Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વખતે પ્રજાસત્તાક પર્વે દેશની રાજધાની દિલ્હીમાં થનારી ઉજવણી દરમ્યાન ધ્વજવંદન અને પરેડના કાર્યક્રમોમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ વોન ડેર લેયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા વિદેશી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાના છે. તેઓ પ્રજાસત્તાક દિનના આગળના દિવસે જ ભારતમાં આવી જવાના છે અને ત્રણેક દિવસ ભારતમાં રોકાવાના છે. આ પ્રવાસ ટ્રમ્પના ટેરિફાતંક સામે પ્રતિકાર કરવાની રણનીતિ ઘડવા અને યુરોપના દેશો સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાય છે, અને આ દરમ્યાન લેવાનારા નિર્ણયો, વાટાઘાટો અને થનારા કરારો પણ દૂરગામી અને વૈશ્વિક પ્રભાવ પાડનારા હશે, તેવા વૈશ્વિક ચર્ચાના તારણો નીકળી રહ્યા છે. જો કે, ફ્રાન્સે ગાઝા શાંતિબોર્ડમાં જોડાવાનો ઈન્કાર કરીને ટ્રમ્પને માપમાં રહેવાની શિખામણ આપ્યા પછી પણ અમેરિકાના રાષ્ટ્રપતિએ કેનેડાને પણ અમેરિકાનું ગણાવ્યું છે. અત્યારે ટ્રમ્પનું મુખ ગ્રીનલેન્ડ તરફ છે અને ગ્રીનલેન્ડને હડપવા તેની ખૂલ્લેઆમ દાદાગીરી સામે વિશ્વના કેટલાક દેશો એકજૂથ થઈને અવાજ ઉઠાવી શકે છે. જો કે, આ મુદ્દે રશિયાએ "નરોવા, કુંજરોવા" જેવી નીતિ અપનાવી લેતા હવે ગ્રીનલેન્ડ મુદ્દે એશિયા અને યુરોપના દેશોના વલણ પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. ટ્રમ્પના તાજેતરના નિવેદનો જોતા તે હવે "શાંતિદૂત" બનવા માંગતા નથી, અને વેનેઝુએલા અને ગ્રીનલેન્ડ જેવા દેશો હડપી લઈને અથવા ત્યાં અમેરિકાની કઠપૂતલી સરકારો બેસાડીને ટ્રમ્પ સામ્રાજ્યવાદી તથા વિસ્તારવાદી રણનીતિ તરફ આગળ વધી રહ્યા છે, તે જોતાં એક વધુ લોકતાંત્રિક તાનાશાહીનું સ્વરૂપ તેઓ ધારણ કરી રહ્યા હોય, તેમ જણાય છે. રશિયા સાથેની મિત્રતાના કારણે ટ્રમ્પ ભારતના "જાની દુશ્મન" બની ગયા હોય, તેવા કદમ પણ ઉઠાવી રહ્યા હોવાથી હવે ભારત માટે પણ બિનજરૂરી પરંપરા જાળવી રાખીને વર્તમાન ગુંચવાયેલી વૈશ્વિક રાજનીતિમાં હાલ તુરંત ટેરિફાતંક સાથે લડવા માટે કોઈ મજબૂત વિકલ્પ, ખાસ કરીને આર્થિક અને વ્યાપારિક (ઈકોનોમિ એન્ડ ટ્રેડ) માટે શોધવો પડે તેમ છે. તેવામાં ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપના દેશો અને અમેરિકા (ટ્રમ્પ) વચ્ચેના પ્રવર્તમાન મતભેદોના કારણે દોડવું હતુ ને ઢાળ મળ્યો છે, જેનો ભારતે મહત્તમ ફાયદો ઉઠાવવો જોઈએ, તેવો અભિપ્રાય વૈશ્વિક અને આર્થિક પ્રવાહોના રાજનૈતિક અને કુટનૈતિક ગ્લોબલ વિશ્લેષકોના તારણો પણ સામે આવી રહ્યા છે. તેવા સમયે આ યુરોપિયન અતિથિઓનો ત્રણ દિવસનો ભારત પ્રવાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ મનાય છે.
આ સંદર્ભે નેશનલ-ઈન્ટરનેશનલ મીડિયામાં એક અલગ જ ચર્ચા ચાલી રહી છે. જેમાં ટ્રમ્પના ટેરિફ સામે ભારત-ચીન-રશિયા-(બંને) કોરિયા વગેરે દેશો એકજૂથ રચે તેવી સંભાવના, બ્રિક્સના દેશો દ્વારા અમેરિકન ડોલરની સામે એક મજબૂત વૈશ્વિક ચલણ અમલી બનાવવાની દિશામાં આગેકદમ, વૈકલ્પિક માર્કેટોની શોધ અને ખાસ કરીને ટેરિફાતંક ને કાઉન્ટર કરવા એક વૈશ્વિક સમજૂતિ કરવાના વિકલ્પો ચર્ચાઈ રહ્યા છે, અને તેમાં જ ડબલ્યુઈએફ અર્થાત વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં કરાયેલી એક જાહેરાતને ટાંકવામાં આવી રહી છે.
યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની એન્યુલ મિટિંગ (એજીએમ)માં જણાવ્યું હતું કે ભારત અને ઈ.યુ. એક ઐતિહાસિક વ્યાપાર કરવા જઈ રહ્યા છે, અને આ ડીલ થઈ જશે તો યુરોપ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજાર (ઈન્ડિયન માર્કેટ) સાથે જોડાઈ જશે.
વૈશ્વિક વિશ્લેષકો આ ટ્રેડ ડીલને ટ્રમ્પના ટેરિફાતંકનો તોડ કાઢવા ઉપરાંત મહાસત્તા સામે એક આર્થિક તાકાત ઊભી કરવાનો પ્રયાસ માની રહ્યા છે. ભારત અને ઈ.યુ. વચ્ચેની આ ફ્રી ટ્રેડડીલ થાય તો ભારતીય બજાર સાથે યુરોપના દેશોના બજારો પરસ્પર જોડાઈ જાય, અને દુનિયાના કુલ જીડીપીનો ૨૫ ટકા હિસ્સો બની જાય.
આ ફ્રી ટ્રેડ ડીલ બંને માર્કેટો (ભારત અને યુરોપના દેશોની બજારો) માટે ગેમ ચેન્જર પૂરવાર થઈ શકે છે. એજીએમમાં ઉર્સુલા વોન ડેર લેયેને "અમે ફ્રી ટ્રેડ સમજૂતિની ખૂબ નજીક છીએ અને થોડું કામ બાકી છે" તેવા શબ્દપ્રયોગો કર્યા હોવાથી એવું જણાય છે કે હજુ ક્યાંક ને ક્યાંક કોઈ મુદ્દે સંપૂર્ણ સહમતિ સધાઈ નહીં હોય, આ કારણે કદાચ આ ઘોષણાની પુષ્ટિ હાલ તુરંત નહીં થાય, પરંતુ "મધર ઓફ ઓલ ડીલ્સ" ગણાવાતી આ સમજૂતિની જાહેરાત કદાચ પ્રજાસત્તાક પર્વે કોઈ સંયુક્ત કાર્યક્રમ કે પ્રેસ કોન્ફરન્સમાં થઈ શકે છે.
આ "મધર ઓફ ઓલ ડીલ્સ" થઈ જશે તો તે ટ્રમ્પ માટે ઝટકા સમાન હશે. ઈ.યુ.ની પ્રેસિડેન્ટે પોતાના ભાષણમાં કહ્યું હતું કે યુરોપે ઊર્જા, સંરક્ષણ, ડિજિટલ સેકટર અને રો-મટિરિયલ્સના સેકટર્સમાં ઝડપી કદમ ઉઠાવ્યા છે અને હવે તેને કાયમી ફેરફાર (પરમેનેન્ટ ચેઈન્જ)માં બદલાવાનો સમય આવી ગયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ, ટેકનોલોજી સ્પર્ધા, ઊર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પણ ઈ.યુ.ની પ્રાયોરિટી છે. આ પ્રસ્તાવ (ટ્રેડ ડીલ) બંને પક્ષે ગાઢ સહયોગને મજબૂત અને સક્ષમ બનાવશે અને ઈન્ડિયન કંપનીઓને ઈ.યુ.ના સિક્યોરિટી એકશન ફોર યુરોપ કાર્યક્રમ સાથે પણ જોડાશે.
અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે પુરોગામી મનમોહન સરકારે પણ વર્ષ ૨૦૦૪ની ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેની રણનૈતિક ભાગીદારીને આગળ વધારી હતી અને હવે બાજપેયી-મનમોહન સરકારોની યુરોપીય વિદેશ નીતિ તથા વ્યાપાર નીતિને એક નવું સ્વરૂપ મળવા જઈ રહ્યું છે. જો આ ટ્રેડ ડીલ થઈ જશે, તો ભારત અને યુરોપના ૨૦૦ કરોડ લોકોનું એક સહિયારું માર્કેટ ઊભું થશે. જો ભારત અને યુરોપ સિવાયના અન્ય જે દેશો ટેરિફાતંકથી પીડિત છે, તેઓ પણ આ માર્કેટમાં જોડાઈ જશે, તો અમેરિકન ડોલરના વિકલ્પે વૈશ્વિક ચલણ અસરકારક રીતે પરસ્પર નાણાકીય વ્યવહારોનું માધ્યમ બનશે, તો તે મહાસત્તા માટે પડકારરૂપ હશે.
જો કે, ટ્રમ્પની પણ આ હિલચાલ તથા બદલી રહેલા સમીકરણો પર નજર હશે, અને તેઓ પલટીબાજ તરીકે પણ પ્રચલીત થયા છે, ત્યારે આ "મધર ઓફ ઓલ ડીલ્સ" પછી તેઓ કૂણાં પણ પડી શકે છે.
આ તરફ ટ્રમ્પની ટેરિફ નીતિ સામે ભારતના રાજકીય પક્ષો પણ પ્રત્યાઘાતો આપતા હોય છે. અમેરિકા સાથે ટ્રેડ ડીલ અટકી પડયા પછી વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તડાપીટ બોલાવી રહ્યા છે. જુલાઈમાં જ્યારે ૨૬ ટકા ટેરિફની મુદ્દત પૂરી થતી હતી, ત્યારે પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પિયુષ ગોયલ ગમે તે કહે, મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ સામે ઝુકી જશે. તે પછી જ્યારે ટ્રમ્પે ૫૦ ટકા ટેરિફ કર્યો અને યુરોપને પણ ભારત પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવા અનુરોધ કર્યો હતો, ત્યારે પણ મોદી સરકારની વિદેશનીતિ તથા વ્યાપારનીતિ સામે સવાલો ઉઠ્યા હતા.
વૈશ્વિક રાજકીય વર્તુળો અને ડિપ્લોમેટ્સના વર્તુળો તથા પ્રેસ-મીડિયામાં યુરોપિયન દેશો અને ભારત વચ્ચેની પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અંગે મત-મતાંતરો પ્રવર્તે અને આ ટ્રેડ ડીલને એક સમજદારીપૂર્વકનું જોખમ પણ ગણાવાઈ રહ્યું છે. જોઈએ, શું થાય છે તે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial