત ધોરણે પરામર્શ કર્યો તથા સુસ્ત અને રાજકોટમાં કેટલીક બંધબારણે ચર્ચા કરી, તે પછી ગુજરાતની મંત્રીમંડળ તથા પ્રદેશ ભાજપમાં પણ અજંપો જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે દશેરા પછી કે દિવાળી પછી ગુજરાતના મંત્રીમંડળ તથા પ્રદેશ ભાજપમાં જબરદસ્ત ફેરફારો તોળાઈ રહ્યા છે, અને "કામરાજ" યોજનાની યાદ અપાવે, તેવી નવાજૂની થવાની જ છે, તેવી મજબૂત અટકળો થઈ રહી છે. જોઈએ, હવે આ બધું દિવાળી પહેલા થાય છે કે પછી...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh