Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લૂંટી લેવાયેલો મોબાઈલ, રોકડ તથા રિક્ષા કબજે કરી લેવાઈઃ
જામનગર તા. ૫: જામનગરના એસટી ડેપોમાં ગયા શનિવારે રાત્રે ઉતરેલા મૂળ ઉત્તરપ્રદેશના અને હાલમાં કાલાવડના ખંઢેરામાં મજૂરી કરતા એક યુવાનને સારી જગ્યાએ જમવા લઈ જવાનું કહી રિક્ષાચાલક તથા તેના સાગરિતે પ્રદર્શન મેદાનમાં અંધારામાં લઈ જઈ માર મારી મોબાઈલ તથા રોકડ લૂંટી લીધા હતા. આ ગુન્હાની તપાસમાં એલસીબીએ બે શખ્સને પકડી લઈ રોકડ, મોબાઈલ તથા રૂ. અડધા લાખની રિક્ષા સહિત રૂ. ૫૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોએ લૂંટ કર્યાની કબૂલાત કરી છે.
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લાના વતની નન્હેકુમાર બાબુલાલ રાજવર નામના યુવાન શનિવારે પોતાના વતનથી જામનગર આવવા માટે રવાના થયા પછી રાજકોટ આવી પહોંચ્યા હતા. જ્યાંથી એસટીમાં તેઓ જામનગર મોડીરાત્રે ઉતર્યા હતા.
ત્યાં તેઓએ રિક્ષામાં નીકળ્યા પછી રિક્ષાચાલકને સારૂ જમવાનું ક્યા મળશે તેમ પૂછતા રિક્ષાચાલક તેઓને જમવાનું સ્થળ શોધી આપવાનું કહી પોતાની સાથે અન્ય એક શખ્સને બેસાડી રવાના થયો હતો અને તે પછી પ્રદર્શન મેદાનમાં અંધારામાં લઈ જઈ નન્હેકુમારને આ બંને શખ્સે રિક્ષામાંથી ઉતારી ઢીકાપાટુથી લમધારી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી નન્હેકુમારનો ઓપો કંપનીનો મોબાઈલ, રૂ. ૪૮૦૦ રોકડાવાળુ પાકીટ લૂંટી લીધુ હતું.
આ બાબતની નન્હેકુમારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી શરૂ થયેલી તપાસમાં એલસીબીને જોડાઈ જવાનો એસપી પ્રેમસુખ ડેલુએ હુકમ કરતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી પીએસઆઈ પી.એન. મોરી તથા સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળની ટીમ તપાસમાં જોતરાઈ રહી.
એસટી ડેપોમાં ઉતર્યા પછી નન્હેકુમારને જે રિક્ષામાં બેસાડી લઈ જવાયા હતા. તે રોડ પરના સીસીટીવી ફૂટેજ ચકાસાતા એલસીબીના કાસમ બ્લોચ, યુવરાજસિંહ, ઋષિરાજસિંહને બાતમી મળી હતી કે, આ લૂંટમાં સંડોવાયેલા શખ્સો નૂરી ચોકડી રોડ પર રિક્ષામાં જઈ રહ્યા છે. ત્યાં ધસી ગયેલી એલસીબી ટીમે જીજે-૧૦-ટીઝેડ ૧૯૮૫ નંબરની રિક્ષા રોકી લીધી હતી. તેમા રહેલા ધરારનગર-ર આવાસમાં રહેતા યોગેશ રમેશ મકવાણા ઉર્ફે કાના તથા શંકરટેકરીમાં પાણીના ટાંકા પાસે રહેતા અજય જયંતિભાઈ રાઠોડ ઉર્ફે કારીયા નામના બે શખ્સની અટકાયત કરી લીધી હતી.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત લૂંટ કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સોના કબજામાંથી રૂ. ૪૮૦૦ રોકડા, લૂંટી લેવાયેલો રૂ. ૪ હજારનો મોબાઈલ તથા રૂ. ૫૦ હજારની રિક્ષા કબજે કરાઈ છે. આ શખ્સોનો કબજો સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial